Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 48
________________ સાચું કારણ : ખોટું કારણ કેનેડાની કંપનીનો એક અધિકારી દિલ્હીના રૉડ પર ગાડી ચલાવી રહ્યો છે. રાત ઢળી ચૂકી છે. હાઈવે પર સરકતી ગાડીની હેડલાઈમાં તેણે જોયું. એક આદમી આરામથી રોડ પર ચાલી રહ્યો હતો. રૉડ ક્રૉસ કરવાને બદલે બગીચામાં ફરતો હોય એવી નિરાંતે એ ચાલતો હતો. એ વિચારે છે : ‘આવા માણસોને સીધા કરવા જોઈએ.' ગાડીનો ધક્કો તેને લાગી જાય તે પૂર્વે મહામહેનતે બ્રેક મારીને ગાડી અટકાવે છે. એ રખડેલ માણસ પાસે જઈને અધિકારી ઝઘડો જ માંડે છે. પેલો બાઘાની જેમ જોયા કરે છે. અધિકારીને વધારે ગુસ્સો આવે છે. એ પેલાને પૂછે છે જવાબ કેમ આપતો નથી. પેલો માણસ જવાબ આપે છે તો વિસ્ફોટ થાય છે. અધિકારી સ્તબ્ધ બની જાય છે. પેલો માણસ એક જ વાક્ય બોલે છે : ‘હું અંધ છું.’ અધિકારીના શબ્દો થીજી જાય છે. ચૂપચાપ એ અધિકારી પેલા અંધને તેના ઘર સુધી પહોંચાડી દે છે. અધિકારીની ઊંઘ હરામ થઈ જાય છે. તેને પોતે કરેલા ગુસ્સાનો પસ્તાવો થાય છે. તેને પેલા અંધની દયાના વિચારો આવ્યા કરે છે. એ મોટી કંપનીનો મૅનેજર છે. એને એક નવો જ વિચાર આવે છે. રાત્રે હાઈવે પર ટ્રાફિક મૅગ્નેજમૅન્ટનાં જે નાનાં નાનાં બૉર્ડ મૂકેલાં હોય છે તેની પર લાલ રંગ ચમકતો હોય છે. એ અધિકારી વિચારે છે અંધારામાં ચમકે તેવા લાલ રંગના ટીશર્ટ બને, તે અંધ માણસોને પહેરવા મળે તો રાતે અકસ્માતનો ડર નડે નહીં. દૂરથી આવતી ગાડી એના ટીશર્ટ પર ચમકતા લાલરંગને જોઈને અટકી જાય અથવા સાઈડ બદલી લે. અધિકારીએ પોતાનો વિચાર લાંબી મહેનત પછી પૂરો કર્યો. લાલરંગના ટીશર્ટ બન્યા. પાણી કે પસીનાથી ઉખડે નહીં તેવા લાલ રંગના ટીશર્ટ દિલ્હીમાં રહેતા પચીસહજાર અંધજનોને તે ટીશર્ટ અપાયા. અધિકારીને સંતોષ થયો. એક અંધ પર ખોટો ગુસ્સો કરેલો તેનો સાચો પશ્ચાત્તાપ આ રીતે કર્યો. પ્રસંગ સાચો છે. બોધ જરા જુદો છે. આપણી સમક્ષ જે પરિસ્થિતિ આવે છે તેને આપણે કેવળ આપણી પોતાની જ નજરે મૂલવીએ છીએ. જે કાંઈ બને છે તેનાં કારણ શું હોઈ શકે તે આપણે નક્કી કરીએ છીએ. એ કારણ સાચું છે તેમ માનીને જ ચાલીએ છીએ. એ પરિસ્થિતિનું સાચું કારણકોઈ જુદું છે તે આપણે વિચારી શકતા નથી. આપણી માન્યતા અને આપણા પૂર્વગ્રહને લીધે આપણે જે વિચાર્યું છે તે આપણને ખોટું નહીં લાગે. હકીકત જુદી હશે. આપણે ખોટાં કારણો વિચારતા હોઈશું. સાચાં કારણો શોધવાનું આપણે વિચારી નહીં શકીએ કેમ કે ખોટાં કારણોએ મન ઉપર પકડ જમાવી લીધી હશે. સાચાં કારણ સુધી પહોંચવા માટે વિચારશક્તિને ધીરગંભીર રીતે કામે લગાડવી પડે છે. તરત જ ઉછળી પડવાની મનોવૃત્તિ હશે તો સાચાં કારણો જડશે નહીં. આપણી સમક્ષ બની રહેલો પ્રસંગ, આપણી પાસે આવેલી વાત કેવી છે તે વિચારવું. આ પ્રસંગ અને આ વાત કેમ આવ્યા તેનું કારણ શોધવું. સાચા કારણો મેળવીશું તો ખોટા પગલાં નહીં લઈ શકાય. પગ અટકી જશે. અધિકારીએ અંધને પહેલી વાર જોયો તો છંછેડાયો. ખોટું કારણ હતું, મનમાં. પછી એને સાચું કારણ જાણવા મળ્યું. વાત બદલાઈ ગઈ. એણે પચીસ હજાર અંધજનોની જિંદગી સલામત બનાવતો નિર્ણય લીધો. આપણે જે પ્રતિભાવ આપીએ છીએ તે કોઈ કારણસર જ આપીએ છીએ. આપણે નક્કી કરેલાં કારણો જુદા હોય છે અને હકીકતમાં હોનારાં કારણો જુદાં હોય છે. આપણાં કારણો હંમેશા વ્યાજબી હોવા જોઈએ. ખોટા કારણસર કરેલું સારું કામ પણ લાંબો ફાયદો આપી શકતું નથી. વ્યાજબી કારણસર કરેલું નાનું કામ પણ ફાયદો આપે છે. આપણાં કારણો અને વાસ્તવિક કારણો વચ્ચે ભેદ હોય છે તે શોધીએ. બચી જઈશું. • ૮૯ CO

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51