________________
સાધર્મિક વાત્સલ્ય શ્રમણ ભગવાન મહાવીરના જીવન અને કવનમાં શ્રદ્ધા રાખનાર તેમજ નવકાર મહામંત્રનું રટણ કરનાર ભાઈ-બહેનોના સામૂહિક જમણને "સાધર્મિક વાત્સલ્ય" કહે છે. કોઈ મહા પુણ્યશાળી સ્વતંત્રપણે અથવા તો બે ત્રણ વ્યક્તિ ભાગમાં આવાં "સાધર્મિક વાત્સલ્ય"નું આયોજન કરે છે. શ્રીમંત-ગરીબ સૌ સાધાર્મિકો એકજ પંગતમાં સમાનભાવે બેસીને જમે છે. જમતાં અગાઉ સાધર્મિકોના પગ ધોવામાં આવે છે. હાથ ધોવડાવવામાં આવે છે. પછી તેમને કપાળે તિલક કરીને અક્ષત ચોડવામાં આવે છે. આટલો સત્કાર અને સન્માન કર્યા પછી તેમને યથાશક્ય ઉપહાર આપવામાં આવે છે અને છેલ્લે સર્વને પ્રેમથી અને આગ્રહથી જમાડવામાં આવે છે. જે ઉદાર ભાગ્યશાળી તરફથી "સાધર્મિક વાત્સલ્ય" હોય છે તે વ્યક્તિ તેમજ તેના પરિવારના સભ્યો દરેક સાધર્મિકનું ઉપર્યુક્ત પ્રમાણે સન્માન અને બહુમાન કરે છે. "સાધર્મિક વાત્સલ્ય"ને "સ્વામીવાત્સલ્ય" તેમજ "નવકારશી"ના નામે પણ ઓળખવામાં આવે છે. આ બધાં પર્વો અને ઉત્સવો ઉપરાંત અન્ય પણ પર્વો, ઉત્સવો અને અનુષ્ઠાનો પણ છે. એ દરેકની નિયત વિધિ હોય છે. તે દરેકનો ચોક્કસ તપ હોય છે. નાનું મોટું ગમે તે પર્વ, પૂજન કે ઉત્સવ હોય તે દરેકમાં તપ, ત્યાગ, સંયમ, વ્રત, જાપ, ધ્યાન આદિની પ્રધાનતા હોય છે. તે દરેકનું મુખ્ય લક્ષ્ય આત્માની શુદ્ધિનું હોય છે. આ સર્વ નિમિત્તે ગરીબોને દાન, પશુઓને ઘાસચારો, પંખીઓને ચણ, જરૂરતમંદોને યથાશક્ય ઉચિતદાન પણ આપવામાં આવે છે. એમ જરૂર કહી શકાય કે જૈનોના પર્વો, પૂજનો અને ઉત્સવોમાં દાન, શીલ, તપ અને ભાવનાની ચતુરંગી અચૂક અને અવશ્ય હોય છે.
124.