Book Title: Aajno Aapno Padkar
Author(s): Kumarpal Desai
Publisher: Vishva Vikas Trust

View full book text
Previous | Next

Page 7
________________ સમગ્ર પરિવેશનો વિચાર કરીએ તો આજે વ્યક્તિને માટે ત્રણ પ્રકારની ભાષાગત ક્ષમતા જરૂરી જણાય છે : એક સ્થાનિક (લોકલ સિગ્યુએશન), બીજી રાષ્ટ્રીય (નંશનલ), ત્રીજી વૈશ્વિક (ગ્લોબલ). આ ત્રણેય પરિસ્થિતિઓમાં જુદી જુદી ભાષાઓ કામ લાગે છે. માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશી ભાષાને એ દૃષ્ટિએ જોવી અને પામવી જોઈએ. એક ભાષા સાથેનો ઘનિષ્ઠ સંપર્ક બીજી ભાષાઓ શીખવામાં મદદરૂપ થાય છે, આથી બાલ્યાવસ્થામાં માતૃભાષાનો ઉપયોગ થાય એ અનિવાર્ય છે. બાળક મોટું થતાં બીજી ભાષાઓમાં પણ પછી સહેલાઈથી નિપુણ બની શકે છે. આજે માતૃભાષા ગુજરાતીની કટોકટીનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આને માટે થોડું આંતરદર્શન પણ આવશ્યક છે. આગલી પેઢીઓની જ્ઞાનપિપાસા અને કાર્યનિષ્ઠા કંઈક ઘસાતી જાય છે. એનાં કારણો તપાસવાં અને ઇલાજ શોધવા હવે ખૂબ જરૂરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ક્ષિતિજોનો વિસ્તાર કરવા માટે જુદી જુદી સંસ્થાઓએ જુદા જુદા પ્રકલ્પો વિચારીને એમાં જીવ રેડવાની જરૂર છે. ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ', 'ભગવદ્ગોમંડળ', ‘ગુજરાતી લૅક્સિકોન’ કે ‘ગુજરાતી વિશ્વકોશ' વગેરેએ તો એ સાથે આપણી કેટલીક સાહિત્યિક સંસ્થાઓએ કેવું માતબર કામ કર્યું છે તે જોવું જોઈએ. આજની આપણી ભાષાકીય કટોકટી સામે સૌએ કમર કસવાની જરૂર છે અને ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું આવે તેવા સત્ત્વશુદ્ધ પ્રયત્નો કરવાની તાતી જરૂર છે. આપણે નરવી રચનાત્મક સાહિત્યિક ચર્ચાઓને બદલે શા માટે વ્યક્તિગત આક્ષેપો કે પ્રતિઆક્ષેપોના રણમાં ખોવાઈ જઈએ છીએ ? ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને માતા સરસ્વતી આગળ માથું નમાવીને નર્મદ ગદ્ગદ કંઠે કલમને ખોળે જીવવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ વર્ષ સુધી એ અસિધારાવત એણે પાળ્યું હતું. અપાર માનસિક વિટંબનાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતાં હસતાં જીવન ગાળીને નર્મદે ભાષા-સાહિત્ય માટે વ્રતતપનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણને આપ્યું ? એ રીતે મુંબઈમાં ધીકતી વકીલાત છોડી કેટલાંક દેશી રાજ્યોની દીવાનગીરી મળવાની તકો પણ તરછોડી ચાલીસમા વર્ષે ધીકતી વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને ગોવર્ધનરામ ત્રિપાઠીએ નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર' મહાનવલનું સર્જન કરી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો સમુત્કર્ષ સાધવાનો સારસ્વત પુરુષાર્થ કર્યો. માતૃભાષા માટે દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ધીરુભાઈ ઠાકર જેવા વિદ્વાનોની સમર્પણવૃત્તિને; ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગાંધીજી તેમ જ ગાંધીમૂલ્યથી પ્રેરિત સાહિત્યકારોએ તથા ગુજરાત વિદ્યાપીઠે દાખવેલી માતૃભાષા માટેની સેવાભક્તિને તેમ જ ભગવસિંહજી, ચંદુલાલ પટેલ કે રતિલાલ ચંદરયા જેવાઓની ભાષાપ્રીતિને આપણે આજેય સદ્ભાવપૂર્વક યાદ કરીએ છીએ. આપણે ફાર્બસ કે જૉસેફ વાન ટેલરનેય કેમ ભૂલી શકીએ ? કેટલીક સારસ્વત વ્યક્તિઓ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આજેય કાર્યરત છે. એ કાર્ય ઉત્તમ રીત ફળદાયી નીવડે એ માટે વધુ સંગઠિત અને સાત્ત્વિક પ્રયાસોની જરૂર છે. આ બધા વિશે આપણે સહિયારો પ્રયાસ કરીએ. એકેએક ગુજરાતી પોતાને પોતાની માતૃભાષાનો પ્રતિનિધિ સમજીને કાર્ય કરે તો ‘જય જય ગરવી ગુજરાત' ગૌરવભેર ગાવાની પાત્રતા તો દાખવી શકશે અને ત્યારે આપણે પણ આત્મશ્રદ્ધાપૂર્વક કહી શકીશું : “શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.' કુમારપાળ દેસાઈ શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય તા. ૭-૧-૨૦૧૭

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27