________________
૯૯. સોનલ જૈન ધર્મમાં માત્ર સાધુજીવન માટે જ નહીં, બલ્ક ગૃહસ્થજીવન માટે પણ શીલની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે. સતી સોનલનો શીલપ્રભાવ જોઈને અપરાજેય શહેનશાહ અકબરનું મસ્તક પણ ઝૂકી ગયું હતું.
એક વાર મોગલ સમ્રાટ અકબરના દરબારમાં નારીજીવનનો મહિમા ગવાતો હતો. સતી સ્ત્રીઓના ઉચ્ચ આદર્શોની ઘટનાઓ કહેવાતી હતી. શહેનશાહ અકબરે કહ્યું, “સમય કેવો પલટાયો છે ! આજે સતી સ્ત્રીઓનાં દર્શન દુર્લભ બની ગયાં છે. કોઈ બતાવશે આવી સતી સ્ત્રી ?”
શહેનશાહ અકબરના શબ્દો સાંભળીને એના દરબારનો વીર પુરુષ ચાંપરાજ હાંડા ઊભો થયો. એણે કહ્યું કે જહાંપનાહ, મારી પત્ની સોનલ સાચે જ શીલવાન છે. શીલના સુવર્ણ રંગથી એ શોભે છે.
આ સાંભળી શહેનશાહના સિપાહી શેરખાને નારીના સતીત્વની મજાક કરી. આ સાંભળી ચાંપરાજ હાંડાનો ચહેરો લાલઘુમ બની ગયો. એણે ગર્જના કરી, “મારી પત્ની સોનલ સાચે જ સતી સ્ત્રી છે. જો એ શીલવતી નથી એવું કોઈ સાબિત કરી શકે તો મારું મસ્તક કાપીને એના હાથમાં ધરી દેવા તૈયાર છું.”
રંગરાગમાં ડૂબેલા મોજીલા શેરખાનને નારીના શીલધર્મની જાણ ક્યાંથી હોય ? તેથી એણે બીડું ઝડપ્યું કે સોનલ ગમે તેવી હોય, પરંતુ એ શીલવતી નથી એટલું તો સાબિત કરી આપીશ. વીર ચાંપરાજ હાંડાએ એનો આ પડકાર ઝીલી લીધો.
| સોનલને પ્રલોભન આપવા માટે શેરખાને ઘણી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી જોઈ. અપાર સૌદર્ય પણ સોનલને લેશમાત્ર ચળાવી શકે તેમ નહોતું. વૈભવનાં મોહક પ્રલોભનો વચ્ચે એ અવિચળ રહી. સિપાહી શેરખાને જોયું કે સોનલ કોઈ જુદી માટીની નારી છે. એને લાલચથી વશ કરી શકાશે નહીં તેથી પ્રપંચનો પેંતરો રચ્યો.
સિપાહી શેરખાને એક ગણિકાને આ કામ સોંપ્યું. એને કહ્યું કે એ સોનલની ફૈબાના વેશમાં સોનલના ઘરે જઈને એના શીલભંગની સાબિતીરૂપે બતાવી શકાય તેવું કોઈ કામ કરી આપે તો એની આગળ ધનના ઢગલા કરી દેશે. ગણિકા સોનલને ત્યાં ગઈ અને દૂરદૂરના સંબંધો બતાવીને કહ્યું કે એ વર્ષોથી વિખૂટી પડી ગયેલી એની ફૈબા છે.
ગણિકાની મધુર વાણીએ સોનલનું મન જીતી લીધું. ધીરે ધીરે એ સિપાહી શેરખાનની મુરાદ બર આવે તેવું શોધવા લાગી. સોનલ સ્નાન કરતી હતી ત્યારે એના સાથળ પર એક તલ જોયો. એ પછી થોડા દિવસ રહ્યા બાદ ગણિકાએ ખૂબ લાગણી બતાવીને સોનલના ઘેરથી આંસુભરી આંખે દુઃખભરી વિદાય લીધી. સાથોસાથ ચાંપરાજના ઘરમાંથી એક રૂમાલ અને કટાર પણ સેરવી લીધાં.
ગણિકાએ શેરખાનને સઘળી વાત કરી અને સાથોસાથ રૂમાલ અને કટાર આપ્યાં. અકબર બાદશાહના દરબારમાં શેરખાને ગર્વભેર કહ્યું, “જહાંપનાહ, મારી વાત સાચી ઠરી છે. ચાંપરાજ જેના સતીત્વની પ્રશંસા કરતા થાકતા નહોતા, એ સોનલની શીલભ્રષ્ટતાનો પુરાવો આપની સમક્ષ પેશ કરું છું.” આમ કહી એણે સોનલના સાથળ પરના તલની વાત કરી અને સાથોસાથ એના ઘરના રૂમાલ અને કટાર બતાવ્યાં.
| વીર ચાંપરાજ હાંડાએ પોતાનું માથું કાપી આપવાની તૈયારી કરી, મરતાં પહેલાં એ સોનલને મળવા ગયો અને બોલ્યો, “સોનલ, તારું શીલ ગયું. હવે મારું શિર જશે.”
આમ કહીને ગુસ્સે ભરાયેલો વ્યાકુળ ચાંપરાજ હાંડા રાજદરબાર તરફ ચાલ્યો. પતિના શબ્દથી એકાએક ચમકેલી સોનલ પરિસ્થિતિને પામી ગઈ. સોનલ નર્તકીનું રૂપ લઈને રાજદરબારમાં પહોંચી ગઈ. એનું કલામય નૃત્ય જોઈને શહેનશાહ પ્રસન્ન થયા અને એને વરદાન માગવાનું કહ્યું. વરદાનમાં સોનલે શહેનશાહને પોતાની વાત સાંભળવા કહ્યું. એણે શેરખાને કરેલા પ્રપંચનો ભેદ ખોલી નાખ્યો. ચાંપરાજ હાંડાના આનંદનો પાર ન રહ્યો. શહેનશાહે શેરખાનને રાજ્યમાંથી ચાલ્યા જવા ફરમાન કર્યું. સોનલના સતીત્વનો મહિમા સર્વત્ર ગુંજી રહ્યો.
- ધર્મસ્નેહસૌજન્ય મુનિ શ્રી સુજ્ઞાતચંદ્રવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી સુયશચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી
શ્રી બાબુલાલ મંગલદાસ વખારિયા પરિવાર, મુંબઈ
Jain Education International
Focate & Personal use only
www.jainelibrary.org