Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 161
________________ ૭૩. પેથડશા ૮૪ જિનાલય, અનેક ઉપાશ્રય, પેથડવિહાર મંદિર અને ગ્રંથભંડારનું નિર્માણ કરનારા પેથડશાએ અનેક ધર્મકાર્યો કર્યાં. પિતા દેદાશાના મૃત્યુ પછી પેથડશાની પરિસ્થિતિ બદલાતાં એકાએક નિર્ધન બની ગયા. એમણે આચાર્ય ધર્મઘોષસૂરિ પાસે પરિગ્રહ-પરિમાણ વ્રત માગ્યું, પરંતુ ગુરુએ એનું ઉજ્જ્વળ ભાગ્ય જોઈને પાંચ લાખ ટકાનું પરિમાણ વ્રત આપ્યું. સમય જતાં ઘીનો વેપાર ધમધોકાર ચાલતાં પેથડશા અઢળક સંપત્તિ પામ્યા. એક વખત ખંભાતના સંઘપતિ ભીમજીએ સત્પાત્ર દાનની ભાવનાથી ચતુર્થ વ્રતધારીઓને (બ્રહ્મચર્ય પાલનનું વ્રત ધરાવનારાઓને) વસ્ત્રદાન કર્યું. એ વસ્ત્રની એક જોડી પેથડ મંત્રીને મોકલી. એ વસ્ત્ર પહેરીને યુવાનીમાં જ પેથડ અને એમની પત્નીએ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું. એમ કહેવાય છે કે બ્રહ્મચર્યથી એમની આત્મશક્તિનો એવો તો વિકાસ થયો કે એક વાર રાણીને કાલજ્વર થયો હતો, તે પેથડશાનું વસ્ત્ર પહેરતાં જ્વર ઊતરી ગયો હતો. રાજાના મદાંધ હાથી પર એ વસ્ત્ર નાખતાં શાંત થઈ ગયો હતો. માંડવગઢના મંત્રી પેથડશાની ઇચ્છાને કારણે રાજાએ રાજ્યમાં અમારિ ઘોષણા (અહિંસાપાલનની ઘોષણા) કરી હતી. પેથડ મંત્રીએ સાત લાખ યાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ પણ કાઢ્યો હતો. પેથડશા અગમચેતી ધરાવતા રાજપુરુષ હતા. વિક્રમની ૧૩મી સદીના અંત અને ૧૪મી સદીના આરંભકાળના એ સમયે અલ્લાઉદ્દીન ખીલજીની ક્રૂરતાને કારણે પ્રજા ત્રાહિમામ્-ત્રાહિમામ્ પોકારતી હતી. સંખ્યાબંધ દેવમંદિરો અને ધર્મતીર્થો ધરાશાયી બન્યાં હતાં. ધર્મશાસ્ત્રોના ભંડાર આગમાં ભસ્મીભૂત બનીને ખાખ થયા હતા અને દેવમૂર્તિઓ પર સર્વનાશ વરસવામાં કશું બાકી રહ્યું નહોતું. આવે સમયે માંડવગઢના મંત્રી પેથડશાએ રાજ્યના કોટ-કિલ્લા મજબૂત કરાવ્યા હતા. અન્નભંડારો ભરાવી લીધા હતા. માંડવગઢનું રાજ્ય એ પતનના કારમા કાળમાં અને ગોઝારા સમયમાં શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું. વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને અમીટ કીર્તિની વચ્ચે જીવતા પેથડશાની ધર્મભાવના એટલી જ અનેરી હતી. પ્રભુભક્તિ અને સાધર્મિક ભક્તિના માર્ગે એમની સંપત્તિ વહેતી હતી. આ સમયે દક્ષિણ ભારતનું દેવિગિર (દોલતાબાદ) નામાંકિત નગર ગણાતું હતું. અહીં ધર્મદ્વેષને કારણે જૈન ધર્મનો પ્રસાર અશક્ય બન્યો હતો. આ સમયે મંત્રી પેથડશાએ વિચાર કર્યો કે આવા જાણીતા નગરમાં એકાદ જિનપ્રાસાદ તો હોવો જોઈએ. મનમાં વિચાર્યું કે જો જિંદગીમાં આટલું પણ ધર્મકાર્ય થઈ શકે નહીં, તો જીવતરનું પણ સાર્થક્ય શું ? કામ જેટલું પવિત્ર હતું એટલું જ પારાવાર મુશ્કેલીઓવાળું હતું. વિચક્ષણ મંત્રી પેથડશાએ દેવગિરિથી થોડે દૂર આવેલા ઓંકારપુર નગરમાં દેવગિરિના હેમ નામના પ્રધાનના નામથી દાનશાળા શરૂ કરી. દાનશાળાની નામના સાથે પ્રધાનની કીર્તિ ચોમેર પ્રસરતી ગઈ. હેમ પ્રધાને તપાસ કરી તો જાણ થઈ કે માંડવગઢના મંત્રી પેથડશા પોતે અઢળક ધન ખર્ચીને એમને યશ અપાવે છે. દુનિયામાં પારકાના ભોગે પોતે યશ લેનારાનો પાર નથી. પોતાના ભોગે પારકાને યશના ભાગી બનાવનાર તો કોઈ વિરલા જ હોય. હેમ પ્રધાને મંત્રી પેથડશાને મળવા બોલાવ્યા. પેથડશાએ કહ્યું કે દેવવિગિર નગરમાં મારા ઇષ્ટ દેવનો ભવ્ય પ્રાસાદ બનાવવો છે. પૈસાની કોઈ કમીના નથી. માત્ર આપની રાજધાનીમાં આને માટે યોગ્ય જમીન આપવાની કૃપા કરો. પ્રધાન હેમે પેથડશાને વચન આપ્યું અને સમય જતાં રાજા રામદેવને રીઝવીને એનું પાલન કર્યું. દેવગિરિની ધરતી પર સ્વર્ગના દિવ્ય વિમાન જેવું ગગનચુંબી દેવપ્રાસાદ સર્જ્યું. અદ્ભુત માંડણી, કામણગારી કોતરણી અને જીવંત હોય એવાં શિલ્પોથી રુદ્ર મહાલયની ઊંચાઈનું સ્મરણ કરાવે એવા જિનમંદિરનું સર્જન થયું. વિ. સં. ૧૩૩૫માં એ મહાપ્રાસાદ અને ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની ધર્મમહોત્સવ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી. મંત્રીશ્વરનું હૃદય ગદ્ગદ બની ગયું. પોતાનો જન્મ સફળ થયો હોય તેમ લાગ્યું ! આજે પણ ‘અમૂલિકવિહાર' જિનપ્રાસાદ મંત્રીશ્વર પેથડશાની ધર્મભાવનાની યશોગાથા સંભળાવે છે. Jain Education International ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી શ્રી મહેન્દ્રભાઈ ત્રિકમલાલ શાહ પરિવાર, હ. પદ્માબહેન, અમદાવાદ www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244