Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 229
________________ ૧૦૭. લક્ષ્મી રાજસ્થાનનો રજપૂત યુગનો ઇતિહાસ એટલે જૈન શ્રેષ્ઠીઓ અને શાસકોનાં ભવ્યજ્વળ કાર્યોની યશોગાથા. એ સમયે એ મુનિઓ, યતિઓ અને વિદ્વાનોને રાજામહારાજા આદર-સન્માન આપતા હતા. વેપારના ક્ષેત્રે જૈન શ્રેષ્ઠીઓનું વર્ચસ્વ હતું, તો મંત્રી, દીવાન, ભંડારી, કોઠારી જેવાં પદો પર પ્રમાણિકતા અને વફાદારીને કારણે જેનોની નિયુક્તિ થતી હતી. એ જ રીતે ૧ સેનાનાયક, યુદ્ધવીર, દુર્ગપાલ જેવા સંરક્ષણના ઉચ્ચ હોદ્દાઓ પર જૈન વીરો બિરાજતા હતા. - આ તેજસ્વી ઇતિહાસનું એક મહાપ્રતાપી પાત્ર તે મેવાડોદ્ધારક ભામાશા. ભામાશાના પિતા ભારમલ યુદ્ધવીર રાણા સંગના પરમ મિત્ર હતા અને એ સમયે રણથંભોર અને બીજા એક રાજ્યના દુર્ગપાલ હતા. ઈ. સ. ૧૫૩૭માં ચિતોડ પર સમ્રાટ અકબરનું સામ્રાજ્ય સ્થપાયું, ત્યારે રાણા સંગ અને ભામાશાના પિતા ભારમલે ઉદયપુર નગર વસાવીને એને પોતાની રાજધાની બનાવી હતી. ભારમલ કાવડિયાનો એક પુત્ર તારાચંદ યુદ્ધવીર, સૈન્યસંચાલક અને પ્રશાસક હતો. ગૌડવાડ પ્રદેશના શાસક તરીકે રાણા ઉદયસિંહે એને સઘળો કારભાર સોંપ્યો હતો. વીર પિતા અને તેજસ્વી ભાઈ ધરાવતા ભામાશા રાજ્યના દીવાન અને મંત્રીશ્વર હતા. હલદીઘાટીના યુદ્ધમાં પરાજય પામેલા રાણા પ્રતાપે શરણાગતિ સ્વીકારવાને બદલે સ્વતંત્રતા કાજે ઝઝૂમવાનો નિર્ધાર કર્યો. અરવલ્લીના પહાડોમાં ઠેર ઠેર ભટકતા રાણા પ્રતાપનો મોગલ સેના પીછો કરતી હતી. એમાં પણ પોતાની નાની બાળકીને દૂધ માટે ટળવળતી જોઈને રાણા પ્રતાપનું હૈયું ભાંગી ગયું અને નિરાશ અને હતાશ થઈને બીજા પ્રદેશમાં ચાલ્યા જવાનો વિચાર કર્યો. આ સમયે દેશભક્ત અને સ્વામીભક્ત મંત્રી ભામાશા ખામોશ બેસી રહ્યા નહીં. તેઓ દેશોદ્ધારના જુદા જુદા ઉપાયો વિચારતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે રાણા પ્રતાપ નિરાશ હૈયે મેવાડનો ત્યાગ કરી રહ્યા છે, ત્યારે ભામાશાએ રસ્તા વચ્ચે ઊભા રહીને રાણાને અટકાવ્યા. એમણે વીર પ્રતાપને દેશને ખાતર ફરી જંગ આદરવા કહ્યું. રાણા પ્રતાપે કહ્યું, “મારી પાસે નથી સૈનિક કે નથી સંપત્તિ. કઈ રીતે મોગલ શહેનશાહ અકબરનો હું સામનો કરી શકું ?” વીર ભામાશાએ રાણા પ્રતાપને હિંમત આપતાં કહ્યું, “હું આપને વિપુલ ધનભંડાર આપીશ. એના દ્વારા તમે શહેનશાહ અકબર સામે લાંબા વખત સુધી યુદ્ધ ખેલી શકશો.” વીર ભામાશાએ ઘરે જઈને પોતાની પત્ની લક્ષ્મીને સ્વતંત્રતા માટેના યુદ્ધની વાત કરી. દેશને માટે સર્વસ્વ સમર્પણ કરવાની પોતાની ભાવના પ્રગટ કરી. લક્ષ્મીને પણ પરાધીનતાની આ અવસ્થા કોરી ખાતી હતી. ભામાશાએ રાણા પ્રતાપને શસ્ત્રો અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો, ત્યારે લક્ષ્મીએ ભામાશાના હાથમાં ચાવીઓ મૂકતાં કહ્યું, “ભોંયરામાં જેટલું ધન છે તે બધું જ રાણાને પહોંચાડી દેજો, વળી ધન સમર્પતી વખતે મનમાં સહાય કર્યાનો ખ્યાલ કે પાછું લેવાની ઇચ્છા કદી રાખશો નહીં.” ભામાશાએ કહ્યું, “આવું કેમ કહે છે ?” લક્ષ્મીએ કહ્યું, “જુઓ ! આ તો એમનું ધન એમને સમર્પિત કરીએ છીએ, મેવાડની ધરતી અને એના રાણાઓના રાજમાં રહીને જ આપણા પૂર્વજોએ આ વિપુલ ધનસંપત્તિ મેળવી છે. આ ભૂમિમાંથી મળેલી સંપત્તિ દ્વારા આપણું લાલનપાલન થયું. એ માતૃભૂમિના ઉદ્ધાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી સૌથી મોટી ફરજ અને પરમ ધર્મ છે.” લક્ષ્મીના આ શબ્દો સાંભળીને ભામાશાના ઉત્સાહમાં નવા પ્રાણ પુરાયા. મનોમન વિચારવા લાગ્યા કે ધન્ય છે આ નારીને, કે જેનામાં દેશને માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ઉદાત્ત ભાવના છે. પોતાને માટે, ઘડપણને કાજે કે ભવિષ્યને કારણે થોડું પણ ધન કે સોનું રાખવાની એના મનમાં લેશમાત્ર ઇચ્છા નથી. એથીયે વિશેષ તો કશુંય પાછું મેળવવાની કોઈ અભિલાષા નથી. વીર ભામાશા એમની અઢળક સંપત્તિ લઈને રાણા પ્રતાપ પાસે ગયા. બાર વર્ષ સુધી પચીસ હજાર સૈનિકોનો નિર્વાહ થઈ શકે તેટલી વિપુલ સંપત્તિ હતી. રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર જગાવ્યો. ભામાશાના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સર્વત્ર પ્રશંસા થઈ રહી. ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી જિ નેશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રી પ્રદીપકુમાર રસિકલાલ શાહ, લાખીયાણી, હાલ મુંબઈ Jain Education International Hellom Lise only www.alielibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244