Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 18
________________ એક રે દિવસ એવો આવશે ! સવાર પડી હશે. ઘરમાં ઘણા લોકો ભેગા થયા હશે. સ્મશાને જવાની તૈયારી ચાલતી હશે. ઘરમાં એક નનામી પડી હશે. એક જીવતો માણસ મડદું બની ગયો હશે. તેને નનામી પર બાંધવાનો હશે, એને નવડાવીને દોરીથી બાંધી દેવામાં આવશે. એ તમે હશો. ઘરમાં સૌ રોતા હશે. એક ફોટો મૂકાયો હશે ઘરમાં. એ નવા ફોટા સમક્ષ દીવો અને અગરબત્તી જલાવ્યા હશે. સુખડનો હાર ચડાવ્યો હશે. એ ફોટામાં રહેલી વ્યક્તિ ખુદ તમે હશો. નનામી ઉચકાશે. રોડ પર ચારસો પાંચસો માણસોનું ટોળું ચાલતું હશે. બધા જ માણસો જીવતા હશે. એક જ માણસ જીવતો નહીં હોય. બધા જ ચાલતા હશે. એક માણસ ચાલતો નહીં હોય. એ તમે હશો. ચિતા પર નનામી મુકાશે. લાકડાનો ગંજ ખડકાશે. આગ ચાંપવામાં આવશે. આસપાસ ટોળે વળેલા લોકો વાત કરતા હશે. બધા આગથી દૂર બેઠા હશે. આગમાં એક માણસ સૂતો હશે. એ તમે હશો. આગ શરીર પર પથરાશે. વિરોધ નહીં થાય. ચામડી બળી જશે. વાળ સળગી જશે. આંખો આગમાં હંમેશ માટે ઓગળી જશે. હાડકા સિવાય બધું ખાખ થઈ જશે. એ શરીર જેનું હશે તે વિરોધ નહીં કરે, ચીસો નહીં પડે, ભાગી નહીં જાય. એ તમે હશો. રોજ ઘરમાં વાત કરનારો અવાજ ગાયબ હશે. રોજ સવારે ઊઠી જનારો માણસ ઘરમાં હાજર નહીં હોય. રોજ આખા ઘરને માથે લેનારી વ્યક્તિ ગુમનામ હશે. ઘર એ જ હશે, ઘરનો માલિક હાજર નહીં હોય અને એ તમે હશો. છાપાનાં છેલ્લાં પાને જાહેરાત આવી હશે. બેસણું હશે તેનો સમય જાહેર થયો હશે. પરિવારના સભ્યોની સહી પણ છાપવામાં આવી હશે. જગ્યા અને તારીખ પણ લખાયા હશે. એ જાહેરાત સાથે એક ફોટા છપાયો હશે અને એ તમે હશો. પરિવારજનો એમને યાદ કરતા હશે. મિત્રો એમના સ્વભાવનાં વખાણ કરતા હશે. ઓળખીતાઓ એમની માટે સારા શબ્દો બોલતા હશે. દુશ્મનો પણ એમને માફ કરીને ઘરે બેસવા આવ્યા હશે. એક વ્યક્તિની પાછળ એક નાનકડું વિશ્વ રોતું હશે. એ કોણ હશે ? એ તમે હશો. ઘરમાં ઘડિયાળ ચાલતું જ રહેશે. દિવસમાં દસવાર ઘરનો દરવાજો ઉઘડતો રહેશે. નવા મહેમાનો આવશે. નવા નિર્ણયો લેવાશે. કૅલેન્ડરની તારીખો બદલાતી રહેશે. મહિનાઓ વહેશે. વરસો વહેશે. સૌ પોતપોતાની રીતે ગોઠવાઈ જશે. એક વ્યક્તિ હવે કેવળ ભૂતકાળ બની જશે. એ તમે હશો. તમારું આ એક નિશ્ચિત ભવિષ્ય છે. એક દિવસ એવો આવવાનો જ છે. તમે દવાઓ લીધી હશે, ઑપરેશન કરાવ્યા હશે. સારામાં સારા ડૉક્ટરો સાથે બેઠક યોજી હશે. દેશ-વિદેશના ખ્યાતનામ ચિકિત્સકો દ્વારા તમારો ઉપચાર થયો હશે. જેને જીવવાની ખૂબ ઇચ્છા હશે અને છતાં જે જીવી શક્યો નહીં હોય એ ખુદ તમે હશો. - ૨૯ 30 -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51