Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 221
________________ ૧૦૩. સુભદ્રા સતી પ્રબળ ધર્મનિષ્ઠા અને અડગ સતીત્વ ધરાવતી સુભદ્રાના જીવનમાં અણધારી આપત્તિ આવી અને ચોમેરથી નિંદા અને અપમાન સહન કરવાં પડ્યાં. ચારિત્ર્યશીલ સુભદ્રાને કપાળે હીન ચારિત્ર્યનું કલંક લાગ્યું, પણ અંતે સત્યનો જય થાય તેમ અગણિત અગ્નિપરીક્ષા બાદ આખરે એના શીલધર્મનો વિજય થયો. વસંતપુર નગરના રાજા જીતશત્રુના અમાત્ય જિનદાસની પુત્રી સુભદ્રા સુશીલ અને ધર્મપરાયણ હતી. જિનદાસના જૈન ધર્મથી શોભતા વાતાવરણમાં પુત્રીનો ઉછેર થયો અને જૈન ધર્મના સંસ્કારોથી શોભતા કોઈ સુપાત્ર યુવાન સાથે એનો વિવાહ કરવાનો વિચાર કર્યો. આ સમયે ચંપાનગરીમાં બુદ્ધદાસ નામનો જૈનેતર વણિક રહેતો હતો, પરંતુ સુભદ્રા સાથે વિવાહ કરવા માટે એ જૈન ધર્મનો અભ્યાસ કરીને જૈન શ્રાવકના આચાર પાળવા લાગ્યો. જિનદાસે એને જૈન ધર્મના સંસ્કાર ધરાવતો જાણીને સુભદ્રા સાથે ઠાઠમાઠથી લગ્ન કરાવ્યાં. સુભદ્રાના શ્વશુરગૃહમાં અન્ય ધર્મનું પાલન થતું હોવાથી એની સાસુએ વહુનાં ક્રિયા અને આચારની આકરી ટીકા કરવા માંડી. સુભદ્રાને બુદ્ધદાસે કરેલા છળકપટનો ખ્યાલ આવ્યો, પરંતુ શાંત રહી. એક વાર માસક્ષમણ(મહિનાના ઉપવાસ)ના તપસ્વી મુનિ ઘેર વહોરવા આવ્યા ત્યારે એમની આંખમાં સુભદ્રાએ તણખલું પડેલું જોયું. તણખલું કાઢે નહીં તો તપસ્વી મુનિની આંખો અંધ બની જાય તેમ હતી. સુભદ્રાએ પોતાની જીભથી મુનિરાજની આંખનું તણખલું દૂર કર્યું. બન્યું એવું કે સુભદ્રાના કપાળ પરનું તિલક મુનિરાજના કપાળ પર ચોંટી ગયું. વહુની વગોવણીની તક શોધતી સાસુને જોઈતું અને ભાવતું મળ્યું. એણે સુભદ્રા પર ચારિત્ર્યહીન હોવાનો આરોપ મૂક્યો. એના પતિને પણ શંકા જાગી અને પરિણામે એ સુભદ્રાની ઉપેક્ષા કરવા લાગ્યો. સુભદ્રાએ વિચાર્યું કે એણે કશી ભૂલ કરી નથી, છતાં એના કપાળે કલંક લગાડવામાં આવ્યું છે. એણે નિશ્ચય કર્યો કે શાસનદેવી પ્રગટ થઈને મારું આ કલંક દૂર નહીં કરે ત્યાં સુધી કાઉસગ્ગમાં રહીશ. આ સમયે ચંપાનગરીમાં વિલક્ષણ ઘટના બની. નગરના દરવાજા બંધ થઈ ગયા અને ઘણી મહેનત, અથાગ પ્રયત્નો અને કેટલાય ઉપાયો કરવા છતાં એને કોઈ ખોલી શકતું નહોતું. જો કોઈ સતી સ્ત્રી કાચા તાંતણે કૂવામાંથી ચાળણી વડે જળ ભરીને દરવાજાને છાંટશે તો દરવાજાઓ ખૂલી જશે એવી આકાશવાણી થઈ. નગરની રાણી અને અન્ય સ્ત્રીઓએ ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ સફળ ન થયાં. સુભદ્રાએ પોતાની સાસુને કહ્યું, “તમે રજા આપો તો હું પ્રયત્ન કરી જોઉં.” સાસુનો કોપ ફાટી નીકળ્યો. તેઓ બોલ્યાં, “એક વાર તો સાધુમાં લોભાઈને આખા કુળનું નામ બોળ્યું, છતાં તને શાંતિ થઈ નથી. હવે આખા રાજમાં જાહેરમાં કુળને કલંકિત કરવું છે ? ફિટકાર છે તને.” સાસુનાં હૈયાસોંસરા વીંધી નાખે તેવાં કડવાં વેણ સાંભળવા છતાં સુભદ્રા શાંત રહી. એણે નમ્રતાથી કહ્યું, “હે માતા ! તમારી વાત સાચી છે કે હું નિષ્ફળ જઈશ તો કુળકલંકિની બનીશ, પરંતુ હું આકાશમાં પ્રશ્ન પૂછું છું અને એનો જવાબ એવો મળે કે ‘દરવાજા ઉઘાડો' તો તમે મને જવા દેજો.” સુભદ્રાએ આકાશ ભણી દૃષ્ટિ કરી અને પ્રશ્ન પૂછ્યો તો એને ઉત્તર મળ્યો, ‘દરવાજા ઉઘાડો.’ સુભદ્રાને શાસનદેવીની સહાય હતી. એણે કાચા તાંતણે કૂવામાંથી જળ કાઢીને નગરના દરવાજા પર નાખ્યું અને દરવાજા ખૂલી ગયા. આમ ત્રણ દરવાજા ખુલી ગયા ત્યારે ચોથો દરવાજો ખોલવા માટે શાસનદેવીએ કહ્યું કે જો કોઈ બીજી સ્ત્રી સતી હોય તો આ દરવાજો ઊઘડશે. અન્ય ઘણી સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો ખૂલ્યો નહીં. આજ સુધી એ દરવાજો બંધ છે. રાજા અને નગરજનો સુભદ્રાની ધર્મનિષ્ઠાથી પ્રભાવિત થયાં. ચોમેર જૈન ધર્મનો મહિમા સહુ અનુભવી રહ્યાં. સાસુ અને પતિએ સુભદ્રાની ક્ષમાયાચના કરી અને સાથોસાથ સાચા દિલથી જૈન ધર્મ અંગીકાર કર્યો. સમય જતાં સુભદ્રાએ દીક્ષા લઈને કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામીને મોક્ષગતિ પ્રાપ્ત કરી. ધર્મસ્નેહસૌજન્ય ૫. પૂ. આચાર્ય શ્રી વિજય હૂંકારચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી મોતીબહેન ચીમનલાલ કસ્તુરચંદ પરિવાર, હ. રમેશભાઈ સી. શાહ, ખંભાત, હાલ મુંબઈ શ્રીમતી હીરાલક્ષ્મીબેન રતિલાલ, ભાવનગર Jain Education International For Provilite & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244