________________
અમને - બાળકોને - બોલાવીને ચોકલેટ આપે. ગુણવંતરાય આચાર્યની ટૂચકા અને ઓઠા સાથે વાતને મલાવીને હલકર્ભર કહેવાની રીત ગમે. દુલેરાય કારાણી જુસ્સાભેર કચ્છની વીર કથા કહે, તો કાગ બાપુ ભાવ-તરબોળ થઈ જવાય તેમ રામાયણનું રહસ્ય ખોલી આપે. કનુ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી, ગુર્જરના મુરબ્બી ગોવિંદભાઈ અને શંભુભાઈ જેવા સહુને મળવાનું બનતું, આ કલાજીવીઓના મેળાપની વિશેષતા એ કે એમાં ક્યાંય કોઈની ટીકા કે દ્વેષ ન મળે. માત્ર મસ્તી રેલાતી હોય. પરસ્પર માટેનો હૃદયનો પ્રેમ પ્રગટતો જાય. પરિણામે ઉદાર, પ્રેમાળ અને જિંદાદિલ હોય એ જ સાહિત્યકાર હોય એવી મનમાં ગાંઠ બંધાઈ ગઈ. સૌથી વધુ પ્રભાવ પં. સુખલાલજીનો અનુભવ્યો. શાસ્ત્રોનો અભ્યાસ, સત્ય પ્રાપ્તિની તીવ્ર ઇચ્છા, શારીરિક મર્યાદાને ઓળંગતું આંતરિક ખમીર- એ બધું સાથેલાગુ જોવા મળ્યું.
ઘરમાં રોજ સવારે પિતાશ્રીનું લેખન કાર્ય ચાલે. અક્ષર સુંદર, પેનને બદલે કલમ વાપરે. મને મનમાં થતું કે હું પણ કંઈક લખું. એ સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ'ની જાહોજલાલી હતી. ‘ગુજરાત સમાચાર' કરતાં પણ એની વધુ નકલ પ્રકાશિત થતી. એમાં વાર્તા મોકલી. ‘જયભિખ્ખના પુત્ર હોવાને કારણે એ પ્રકાશિત થાય તે તો ગમે નહીં ‘જયભિખ્ખનું મૂળ નામ બાલાભાઈ હતું. કદાચ બાલાભાઈ નામ લખવાથી તંત્રીને ખ્યાલ આવી જાય તો ? તેથી કુ. બા. દેસાઈના નામે વાર્તા મોકલી. વાર્તા સ્વીકારાઈ. મનમાં થયું કે આની બે-ત્રણ નકલ વધુ લઈ આવું, જે થી મિત્રોને બતાવી શકાય. એ નકલ લેવા સાપ્તાહિકના કાર્યાલય પર ગયો ત્યારે એના તંત્રી મળ્યા, એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક ‘જયભિખ્ખું'નો હું પુત્ર છું તો તે જાણીને આનંદ થયો. મને બેસાડ્યો અને નિયમિતરૂપે કોલમ લખવા કહ્યું. નવમા ધોરણની એ વાત હશે. ત્યારથી લેખનનો પ્રારંભ થયો. આથી કોલમ લખવાનો મહાવરો એવો કે અર્ધા-પોણા કલાકમાં કોલમ લખાઈ જાય. ઘણી વ્યક્તિ એકાદ કોલમ લખતી હોય તો એના બોજ હેઠળ દબાઈ જતી હોય છે. આવો બોજ મને કદી લાગ્યો નથી.
આખું આકાશ પામવાની એ મૂલ્ય-દૃષ્ટિએ જોયું કે માનવીના જીવનમાં સૌથી મોટો ધર્મ હોય તો તે માનવતા છે અને સૌથી મોટું કાર્ય હોય તો તે
માનવકલ્યાણ છે. પરિણામે સાહિત્ય સર્જનના એવા વિષયો મળવા લાગ્યા કે જેના આલેખનથી સ્વયે પ્રસન્નતાનો અનુભવ થાય. કોલેજના અભ્યાસકાળ સમયે ‘લાલ ગુલાબ' નામે લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર લખ્યું. એની ૬૦,000 જેટલી નકલો વેચાઈ. હજી કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને અધ્યાપક તરીકેની કારકિર્દીના પ્રારંભે જ પિતાનું અવસાન થયું. જૈન સમાજ માં લેખક થવું મુશ્કેલ. જ્યારે ‘જયભિખ્ખું 'એ એ સમયે આવી ફકીરી મોજથી સ્વીકારી હતી અને સાહિત્યના આ કે તે જૂથમાં રહેવાને બદલે પોતીકી રીતે લેખનપ્રવૃત્તિ કરી હતી. મૃત્યુ પહેલા એકાદ મહિના પૂર્વે પોતાની રોજનીશીમાં પોતાના અવસાન સમયે શું કરવું - ન કરવું એની ઝીણામાં ઝીણી સૂચના આપી હતી અને એનું અંતિમ વાક્ય હતું, ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.' જયભિખ્ખએ મોગલયુગ, રજપૂતયુગ અને વૈષ્ણવભક્તિ જેવા વિષયો પર સફળતાથી કલમ ચલાવી, પરંતુ સર્જે કોને ‘લેબલ' લગાડીને જોનાર લોકો એમની વ્યાપકતાને જોઈ શક્યા નહીં. આ ગાળામાં સર્જક ‘ધૂમકેતુ’નું એક વાક્ય મનમાં જડાઈ ગયું. એમણે એમ કહ્યું કે મીરાં એ હિંદુઓ પાસે હતી તો જગતની કવયિત્રી બની અને આનંદઘન જૈનો પાસે હતા તેથી સાવ ભૂલાઈ ગયા. એમની આ ટકોરના પરિણામે આનંદઘનનાં પદો અને સ્તવનો વાંચવાનું બન્યું. એની આધ્યાત્મિક ઊંચાઈ સ્પર્શી ગઈ. ચારસો જેટલી હસ્તપ્રતોને આધારે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કર્યો. પં. બેચરદાસ દોશી અને ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધકોની ચકાસણીમાં એ મહાનિબંધ સફળ પૂરવાર થયો. પછી તો લેખનયાત્રા સાથે સંશોધન-ખેપ ચાલતી રહી.
નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પંદર જેટલાં સંપાદનો કર્યા પણ આ બધાની પાછળ કોઈ મૂલ્યને અનુલક્ષીને સર્જન કરવું એવો ભાવ સતત રહે. સાહિત્યસમીપ વસવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ ચિત્તને વિસ્મયનો, આનંદનો અનુભવ કરાવે છે. આવા સાહિત્યસ્વામીઓની વાડ્મયસૃષ્ટિની થોડી વાત આજે વિમોચન પામેલા ‘શબ્દસમીપમાં કરી છે.
અધ્યાપક તરીકે બે કામ સાથોસાથ ચાલે. એક તો ‘શબ્દસંનિધિ' અને