________________
૬૮. સેનાપતિ આભૂ
ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ પર વિશાળ મુસલમાન સેના ચડી આવી. ગુજરાતના અંતિમ સોલંકી રાજા ભીમદેવ (દ્વિતીય) એ સમયે રાજ્યમાં ઉપસ્થિત નહોતા, આથી સહુ કોઈના મનમાં ચિંતાયુક્ત સવાલ જાગ્યો કે મુસ્લિમ આક્રમણથી કઈ રીતે રાજ્યની રક્ષા કરી શકાય ? આમ તો સેનાપતિ સેના લઈને યુદ્ધ લડે, પરંતુ સેનાપતિપદે હજી હમણાં જ શ્રીમાળી જૈન રજપૂત આભૂની નિયુક્તિ થઈ હતી. સાવ નવોસવો સેનાપતિ યુદ્ધભૂમિ પર સેનાને કઈ રીતે માર્ગદર્શન આપી શકે ?
આમ ત્રણ પ્રકારની ચિંતાથી અણહિલપુર પાટણ ઘેરાઈ ગયું. એક તો પ્રજાઉત્સાહ અને સૈન્યશક્તિ આપે તેવા રાજા ભીમદેવ હાજર નહોતા. બીજી કોઈ એવી વ્યક્તિ નહોતી કે જેના પર રાજ્યની સુરક્ષાનો મદાર રાખી શકાય. ત્રીજી વાત એ હતી કે વિશાળ મુસલમાન સેના સામે ઝઝૂમી શકે એટલી પૂરતી અને વ્યવસ્થિત સેના પણ નહોતી. આથી રાજ્યના અધિકારીઓ ચિંતામાં ડૂબી ગયા હતા.
ગુજરાતનાં મહારાણીએ જોયું કે હવે કોઈ ઉપાય નથી. મુસલમાન સેના સાવ નજીક આવી ચૂકી છે. એક એક પળ કીમતી છે, ત્યારે તત્કાળ નિર્ણય લેવાની જરૂર હતી. આખરે એણે સેનાપતિ આભૂને બોલાવ્યા અને યુદ્ધનો દોર સોંપ્યો. સેનાપતિ આભૂએ સૈનિકોને એકઠા કરીને એમનામાં ઉત્સાહ જગાવ્યો. દુશ્મનોને મૂંઝવી નાખે એવી વ્યૂહરચના કરી. બીજે દિવસે પ્રાતઃકાળે યુદ્ધનો પ્રારંભ થયો. સેનાપતિ આભૂ ધર્મનિષ્ઠ શ્રાવક હતો. દિવસમાં બે વાર સવારે અને સાંજે પ્રતિક્રમણ કરતો હતો. સંધ્યાની લાલિમા આકાશના ખૂણે છવાઈ ગઈ. પ્રતિક્રમણનો સમય નજીક આવ્યો. સેનાપતિ આભૂ વિચારવા લાગ્યો કે કોઈ એકાંત સ્થળે જઈને પ્રતિક્રમણ કરી લઉં, પરંતુ આ યુદ્ધભૂમિની વચ્ચે એકાંત સ્થળ ક્યાંથી મળે ? સંહારથી ભરેલા સમરાંગણમાં સમતાંગણ જેવું પ્રતિક્રમણ કેવી રીતે થઈ શકે ? જો સેનાપતિ જ સમરાંગણ છોડીને જાય તો તો આફતની આંધી જાગે. સેનાપતિ વિના સેના હતોત્સાહ થઈ જાય અને એના લલાટે પળવારમાં પરાજય લખાઈ જાય. એક બાજુ દૃઢ ધર્મશ્રદ્ધા હતી, બીજી બાજુ એના પાલનમાં પારાવાર મુશ્કેલી હતી. એક બાજુ ધર્મ, બીજી બાજુ સંકટ ! આખરે યુદ્ધભૂમિ પર હાથીની અંબાડી પર બેઠાં-બેઠાં પ્રતિક્રમણનો પ્રારંભ કર્યો. પ્રતિક્રમણમાં જ્યારે “જેમે જીવા વિરાહિયા એગિદિયા બેઇંદિયા (એકેન્દ્રિય, બેઇંદ્રિય - જે કોઈ જીવની મેં વિરાધના - હિંસા - કરી હોય)” ઇત્યાદિ શબ્દોનું સેનાપતિ આભૂ ઉચ્ચારણ કરતા હતા ત્યારે કોઈ સૈનિકે એક બીજા સૈનિકને કહ્યું, “અરે ! જુઓ તો ખરા ! આપણા સેનાપતિ યુદ્ધના મેદાનમાં કેવું અહિંસક કૃત્ય કરી રહ્યા છે ! એક બાજુ મારો-કાપોના હોકારા-પડકારા સંભળાય છે. સામસામે દુશ્મનો પર શસ્ત્રો ઝીંકાય છે. આવે સમયે એ “એગિંદિયા બેઇંદિયા” કરી રહ્યા છે. આ બિચારો નરમ-નરમ શીરો ખાનારો શ્રાવક યુદ્ધમાં ક્યાંથી બહાદુરી બતાવશે ?’’
આ વાત છેક મહારાણીના કાન સુધી પહોંચી. મહારાણીના મનમાં પારાવાર ચિંતા જાગી, પરંતુ હવે નિરૂપાય હતાં. બીજે દિવસે પ્રાતઃકાળે યુદ્ધનો પ્રારંભ થયો. સેનાપતિ આભૂએ દુશ્મનો પર એવું પ્રબળ આક્રમણ કર્યું કે એમને શરણાગતિ સ્વીકારવી પડી. પાટણની પ્રજાએ સેનાપતિ આભૂનો જયજયકાર કર્યો અને મહારાણીએ એમનું સન્માન સાથે સ્વાગત કર્યું.
મહારાણીએ કહ્યું, “તમને યુદ્ધભૂમિ પર પ્રતિક્રમણ કરતાં જોઈને સૈનિકોએ ઘોર નિરાશા અને મેં પારાવાર વ્યથા અનુભવી હતી, પરંતુ તમારી વીરતા જોઈને આજે અમે સહુ આશ્ચર્યમુગ્ધ બન્યાં છીએ.”
સેનાપતિ આભૂએ ઉત્તર આપ્યો, “મારું અહિંસાવ્રત મારા આત્મા સાથે સંબંધિત છે. દેશ કે રાજ્યની રક્ષા એ મારું પરમ કર્તવ્ય છે. એને માટે વધ કરવાની કે હિંસા કરવાની જરૂર પડે તો તેમ કરવું એ મારો પરમ ધર્મ સમજું છું. મારું શરીર એ રાષ્ટ્રની સંપત્તિ છે, તેથી રાષ્ટ્રની આજ્ઞા અને આવશ્યકતા અનુસાર તેનો ઉપયોગ થવો જોઈએ. શરીરમાં રહેલો આત્મા અને મન મારી પોતાની સંપત્તિ છે. એ બંનેને હિંસાભાવથી દૂર રાખવાં એ જ મારા અહિંસા વ્રતનું લક્ષણ છે.”
સેનાપતિ આભૂનો દેશપ્રેમ અને ધર્મનિષ્ઠા જોઈને સહુનાં મસ્તક ઝૂકી ગયાં !
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education Internation
સ્વ. જીવરાજ નાનચંદ બગડિયાના આત્મશ્રેયાર્થે વંદુબહેન જીવરાજભાઈ બગડિયા પરિવાર, અમદાવાદ
www.jalmallbrary.org