________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : અધ્યાત્મ-સંદેશ બંન્ને દશા વખતે એકસરખું જ છે. સ્વાનુભવ વખતે તો નિર્વિકલ્પતા હોય છે. સમ્યગ્દષ્ટિને જ્યારે સમ્યગ્દર્શન પ્રગટયું ત્યારે તો સ્વાનુભવ અને નિર્વિકલ્પતા થઈ, પણ તે નિર્વિકલ્પ-સ્વાનુભવમાં સદાકાળ રહી શકે નહિ, નિર્વિકલ્પ દશા લાંબો કાળ ટકે નહિ; પછી સવિકલ્પદશામાં આવતાં શુભ કે અશુભમાં ઉપયોગ જોડાય. અને શુદ્ધાત્મપ્રતીત તો તે વખતેય ચાલુ જ રહે. –આવી સમકિતી મહાત્માની સ્થિતિ છે. પોતાના શુદ્ધ આત્મભાવ સિવાય બીજા કોઈના સ્વામીત્વપણે તે કદી પરિણમતા નથી.
ધર્મીને શુભભાવ વખતે પણ સમ્યકત્વ હોય છે એમ કહ્યું, તેથી એમ ન સમજી જવું કે તે શુભભાવ કરતાં કરતાં સમ્યકત્વ થઈ જશે. જો તે શુભભાવને સ્વભાવની ચીજ માનીને તેનું સ્વામીત્વ કરે અથવા તે શુભભાવને સમ્યકત્વનું કારણ માને તો તે જીવને શુભની સાથે સમ્યકત્વ નથી હોતું, પણ શુભની સાથે મિથ્યાત્વ હોય છે. શુભ વખતે જેને શુભથી રહિત એવા શુદ્ધાત્માની શ્રદ્ધા વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે.
સમ્યગ્દર્શન થયા પછી જો શુભ-અશુભ પરિણામ થાય જ નહિ તો તરત જ વીતરાગતા ને કેવળજ્ઞાન થઈ જાય. પણ એમ બધાને બનતું નથી. સમ્યગ્દર્શન પછી પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં પૂર્ણ લીનતા ન થાય ત્યાંસુધી પોતાના ચારિત્રની નબળાઈને લીધે ધર્મીને શુભઅશુભભાવરૂપ પરિણમન થાય છે. ધર્મી એને પોતાનો સ્વભાવ પણ જાણતો નથી તેમજ કર્મ તે કરાવ્યા છે એમ પણ માનતો નથી, પોતાના ગુણનું પરિણમન એટલું ઓછું છે એટલે તે પોતાની જ પરિણતિનો અપરાધ છે-એમ તે સમજે છે. આ રીતે સમ્યકપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન તેને વર્તે છે.
આ રીતે સમ્યગ્દષ્ટિની સવિકલ્પદશા બતાવી અને તે સવિકલ્પદશામાં સમ્યકત્વ હોય છે એ સમજાવ્યું. હવે તે સમ્યગ્દષ્ટિ સવિકલ્પતામાંથી ફરીને નિર્વિકલ્પ કઈ રીતે થાય છે-તે બતાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk