________________
જેનું જાગ્રત પણ સ્વપ્ન સમાન છે ૧૯૭ રળી આપતી ! બધી કપાઈ ગઈ ! તેમના કીમતી નવા પોશાકોના પણ લીરા ઊડી ગયા! હાય, આજે હું કઈ કમનસીબ ઘડીએ આ વીશીમાં આવ્યો! હવે મારું શું થશે? આ બિચારા વાનરને પણ હું શું ખવરાવીશ?”
બિચારા સાન્કોને પિટરનો વિલાપ જોઈ દયા આવી ગઈ. તેણે તરત, ત્યાં ને ત્યાં, બે ત્રણ જણને ભેગા મળી, પિટરને થયેલી નુકસાનીનો અંદાજ કાઢી આપવા કહ્યું, જેથી પોતે તેટલી નુકસાની ભરપાઈ કરી આપી શકે.
એ બધી ગણતરીનો લૂખો પ્રસંગ વધુ લંબાવવાની જરૂર નથી. ચાલીસ એકતાલીસ રિયલનો બધી નુકસાનીનો અંદાજ બંને પક્ષે કબૂલ રાખ્યો, અને સાન્કોએ તરત ચૂકવી દીધો. ડૉન કિવકસોટે એ બધા તુચ્છ વિધિ તરફ જરાય લક્ષ ન આપ્યું; તે તો જેફેરો સાથે પેરીસ નિર્વિદને પહોંચેલી મેલિસાન્ડ્રા હવે શું કરતી હશે અને કેવી રાજી થતી હશે, તેના વિચારમાં ડૂબી ગયા. સૌ હવે ગઈ ગુજરી ભૂલી ભેગા વાળુ કરવા બેઠા; ડૉન કિવક્સોટે તે વખતે જેફેરો અને મેલિસાન્ડ્રાના પોતે કરાવેલા મિલનના શુભ નિમિત્તે સૌને પોતાને ખરચે પાન-ભોજન કરાવવા વીશીવાળાને હુકમ કર્યો.
વીશીવાળો એ માણસના ગાંડપણથી તેમ જ ઉદારતાથી આભો બની ગયો.
કહેવાની જરૂર નથી કે, એ પિટર બીજો કોઈ ન હતો પણ પેલા વહાણ ઉપર કામ કરવાની સજા પામેલા બંદીવાનોમાંથી જે કાણિયો છેવટે સાન્કોનું ગધેડું લઈને નાસી ગયો હતો તે જ હતો. તે હવે પોતાની કાણી આંખ ઉપર પટ્ટો ચોંટાડી રાખતો. પેલું વાંદરું અમુક નિશાનીથી ખભા ઉપર બેસી કાન તરફ માં લાવી દાંતિયાં કરવાનું શીખી ગયું હતું. અને પિટર હંમેશાં જે જગાએ વાનરનો ખેલ કરવા જતો, ત્યાંના જાણીતા માણસોની બધી વાતો શુક્રવાર સુધીમાં કઠપૂતળીના ખેલો કરીને જ જાણી લેતો. પછી શુકવાર આવતાં, એક પ્રશ્નના બે રિયલ માગી, અમુક જાણીતાં ઘરોમાં જ એ વાનરનો ખેલ કરતો. આમ તે તથા તેનો વાંદરો આસપાસ બધે મશહૂર થઈ ગયા હતા.