Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 333
________________ ઘર તરફ - ૨૮૧ પેલા સૌ ૉન કિવકસોટની આ પ્રકારની વાતો સાંભળી પ્રથમ તો હબકી ગયા, તથા હજ તો તે ઘણું જીવશે વગેરે કહીને આશ્વાસન આપવા ગયા. પણ ડૉન કિવકસોટે તેમની વાત ધરાર સાંભળી નહિ. સૌ હવે સમજી ગયાં કે, ખરેખર આ માણસ આ દુનિયા બહારથી ઊભો રહી જાણે બોલી રહ્યો છે. તેમની ભત્રીજી અને કામવાળી બાઈ તરત જ ડૂસકાં ભરી રડવા લાગ્યાં. પાદરી-બુઆએ તેમનું કબૂલાત-નામું સાંભળી લીધું અને ભગવાનની માફી તેમના ઉપર ઊતરે એવા આશીર્વાદ આપ્યા. થોડી વારમાં સાન્કોના ઘર સુધી આ બધા સમાચાર પહોંચી ગયા. તે તરત દોડતો આવી પહોંચ્યો. વીલ લખનાર આવતાં જ ડૉન કિવકસોટે પોતાની બધી મિલકતની વ્યવસ્થા લખાવવા માંડી: સાન્કો પાસેની પોતાની બધી રોકડ તેને આપી દીધી; પોતાની જાગીરની કલા વારસદાર પોતાની ભત્રીજીને ઠરાવી. પોતાની કામવાળી બાઈને વાર્ષિક અમુક પગાર મળ્યા કરે એવી વ્યવસ્થા કરી. પાદરી-બુઆને તથા શાસ્ત્રીજીને પોતાના વીલનો અમલ કરનાર નીમ્યા. પોતાની ભત્રીજી માટે એવી શરત તેમણે ઉમેરી કે, તે લગ્ન કરવા વિચાર કરે, તો એવા માણસ સાથે તેણે લગ્ન કરવું કે જેણે નાઈટ-પણાની વાતોની એક પણ ચોપડી વાંચી ન હોય. જો પેલો એવી ચોપડીઓ વાંચનાર છે એવું જાણ્યા પછી પણ એ તેની સાથે જ પરણવાનો આગ્રહ રાખે, તો એને મારો વારસો ન મળે. પછી મારી મિલકત મારા વસિયતના વહીવટદારો કોઈ ધર્માદા કામમાં વાપરી નાખે. ઉપરાંત મારા વસિયતના વહીવટદારોને ડૉન કિવકસોટ દ લા માંશાનાં પરાક્રમોની ચોપડીનો બીજો ભાગ લખનારો મળે, તો તેની તેઓ મારા વતી માફી માગે અને તેને જણાવે કે, મરતી વખતે મને એક જ વાતનું દુ:ખ રહી જાય છે કે, હું એવી ચોપડી લખવાનું નિમિત્ત બન્યો.” ત્યાર પછી તે એકદમ બેભાન થઈ ગયા અને ચત્તાપાટ પથારીમાં પડ્યા. સૌ ગાભરા થઈ પાસે દોડી ગયાં. થોડી વારમાં તે ભાનમાં આવ્યા; પણ પાછા બીજા કલાકે તે ફરીથી બેભાન બની ગયા. એમ ત્રણ દિવસ સુધી ચાલ્યા કર્યું.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344