Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 201
________________ ૯૩. બકુલદેવી; ગુજરાતના ઇતિહાસનું એક વિલક્ષણ નારીપાત્ર છે બકુલાદેવી. કાદવમાં કમળ ઊગે તેમ વિલાસી વાતાવરણ વચ્ચે આ ચારિત્ર્યનિષ્ઠ નારી જીવતી હતી. વાસના, વિકાર અને આસક્તિનો મહાસાગર ઊછળતો હોય, તેની વચ્ચે જીવતી બકુલાદેવી દૃઢ પતિવ્રતા નારી હતી. અપ્રતિમ લાવણ્ય ધરાવતી બકુલાદેવી વારાંગનાની પુત્રી હતી. એ સમયના ગુજરાતની રાજધાની પાટણમાં એમ કહેવાતું કે રૂપ તો બકુલાદેવીનું. એના જેવી રૂપવાન બીજી કોઈ કન્યા ન મળે. ન જડે ! બકુલાદેવી માત્ર બાહ્ય સૌંદર્ય જ ધરાવતી નહોતી, એનું આંતરિક સૌંદર્ય પણ એટલું જ અનુપમ હતું. વારાંગનાને ત્યાં જન્મી હોવા છતાં અત્યંત પવિત્ર જીવન ગાળતી હતી. એને કુળવાન સ્ત્રી જેવું લગ્નજીવન ગાળવાની અભિલાષા હતી. પરિણામે ચોતરફ વિલાસ હોવા છતાં એ એનું શીલ જાળવતી હતી. ગુજરાતના રાજવી ભીમદેવને જાણ થઈ કે રૂપવતી બકુલાદેવી આદર્શ શીલવતી નારી છે. એમણે વારાંગનાના આવાસમાં વસતી આ નારીના શીલની કસોટી કરવાનું નક્કી કર્યું. રાજા ભીમદેવે પાણિગ્રહણની વિધિરૂપે રાજસેવકો સાથે કીમતી ખાંડું મોકલ્યું. બકુલાદેવીએ રાજાની લગ્ન કરવાની ઇચ્છા જાણી અને એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. એ જ સમયે શુભમુહૂર્ત જોઈને રાજા ભીમદેવ માળવાના રાજા ભોજ પર સેના લઈને આક્રમણ કરવા નીકળ્યો. ગુજરાત અને માળવા વચ્ચે લાંબા સમયથી અવિરત સંઘર્ષ ચાલતો હતો. બંને પાડોશી રાજ્યો પરસ્પર પર પ્રભુત્વ મેળવવા મથતા હતા. માળવાના રાજા ભોજને પરાસ્ત કરવો એ ઘણી કપ૨ી બાબત હતી. આ યુદ્ધમાં બંને બળિયા હોવાથી જય-પરાજયનો ફેંસલો આસાન નહોતો. મહિનો કે બે મહિનામાં યુદ્ધનો અંત આવે તેમ નહોતું. ભીમદેવ કુશળ યોદ્ધો હતો. એણે વીરની માફક જંગ ખેડીને વિજય મેળવ્યો. આ યુદ્ધમાં બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો. કેટલાંકની એવી ધારણા હતી કે આટલો લાંબો સમય યુવાન અને સ્વરૂપવાન બકુલાદેવી પોતાનું શીલ જાળવી શક્શે નહીં. એવી પણ દહેશત હતી કે જ્યાં રાગની છોળો ઊછળતી હોય, ત્યાં કઈ રીતે એ વિરાગમાં, વિરહમાં રહી શકે ? રાજા ભીમદેવે કીમતી ખાંડું મોકલ્યું એ દિવસથી બકુલાદેવી એમને વરી ચૂક્યાં હતાં. રાજા યુદ્ધમાં ગયા એ સમયથી કીમતી વસ્ત્રોનો ત્યાગ કર્યો. અંગ પર એકેય આભૂષણ ધારણ ન કરે. પતિવ્રતાના નિયમો પાળીને શુદ્ધ શીલનું પાલન કર્યું. માલવિવજેતા ભીમદેવ પાટણમાં શત્રુઓને જીતીને ત્રીજે વર્ષે પાછા આવ્યા. રાજાએ ખાતરી કરી તો જાણવા મળ્યું કે બકુલાદેવીએ સાચી પતિવ્રતા સ્ત્રીની માફક રહીને વારાંગનાના આવાસમાં જીવન ગાળ્યું હતું. રાજા ભીમદેવને એનામાં વિશ્વાસ બેઠો. રાજાના વિરહમાં બકુલાદેવીની કાયા કૃશ થઈ ગઈ હતી. બે વર્ષ સુધી એના ચહેરા પર ચિંતાનાં વાદળો છવાયેલાં રહ્યાં હતાં. જીવનના આનંદપ્રમોદનો એણે ત્યાગ કર્યો હતો. બકુલાદેવીના પતિવ્રતની ખાતરી થતાં રાજા ભીમદેવે એની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. ગુજરાતના રાજવીને આ અંગે વિરોધનો સામનો કરવો પડ્યો. લોકોને મોઢે ગળણું બાંધી શકાતું નથી. કોઈએ કહ્યું કે બકુલાદેવીના કુળની કશી જાણ નથી. ભવિષ્યમાં એને પુત્ર જન્મે તો એ ગુજરાતની ગાદીનો વારસ થાય. એના પુત્રમાં રાજવંશી લોહી ક્યાંથી હોય ? રાજા ભીમદેવે હસતે મુખે સઘળા વિરોધોનો સામનો કર્યો. કહ્યું કે, “ભલે એ વારાંગનાની પુત્રી હોય, પરંતુ ચારિત્ર્યપાલનમાં કુલીન સ્ત્રીઓને પણ ટપી જાય તેવી છે.” આટલા રૂપ અને આવા વાતાવરણ વચ્ચે બે-બે વર્ષ સુધી પતિવ્રતાપણાનું અખંડ પાલન કરનાર બકુલાદેવી તરફ ધીરે ધીરે સહુનો આદર વધતો ગયો. એને ગુજરાતની રાણીનું માન મળ્યું. આ બકુલાદેવીની કૂખે ક્ષેમરાજનો જન્મ થયો. આ ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ. દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળનો પુત્ર તે પરમાર્હત સમ્રાટ કુમારપાળ. ભીમદેવ અને બકુલાદેવીની ઘટના વિ. સં. ૧૪૭૫માં રચાયેલા પ્રાચીન ‘કુમારપાળપ્રબંધમાં સાંપડે છે. ભીમદેવે વિ. સં. ૧૦૯૯માં સિંધ પર ચડાઈ કરી હતી. એ પછી સિંધ પર દિલ્હીનો હિંદુ રાજા ચડી આવતાં ભીમદેવે અદ્વિતીય પરાક્રમ દાખવીને વિજય મેળવ્યો હતો. ભીમદેવના જીવનમાં બકુલાદેવી સાથેનાં લગ્નની કથા ઇતિહાસમાં આગવી જણાય છે. Jain Education International ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી પ્રશમચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી શ્રીમતી અંજનાબહેન ચંપકલાલ હીરાલાલ છક્કડદાસ શાહ પરિવાર, અમદાવાદ & Personal Lise-Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244