________________
અસ્તિત્વ ટકાવવા માટે કેટલું ગજું કાઢી શકશે.
મનુષ્યજાતિ સ્થિતપ્રજ્ઞયોગના બદલે અસ્થિરતાયોગની સાધના કરે છે. આજે માનવી ભૌતિકતા અને બાહ્ય પ્રાપ્તિની પાછળ આંધળી દોટ મુકી રહ્યો છે. એનું સમગ્ર ચેતોવિશ્વ આ બધાની પાછળ દોડી રહ્યું છે. વળી એની આ દોડમાં જુદાં જુદાં વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે. અને માણસનું મન પણ એમ અનેકશઃ બદલાતું જાય છે. એવામાં ધારો કે કોઈને કોઈ વાર્તા લખવાની પ્રેરણા થાય, ચિત્તમાં એ આકાર ધારણ કરે, એનો ઘાટ અને પાત્ર મનમાં નક્કી થાય અને ત્યાં તો એ જૂની થઈ જાય. એના સંદર્ભ અપ્રસ્તુત બની જાય ! સર્જકને પોતાને એમાં જૂનાપણું લાગે !
ટી. એસ. એલિયટની સામે ૨૦મી સદીના આરંભે સાહિત્યને પ્રચલિતદૂષિત ખ્યાલોથી મુક્ત કરી વૈજ્ઞાનિક યુગમાં તેની અગત્ય સિદ્ધ કરી આપવાનો પ્રશ્ન હતો. તેણે વિજ્ઞાનની જેમ કળા પણ ‘વર્કશૉપ'માં જ , સતત મથામણ પછી આકાર ધારણ કરે છે તે દર્શાવી એને બિનઅંગતતાની બુનિયાદ ઉપર સંસિદ્ધ કરવા પર અનિવાર્યપણે ભાર મૂક્યો. આપણી ૨૧મી સદીમાં કળાના અસ્તિત્વનો પ્રશ્ન છે. વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપણે આપણી સદીમાં સાહિત્યની ઉપકારક્તા સિદ્ધ કરી આપવાની રહે છે. કેવી રીતે, કેવા માર્ગે કે કેવા પ્રયત્ન, તે આપણા સૌની ચર્ચાનો વિષય બનવું જોઈએ. આજના સમયનો પડકાર
પુસ્તકમેળામાં થતાં પુસ્તકોનાં વેચાણમાં બાળસાહિત્ય, અધ્યાત્મ અને વાનગીનું સાહિત્ય જ અગ્ર સ્થાન ભોગવે છે. તેથી સંખ્યાતીત પ્રકાશનોમાં ઊછળી આવે તેવી સાહિત્યિક કૃતિઓનું પ્રમાણ કેટલું ? કોઈ એક દાયકાના સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો ‘ઉત્તમ'ની વાત બાજુએ મૂકો. સારી કહી શકાય તેવી કૃતિઓની સંખ્યા કેટલી ? આજે સાહિત્યક્ષેત્રે સ્થિર અને નવોદિત ઘણા સર્જકો કાર્ય કરે છે, પરંતુ છવાઈ જાય એવી ઉન્નત પ્રતિભાઓ અતિ વિરલ થવા માંડી છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવી પ્રતિભા અને નવીન વિષયવસ્તુનો દુષ્કાળ પ્રવર્તે છે એવી ફરિયાદ કોઈ કરે તો તેમાં તથ્ય નથી એવું ભાગ્યે જ કહી શકીશું.
આજે રચાતા થોકબંધ સાહિત્યમાંથી ખરા અર્થમાં ઉપયોગી એવું સાહિત્ય કેટલું છે તે વિચારવું જોઈએ. આલ્કસ હક્સલી, જેને ‘અશિષ્ટ સાહિત્ય' કહે છે તેવું સાહિત્ય વધુ ફેલાતું જાય છે. માત્ર નફાની દૃષ્ટિએ પુસ્તકો માટે ‘બજાર' બનાવવામાં આવે છે.
એક સમયે સાહિત્યાકાશ પર કેવા કેવા મહાન સર્જકો છવાયેલા હતા ! રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, ઇકબાલ, ગાલિબના જેવા. ગુજરાતમાં નર્મદ, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, ઉમાશંકર જોશી જેવા સર્જકો હતા. આજે સાહિત્યની એવી સ્થિતિ છે એમ કહી શકીશું ?
વિચારશીલો માટે, સર્જક માટે, સાહિત્યસંસ્થાના ધુરીણો માટે, ગ્લોબલાઇઝેશનનો આજનો સમય એય એક મોટો પડકાર છે. ભાવકસંદર્ભે પણ જે રુચિસંપન્ન ભાવકો છે તેને ટકાવવાના છે, તો નવા પણ ઊભા કરવાના છે. રુચિને પરિસ્કૃત કરતું સાહિત્યસર્જના
આજની યુવા પેઢીને શું વાંચવું ગમે છે, કેવા પ્રકારનું સાહિત્ય ગમે છે તેનો વિચાર પણ થવો ઘટે. એ એક મોટા ને ચેતનાથી ભર્યાભર્યા વર્ગની અવગણના થઈ શકે તેમ નથી. તેની રુચિને સંતર્પ કરે તેવા સાહિત્યની મહત્તા તે સમજે તેવી વાચનાદિની શિબિરો, પ્રત્યક્ષ વાર્તાલાપ, ગોષ્ઠીઓ મુક્તપણે થાય તેવી સ્થિતિ પણ ઊભી કરવી પડશે. સમાજને અનુકૂળ આવે અને સાથે સાથે તેની રુચિને પરિસ્કૃત કરે તેવા સર્જનની ઊણપ દૂર કરવા પણ સાહિત્યિક સંસ્થાઓએ વિચારવું પડશે. ચોક્સ પ્રકારનાં ધોરણથી લખનાર, સંશોધન કરનાર, સાહિત્યમાં વિશિષ્ટ છાપ અંકિત કરી શકે તેવાઓ માટે લખવાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ‘રાઇટર્સ હટ'નો ખ્યાલ પણ સાકાર કરવો જોઈએ.
મરાઠી રંગમંચમાં પ્રગધર્મી રંગમંચ અને મુખ્ય પ્રવાહ વચ્ચે વિવાદ કે વિરોધ નથી, મરાઠી કે બંગાળી સાહિત્યકારો પાસે ભિન્ન ભિન્ન સમાજનો જે અનુભવ છે તેવો અનુભવ ગુજરાતી સર્જકોમાં બહુધા જોવા મળતો નથી. આપણે લઘુરૂપોમાં વધુ રાચીએ છીએ. ગીત-ગઝલથી આગળ વધતા નથી. લાંબી નેરેટિવ પોએટ્રી ઘણી ઓછી મળે છે. મોટા ફલક પર કલ્પનાનો આવિષ્કાર જોવા મળતો નથી. મરાઠી નાટક મહારાષ્ટ્રનો જીવંત સાંસ્કૃતિક