Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 34
________________ વીતેલાં વરસનું સરવૈયું મને નવા વરસની પહેલી તિથિ સુધી પહોંચાડનારી છેલ્લી તિથિઓ ચાલી રહી છે. બે દિવસ પછી ચાલુ વરસ ગયા વરસમાં ફેરવાઈ જશે. ગયા વરસની સાડાત્રણસોથી વધુ તિથિઓ સાથે મારો વહેવાર કેવો રહ્યો છે ? રોજ સવારનો સૂરજ ૨૪ કલાક લઈને આવ્યો. મેં કેટલા કલાકો લેખે લખાડ્યા અને કેટલા કલાકો બગાડ્યા તે પૂછવા જેવું નથી. મારા કલાકોની મેં ભરપૂર બરબાદી કરી છે. આ કલાકો ઘણું આપી શકતા હતા તે મેં મેળવ્યું નથી. કલાકોની જેમ કેટલાય દિવસો મેં બગાડ્યા છે. આખો દિવસ પાણીના રેલાની જેમ બેકાર વહી ગયો છે. વારંવાર આવું બન્યું છે. વીતેલું વરસ મેં લગભગ બરબાદ કર્યું છે. 100 ટકાને બદલે માંડ ૪૦ ટકા રિઝલ્ટ આવ્યું છે, વીતેલા આ વરસનું. મારે આ વિફળતાનું મૂળ આજે શોધવું છે. હું વીતેલાં વરસ દરમ્યાન ઝડપથી નિર્ણયો લઈ નથી શક્યો. વધુ પડતું વિચારવાનું વળગણ મને નડ્યું છે. મેં આત્મવિશ્વાસથી કામ કરવાનું રાખ્યું હોત તો કામ સહેલું હતું. હું તો બીજાની સ્પર્ધામાં રહીને કામ કરતો હતો. બીજાને જોઈને પોતાનું મૂલ્યાંકન કરનારો પોતાની તાકાત પ્રમાણે કામ નથી કરી શકતો. મને મારી તાકાતનું આજ સુધી ભાન નથી. બધા કરે તે જ હું કરું છું. મારાથી ન થાય તેવા કામ ઉપાડી લઉં છું. મારાથી થઈ શકે તેવા કામ છોડી દઉં છું. મારી બાબતમાં વિચારું છું. મને અવશ્ય એવું લાગે છે કે હું મારી જાતને અન્યાય કરતો રહ્યો છું. વીતેલાં વરસ દરમ્યાન મારા હાથે સારાં કામો ઓછા થયા છે. મેં એ કામો કરવાની ભાવના રાખી હોત તો કામ થઈ જાત. મને સારાં કામમાં રસ પડ્યો નહીં. મેં જાણી જોઈને ટાળી દીધેલાં સારાં કામોની સંખ્યા મોટી છે. મારો સ્વભાવ જ વિચિત્ર છે. મને સાચી રીતે વિચારતાં આવડતું જ નથી. હું ભૂલી રહ્યો છું, મારા સ્વત્વને. હું ભૂલી ચૂક્યો છું. મારી આત્મચેતનાને. મારા કામકાજ બધા પાર પડે છે. મારાં સારાં કામો હું નથી કરી શકતો. મારા બૂરાં કામો હું રોકતો નથી. મેં કદી તાળો મેળવ્યો નથી. હું ગૂંચવાયેલો રહ્યો છું. મારા વીતેલાં વરસ પાસેથી મને હિતશિક્ષા મળી છે કે સારાં કામની પૂર્વતૈયારી નહીં કરો તો સારાં કામ તમારા હાથે થઈ શકશે નહીં. વીતેલાં વરસ પાસેથી મને થોડું આશ્વાસન પણ મળે છે. અમારા જીવનમાં ધર્મ થોડો તો છે જ. વિશ્વાસ, હૂંફ આપવાનું કર્તવ્ય ચૂક્યો નથી. પૈસા મળ્યા પણ છે અને વાપર્યા પણ છે. મારી સમજ મુજબની આત્માથી કાળજી રાખી છે. મારું અજ્ઞાન અને બાંધી રાખે તેમાં હું શું કરું? મેં તો મારી પહોંચ અનુસાર આત્મામાં રસ લીધો છે. મારા ફાળે આવેલું દુ:ખ વધાવીને હું બીજાનાં દુઃખ ઘટાડી શક્યો છું. હું સ્વાર્થી છું પણ લુચ્ચો નથી. હું જૂઠ અને પ્રપંચમાં રાચું છું પણ મોટા દંભ નથી કરતો. મારી વ્યક્તિમત્તામાં જમાપાસું પણ છે અને ઉધારપાસું પણ છે. ગયા વરસે જમાપાસું જરા જરા જામ્યું છે તેની ખુશી. ગયા વરસે ઉધાર પાસે માથે ચડ્યું છે તેનો અફસોસ. ૬૨

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51