________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ : અધ્યાત્મ-સંદેશ ૫. વંદનઃ મહાપુરુષોના ચરણોમાં જેમ ભક્તિથી વંદન કરે છે તેમ
ચૈતન્યસ્વરૂપમાં પરમભક્તિપૂર્વક વંદવું-નમવું-તેમાં લીન થઈને
પરિણમવું, તે સમ્યગ્દષ્ટિની આત્મભક્તિ છે. ૬. ધ્યાનઃ જેના પ્રત્યે પરમભક્તિ હોય તેનું વારંવાર ધ્યાન થયા કરે છે;
તેના ગુણોનો વિચાર, ઉપકારોનો વિચાર વારંવાર આવે છે, તેમ ધર્મી જીવ અત્યંત પ્રીતિપૂર્વક વારંવાર નિજ સ્વરૂપના ધ્યાનમાં પ્રવર્તે છે. કોઈ કહે કે અમને નિજસ્વરૂપ પ્રત્યે પ્રીતિ ને ભક્તિ તો ઘણીયે છે પણ તેના વિચારમાં કે ધ્યાનમાં મન જરાય લાગતું નથી;-તો તેની વાત જૂઠી છે. જેની ખરેખરી પ્રીતિ હોય તેના વિચારમાં-ચિંતનમાં મન ન લાગે એમ બને નહિ. બીજા વિચારોમાં તો તારું મન લાગે છે, ને અહીં સ્વરૂપના વિચારમાં તારું મન લાગતું નથી, –એ ઉપરથી તારા પરિણામનું માપ થાય છે કે સ્વરૂપના પ્રેમ કરતાં બીજા પદાર્થોનો પ્રેમ તને વધારે છે. જેમ ઘરમાં માણસને ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં કયાંય મન ન લાગે તો લોકો અનુમાન કરી લે છે કે એનું મન કયાંક બીજે લાગેલું છે; તેમ ચૈતન્યમાં જેનું મન લાગે, એનો ખરો પ્રેમ જાગે તેનું મન જગતના બધા વિષયોથી ઉદાસ થઈ જાય ને વારંવાર નિજસ્વરૂપ તરફ તેનો ઉપયોગ વળે. આ પ્રકારે સ્વરૂપના ધ્યાનરૂપ ભક્તિ સમ્યગ્દષ્ટિને હોય છે. તથા એવા શુદ્ધસ્વરૂપને સાધનારા પંચપરમેષ્ઠી વગેરેના ગુણોને પણ તે
ભક્તિથી ધ્યાવે છે. ૭. લઘુતા: પંચપરમેષ્ઠી વગેરે મહાપુરુષો પાસે ધર્મી જીવને પોતાની
અત્યંત લઘુતા ભાસે છે. અહા, કયાં એમની દશા ! ને કયાં મારી અલ્પતા! અથવા, સમ્યગ્દર્શનાદિ કે અવધિજ્ઞાનાદિ થયું પણ ચૈતન્યના કેવળજ્ઞાનાદિ અપાર ગુણો પાસે તો હજી ઘણી અલ્પતા છે-એમ ધર્મીને પોતાની પર્યાયમાં લઘુતા ભાસે છે. પૂર્ણતાનું ભાન છે એટલે અલ્પતામાં લઘુતા ભાસે છે. જેને પૂર્ણતાનું ભાન
નથી તેને તો થોડાકમાં પણ ઘણું મનાઈ જાય છે. ૮. સમતા: બધાય જીવોને શુદ્ધસ્વભાવપણે સરખા દેખવા તેનું નામ
સમતા છે; પરિણામને ચૈતન્યમાં એકાગ્ર કરતાં સમભાવ પ્રગટે છે. જેમ મહા પુરુષોની સમીપમાં ક્રોધાદિ વિસમભાવ થતાં નથી–એવી તે પ્રકારની ભક્તિ છે, તેમ ચૈતન્યના સાધક જીવને ક્રોધાદિ ઉપશાંત થઈને અપૂર્વ સમતા પ્રગટી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk