Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ ૬૭. શેઠ જગડુશાદ - અહિંસાનું પાલન અને કરોડોની સંપત્તિનું દાન એ જગડુશાની વિશેષતા હતી. એક વખત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે કોયલા પહાડીની નજીક એમનું જહાજ થંભી ગયું. એમ કહેવાતું કે મધ્યાહ્ન સમયે દેવીની દૃષ્ટિ જે વાહન પર પડે તે ભસ્મીભૂત થઈ જાય. આ લોકમાન્યતા સાંભળીને જગડુશા દેવીના મંદિરમાં આવ્યા. આસનસ્થ થઈને ત્રણ ઉપવાસ કર્યા. દેવી પ્રસન્ન થતાં આ સંહાર બંધ કરવાની જગડુશાએ પ્રાર્થના કરી. કથા એમ કહે છે કે દેવીએ કહ્યું કે મંદિરનાં ૧૦૮ પગથિયાં પર એક એક પાડાને બલિરૂપે રાખવામાં આવે. જગડુશાએ ૧૦૬ પાડા મંગાવ્યા. બીજે પગથિયે પોતાના દત્તક પુત્રને અને પહેલે પગથિયે પોતે ઊભા રહ્યા. પશુઓના સંહારને બદલે પહેલાં પોતાનો બલિ ચડાવવા માટે પોતાની ડોક પર તલવાર ચલાવવા ગયા, ત્યાં જ કોઈ અદેશ્ય શક્તિએ એમનો હાથ પકડી લીધો. જગડુશાની જીવદયા અને સાહસની ભાવના જોઈને દેવી પ્રસન્ન થયાં. દેવીએ કહ્યું કે મારા દક્ષિણ દિશા તરફના મંદિરને ઉત્તર દિશા તરફનું બનાવી દે, જેથી કોઈ સંહાર ન થાય. આજે સૈકાઓ પછી પણ કોયલા પહાડીની યાત્રામાં દેવીનાં દર્શન કર્યા બાદ જ ગડુશા અને એમના પુત્રની આરતી ઉતારવામાં આવે છે. કચ્છના કંથકોટથી જગડુશાના પિતા સોળશાહ ભદ્રેશ્વર આવીને વસ્યા. જગડુશાની માતા લક્ષ્મીબાઈ દયાની સાક્ષાત મૂર્તિ હતાં. જગડુશાના પિતાનો વેપાર દેશ-પરદેશમાં ચાલતો હોવાથી એમને ત્યાં આવતા સંખ્યાબંધ આડતિયાઓ પાસેથી દરિયાઈ સફરની રોમાંચક ગાથાઓ સાંભળી હતી. એ સમયે બાળક જગડૂ એમ કહેતો કે હું મોટો થઈશ ત્યારે સો વહાણો લઈને નીકળીશ અને તમારા દેશમાં મારો વેપાર જમાવીશ. પિતાનું અવસાન થતાં જગડુશાએ વેપાર સંભાળ્યો. એ સમયે ભદ્રેશ્વર ગુજરાતના તાબામાં હતું અને મહારાજ ભીમદેવની સત્તા નબળી પડતી હતી. આ તકનો લાભ લઈને થરપારકરનો અભિમાની રાજા પીઠદેવ ભદ્રેશ્વર પર ધસી આવ્યો અને એના કિલ્લાને તોડી નાખ્યો. પરિણામે ભદ્રેશ્વર માથે પ્રત્યેક ક્ષણે ભય તોળાતો હતો, ત્યારે જગડુશાએ કિલ્લો બાંધવાનો વિચાર કર્યો. અભિમાની પીઠદેવે ધમકી આપી પરંતુ એનાથી સહેજે ચળ્યા વિના છ માસમાં કિલ્લો તૈયાર કરી દીધો. જગડુશાએ શત્રુંજય અને ગિરનારના ભવ્ય સંઘો કાઢીને યાત્રા કરી. અનેક મંદિરો બંધાવ્યાં. દેશાવરથી આવતા મુસલમાન વેપારીઓને નમાજ પઢવા માટે ખીમલી મસ્જિદ પણ ચણાવી આપી. | વિ. સં. ૧૩૧ ૧માં જગડુશા એક વખત પરમદેવસૂરિ આચાર્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા ત્યારે દાન વિશે વ્યાખ્યાન આપ્યા પછી ગુરુદેવે જગડુશાને એકાંતમાં બોલાવીને કહ્યું, “તમારી લક્ષ્મીના સદ્વ્યયનો ખરો પ્રસંગ આવી રહ્યો છે. હવે ત્રણ વર્ષ ઉપરાઉપરી દુષ્કાળ આવશે. તેથી બને એટલું ધાન્ય ભરી રાખજો. એ ધાન્યથી દુષ્કાળમાં સહુને જિવાડજો, મનુષ્યસેવાનો આવો મહાન મોકો ફરી મળવો મુશ્કેલ છે.” આ સમયે જગડૂશાની દુકાનો ઉત્તરમાં ગિજની-કંદહાર સુધી, પૂર્વમાં બંગાળ સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયાપારના દેશોમાં પણ હતી. બધે અનાજની ખરીદી શરૂ થઈ. ધાન્યના કોઠારો પર જગડુશાએ એક તામ્રપત્ર લખાવ્યું તેમાં ફક્ત આટલા જ શબ્દો લખ્યા આ કણ ગરીબો માટે છે.” - જગડુશા | વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫નાં વર્ષમાં ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ આવ્યા. આ દુષ્કાળમાં જગડુશાહે ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું. એકસો પંદર જેટલી દાનશાળા ખોલી જેમાં પ્રતિદિન પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. આ દુષ્કાળમાં ચાર કરોડ, નવ્વાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વિનામુલ્ય વહેંચ્યું અને નગદ સાડા ચાર કરોડ રૂપિયા ખચ્ય. રાજા-મહારાજાઓએ એમને પાલનહારનું બિરુદ આપ્યું. આજે પણ મહાન દાનેશ્વરીને જગડુશાની ઉપમા અપાય છે, તે આ માટે જ. ધર્મસ્નેહસૌજન્ય મુનિ શ્રી બલભદ્ર વિજયજી મ.ના ઉપદેશથી શ્રી કલ્યાણભાઈ મગનલાલ શાહ પરિવાર, અમદાવાદ Jain Education Inter www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244