________________
‘ભાવન વિભાવન’ જેવા વિવેચન સંગ્રહ પ્રગટ કર્યા, ‘જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક', ‘વાચક મેરુસુંદરસૂરિ બાલાવબોધ', ‘અપ્રગટે મધ્યકાલીન કૃતિ' જેવા મધ્યકાલીન સંશોધનના ગ્રંથો તૈયાર થયાં. અભ્યાસકાળમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, દલસુખભાઈ માલવણિયા, યશવંત શુક્લ, મધુસૂદન પારેખ, પ્રબોધ પંડિત પાસે અભ્યાસ કરવાની જ નહીં, પણ ગુરુચરણે રહેવાની તક મળી. એક સમયે જ્યાં બેસીને ઉમાશંકરભાઈના વ્યાખ્યાન સાંભળતા હતા, એ ભાષાભવનમાં આજે વ્યાખ્યાન આપતી વખતે ઘણી પુણ્યસ્મૃતિઓ અનુભવાય છે. મૂલ્યલક્ષી જીવનનો મહિમા હોવાથી ચરિત્ર લેખનમાં આનંદ આવ્યો. બુદ્ધિસાગરસૂરિ અને કલાસસાગરસૂરિજી જેવા સાધુઓનાં ચરિત્રો કે આફ્રિકામાં જઈને એક સૈકા પહેલા આફ્રિકનોને ઉદ્યોગ શીખવનાર પ્રેમચંદ વ્રજપાળ શાહના ચરિત્રની રચના કરી.
મહાયોગી આનંદઘનના અભ્યાસે એક નવી દિશા ખોલી આપી. તેને પરિણામે જૈનદર્શનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જૈનદર્શન જીવનધ્યેયને વધુ અનુરૂપ બની રહ્યું. રૂઢ ક્રિયાકાંડ કે પ્રચલિત માન્યતાને બદલે દર્શનના પ્રકાશમાં શાશ્વત મૂલ્યોને પામવાની મથામણ શરૂ થઈ. આને પરિણામે પ્રવચનો, લેખો, ગ્રંથો અને વિદેશ પ્રવાસ શરૂ થયા. દર્શનના અભ્યાસે જીવન જોવાની નવી દૃષ્ટિ અને પ્રસન્ન રહેવાની ઘણી ખુબીઓ આપી. અનેકાંતવાદના અભ્યાસે સંઘર્ષને બદલે સંવાદ રચવાની વિરલ સમજણ આપી. ભિન્ન ભિન્ન ક્ષેત્રના ઉત્કૃષ્ટ માનવીઓને જોયા પછી આપોઆપ પોતાના કાર્ય વિશે નમ્રતાનો ભાવ રહ્યો. અમદાવાદના ટાઉનહોલથી માંડીને યુનાઈટેડ નેશન્સના ચેપલ સુધી વક્તવ્ય આપવાની તક મળી. ઇંગ્લેન્ડના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ, વેટિકનના પોપ જહોન પોલ (દ્વિતીય) અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવી વ્યક્તિઓને મળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની તક મળી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઓર્ડિનેટર તરીકે વિશ્વસ્તરે કામગીરી અને આયોજન કરવાનો અમૂલ્ય અનુભવ મળ્યો. નેમુ ચંદરિયા જેવી વ્યક્તિનો પરિચય થયો. વિદેશમાં એટલા અને એવા મિત્રો મળ્યા છે કે ઘણીવાર દેશ-વિદેશ વચ્ચે ભેદ લાગતો નથી. ૧૯૯૩માં શિકાગોની ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ'માં તથા ૧૯૯૯માં કંપટાઉનમાં યોજાયેલી ‘પાર્લામેન્ટ ઑફ ધ
વર્લ્ડ રિલિજિયન્સ'માં વક્તવ્ય આપવાનું બન્યું, પણ સાથોસાથ વિશ્વના ધર્મદર્શનના અગ્રણીઓ, વિચારકો અને ઍક્ટિવિસ્ટોના સંપર્કમાં આવવાનું બન્યું. જૈનદર્શન વિશેના પુસ્તકો, તીર્થંકર ચરિત્ર તથા મહત્ત્વનું યોગદાન કરનાર ચરિત્રોનું આલેખન થયું, એની સાથોસાથ એક અભાવ ખટકવા લાગ્યો અને તે જૈનધર્મ વિશેના અંગ્રેજી પુસ્તકોનો. તેના પરિણામે દસેક જેટલાં પુસ્તકો પ્રગટ થયા. અનેક દેશના પ્રવાસે જવાનું બન્યું. આજે તેની નોંધો અને એના લખાણો ગ્રંથસ્થ થવાની રાહ જુએ છે. એવું જ પત્રકારત્વમાં બન્યું. બત્રીસ વર્ષથી ‘ઇંટ અને ઈમારત' કૉલમ લખું છું, પણ એનો સંગ્રહ અદ્યાપિ પ્રગટ કરી શક્યો નથી. પત્રકારત્વનું લખાણ અને સાહિત્યનું લખાણ તદ્દન ભિન્ન બાબત લાગતી હોવાથી અખબારમાં પ્રગટ થયેલ સમગ્ર સામગ્રીનું પુનર્લેખન કરું છું. પત્રકારત્વમાં પણ એક જ દૃષ્ટિ અને એને કારણે ચાલીસેક વર્ષ થયાં છતાં વાચકોનો એટલો જ પ્રેમ બધી કૉલમને મળતો રહ્યો છે. વાસુદેવ મહેતા પાસેથી મળેલી પત્રકારત્વની આકરી તાલીમ આશિષરૂપ પૂરવાર થઈ. ‘ગુજરાત સમાચાર 'નો સદા સ્વજન જેવો સાથ રહ્યો. શાંતિલાલ શાહની પ્રેરણા, શ્રેયાંસભાઈ અને બાહુબલિભાઈ સાથેનો આત્મીય સંબંધ સદાય પારિવારિક સંબંધ જેવો રહ્યો છે. અખબારી લેખન અને સાહિત્યિક લેખન બંને એકબીજાના પર્યાય બની જાય તેવો મારો પ્રયત્ન છે. અખબારમાં સાહિત્યિક સુગંધવાળું લખાણ આવે. અતિશયોક્તિ, અખબારી શબ્દાળુતાનો ત્યાગ કરીને શુદ્ધ સાહિત્યિક રચના માટે પ્રયાસ કર્યો.
પેલી દૃષ્ટિ પ્રવૃત્તિઓ તરફ લઈ ગઈ અને તેને કારણે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. જેમાં અનુકંપા ટ્રસ્ટ દ્વારા પીડિતોને સહાય, વિદ્યાવિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સર્જકોને સહાય અને બોટાદ જેવા જિલ્લાના રેડક્રોસના અન્વયે નેત્રયજ્ઞો જેવા અનેક કાર્યો થઈ શક્યા છે. ધરતીકંપ સમયે પંદરેક લાખ રૂપિયા જેવું ભંડોળ એકઠું કર્યું હતું. વિશ્વકોશના પ્રારંભકાળના માઠા દિવસોનું સ્મરણ છે. અઢી કરોડનો પ્રોજેક્ટ અને માત્ર તેર લાખ રૂપિયા. છતાં વિદ્યાતપને કારણે આ પ્રવૃત્તિએ આગવી ભાત પાડી. વિશ્વકોશની સફળતા એ ગુજરાતમાં રહેતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધ્યાપકોના સહકારને કારણે જ છે. કદાચ વિશ્વ કોશ ન થયો હોત તો ગુજરાતમાં આટલું મોટું વિદ્યાધન રહેલું