________________
મહાવીર- જન્મદિવસ શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ આજના બિહાર રાજ્યના ક્ષત્રિયકુંડ ગામમાં, ભારતીય પંચાગ પ્રમાણે ચૈત્ર સુદ તેરસના થયો હતો. ભગવાનના આ જન્મ દિવસની ઉજવણી સ્નાત્ર મહોત્સવ, રથયાત્રા, પૂજા-ભક્તિ, ભાવના, સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર પ્રવચનો આદિના આયોજનથી કરવામાં આવે છે..
દીપોત્સવી પર્વ
ભારતીય પંચાગ પ્રમાણે આસો વદી અમાસની મધરાતે શ્રમણ ભગવાન મહાવીર આજના બિહાર રાજયના પાવાપુરી ગામમાં નિર્વાણ પામ્યા. ભગવાન આ દિવસે સકલ ધર્મથી મુક્ત અને સિદ્ધ , બુદ્ધ થયા. નિર્વાણના આગલા દિવસે કાળી ચૌદસે ભગવાને આખો દિવસ ધર્મોપદેશ આપ્યો. તેમનો આ અંતિમ ઉપદેશ "ઉત્તરાધ્યયન" નામના સૂત્રમાં આજ ઉપલબ્ધ છે. કાળીચૌદસ અને અમાવસ્યા આ બે દિવસો દરમ્યાન આ સૂત્રનું વાંચન-શ્રવણ કરવામાં આવે છે. અમાવાસ્યાની રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જાપ અને તેમનું ધ્યાન કરવામાં આવે છે. એવી જ રીતે વહેલી સવારે (કારતક સુદ ૧ ના દિવસે) ગૌતમસ્વામીનો જાપ-આરાધના તથા દેવવંદન કરવામાં આવે છે. નિર્વાણની બીજી સવારે કારતક સુદ એકમના ભગવાનના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમસ્વામીને પૂર્ણ જ્ઞાન, કેવલ જ્ઞાને ઉપલબ્ધ થયું. આમ વરસના અંતિમ ત્રણ દિવસોએ મહત્ત્વની ઘટનાઓ બની હોવાથી તેની સ્મૃતિમાં ભાવિકો ત્રણ દિવસની ઉપવાસ સહ આરાધના કરે છે. નવા વરસના પ્રથમ દિવસે કારતક સુદ એકમની સવારે જૈનો ગુરુ ભગવંતોના શ્રીમુખેથી માંગલિક સ્તોત્રો (નવસ્મરણ) અને ગૌતમસ્વામીના રાસનું શ્રવણ કરે છે.
ભાઈબીજ
શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણથી તેમના મોટાભાઈ રાજા નંદિવર્ધન શોકાકુળ બની ગયા. તેમની બહેન સુદર્શનાએ મોટાભાઈને પોતાના ઘરે લઈ આવીને તેમને હૂંફ અને હામ આપ્યા. એ દિવસ કારતક સુદ બીજનો હતો. આ બીજ આ પ્રસંગથી ભાઈબીજ તરીકે મનાય છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈને ત્યાં જાય છે, તેમ આ ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ત્યાં જાય છે.
- જ્ઞાનપંચમી દર વરસે કારતક સુદ પાંચમનો દિવસ જ્ઞાનપર્વ તરીકે આરાધવામાં આવે છે. જ્ઞાનની ઉપાસના અને આરાધના માટે આ પર્વનું ખાસ આયોજન કરાયું છે. આ દિવસે ભાવિકો ઉપવાસ સહ પૌષધ કરે છે. જાપ, ધ્યાન નૂતન અધ્યયન વગેરે કરે છે.
તે આ દિવસે ઘણે સ્થળે પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનું જાહેર પ્રદર્શન કરાય છે. ભાવિકો જ્ઞાનપૂજન કરે છે. જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રંથોનું પ્રમાર્જન, સંરક્ષણ, જાળવણી વગેરે પણ કરવામાં આવે છે.
આષાઢી ચતુર્દશી
આષાઢ સુદ ચૌદશના દિવસે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી ચાર મહિનાનો સ્થિરવાસ કરે છે. આ દિવસથી માંડીને કારતક સુદ ૧૪ સુધી તેઓ ગામ બહાર ક્યાંયન જતાં એક જ સ્થાનમાં રહે છે.
આ દિવસથી સ્થાનિક સંઘોમાં સાધુ-સાધ્વીની પુનિત નિશ્રામાં નિત્ય ધર્મની આરાધના થાય છે. ભાવિકો આ ચાર | મહિનામાં વિશેષ તપ-ત્યાગ કરે છે. અને અન્ય ખાસ ચાતુર્માસિક આચારસંહિતાનું પાલન કરે છે.