Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 23
________________ પ્રભુજી, અજવાળાં દેખાડો પરમ પ્રભુ. આપની સાથે મારો જનમજનમનો નાતો છે. આપ મને સાચવતા રહ્યા છો. આપ મને ઉગારતા રહ્યા છો. તકલીફોમાં આપનો સંગાથ છે. મુંઝવણમાં આપની હૂંફ છે. મારી ઘણી બધી સમસ્યાઓ એકમાત્ર આપે જ ઉકેલી છે. આપનો સથવારો હોય તો માણસ ગરીબ કે કમજોર હોઈ શકે નહીં. હું એવો પામર છું કે આપનો સથવારો મળ્યો છે છતાં દુ:ખી રહું છું. મને આપની પાસેથી શું અપેક્ષા છે? મને આપની દૃષ્ટિ જોઈએ છે. આપનું જ્ઞાન અનંત છે. મારું જ્ઞાન સીમિત છે. સરખામણીનો કોઈ જ પ્રશ્ન નથી. આપનાં જ્ઞાનનો અંશ એક મને આપી શકો તો મારે ઘણું છે. મારાં જીવનમાં ઘટના અને ભાવનાની જુગલબંદી ચાલી રહી છે. બનવી જોઈએ તેવી ઘટના નથી બનતી. જાગવી જોઈએ તેવી ભાવના નથી જ જાગતી. ન બનવી જોઈએ તેવી ઘટના બને છે. ન જાગવી જોઈએ તેવી ભાવના જાગે છે. ઘટના પર મારો કાબુ ના હોય. સંયોગો અને સાથીદારોનું સંકલન થાય તેમાંથી ઘટના નીપજે છે. સંયોગો પર મારી પકડ ના હોઈ શકે. સાથીદારો પર મારું વર્ચસ્વ, જડ જેવું વર્ચસ્વ હોઈ શકે નહીં. સરવાળે ઘટના કેવી હોઈ શકે છે તેની હું કલ્પના કે તેનું અનુમાન હું કરી શકું છું. ઘટના કેવી હોવી જોઈએ તેનું સર્જન હું નથી કરી શકતો. ઘટના તો બહાર બને છે. ઘટના મારા શરીરથી બહાર, મારા મનથી બહાર આકાર લે છે. ભાવનાનું તેવું નથી. ભાવના મારા મનમાં ઘોળાય છે. ભાવના મારા અંતરાત્માની સારી ખોટી અનુભૂતિ છે. ભાવના મારા કાબૂમાં રહેતી નથી તે હકીકત છે. ઘટનાઓ પ્રમાણે ભાવનાઓ ઘડાય છે. ઘટના બદલાય તેમ ભાવનાઓ બદલાય છે. અપેક્ષા મારી એ છે કે ઘટના પર કાબૂ રહે, એ રાખવાના પ્રયત્નો કરતાં ભાવના પર કાબૂ રાખવાના મારા પ્રયત્નો વધુ * ૩૯ ઉપયોગી છે. ઘટના અને ભાવનામાં સ્વતંત્રતાની દૃષ્ટિએ વિચારું છું તો ભાવના પર કામ કરવામાં વધારે સ્વતંત્રતા છે. ભાવનાનું હોવું અને ન હોવું તે મારી માનસિકતા પર નિર્ભર છે. ઘટનાનું હોવું કે ન હોવું તેમાં મારો કોઈ જ પ્રભાવ નથી. ભાવનાની ઘડામણ મારા હાથમાં છે. ઘટનાને સેન્સર કરી શકતો નથી. ભાવનાને સેન્સર કરી શકું છું. મને પૈસા મળે તે ઘટના છે. મને એ પૈસાથી સંતોષ થાય તે પણ ભાવના છે અને તે પૈસા જોઈને મને અસંતોષની લાગણી થાય તે પણ ભાવના છે. પૈસા તો એક જ છે. ભાવના બે આવી. મારે કંઈ ભાવના રાખવી તે નક્કી કરવાનું મારા હાથમાં છે. હું પૈસાની ઘટનાને સંતોષ તરફ લઈ જાઉં તે મારો વિજય છે. હું પૈસાની ઘટનાને અસંતોષ તરફ લઈ જાઉં તે મારો પરાજય છે. દરેક ઘટના માટે એકથી વધુ ભાવના જાગતી હોય છે. મારી સાથે બનતી ઘટનાઓમાં ભાવનાનો ઢાળ હંમેશા સારી દિશાનો હોય તેવી મારી ઝંખના છે. ઘટના કરતાં ભાવનાનું મહત્ત્વ વિશેષ છે. સુખ અને દુઃખ ઘટનામાં નથી રહેતાં. ભાવનામાં રહે છે. ઘટના અને ભાવનાને તદ્દન જુદા પાડીને જોતા મને નથી આવડતું. ગૂંચવાડા થાય છે. કાળું ભમ્મર અંધારું ઘેરાયેલું રહે છે. પ્રભુજી અજવાળાં દેખાડો.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51