Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 49
________________ સુખ અને શાંતિની વાર્તા મરાઠી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત લેખક ખાંડેકર સાહેબની વાર્તા છે. એક રાજા છે. તેને શાંતિ મેળવવી છે. ઘણા પ્રયત્ન કર્યા. મનને શાંતિ મળતી નથી. રાજા વિચારે છે : મારે સારા માણસોની સલાહ લેવી જોઈએ. મળ્યો ઘણા લોકોને. એક વૃદ્ધ માણસે સલાહ આપી : ‘તું આજે બહાર ફરવા નીકળે ત્યારે પહેલો જે મળે તેની પાસે ભિક્ષા માંગજે.' રાજાએ સલાહ માની. લીધી. રાજા વાજતે ગાજતે મહેલની બહાર નીકળ્યો. સવારી રસ્તા પર આવી. રાજાની નજર ફરી રહી છે કે પહેલો સામે કોણ આવે છે. રાજાએ જોયું કે સૌથી પહેલો એક ભિખારી આવી રહ્યો છે. રાજા ઉતર્યો. ભિખારીની પાસે દોડી ગયો. ભિખારીના પગમાં પડ્યો. ભિક્ષા માંગી. ભિખારીની હાલત સારી નહોતી. એને કેટલાક દિવસથી રસોઈ ખાવા મળી ન હતી. એની પત્નીએ આજે એની ધોલાઈ કરી હતી, ઝોળીમાં ચોખાના સો-દોઢસો દાણા ભરીને એ નીકળ્યો હતો, એણે રાજાને પોતાની પાસે આવતો જોયો. ભિખારીને મનમાં હતું કે પોતે રાજા પાસે ભિક્ષા માંગશે. બન્યું ઊંધું. રાજાએ ભિખારીની પાસે ભિક્ષા માંગી. ભિખારીએ કોઈ દિવસ દાન આપ્યું નહોતું. રાજાએ કોઈ દિવસ ભીખ માંગી નહોતી. બંનેના અનુભવ નવા હતા. બંને ગૂંચવાયા હતા. ભિખારીએ વિચારીને રાજાને પૂછ્યું : ‘હું તને શું આપું ?” રાજાએ કહ્યું : ‘તારે જે આપવું હોય તે આપી દે.' ભિખારી પાસે થોડા ચોખા હતા. ભિખારીને લાગ્યું કે આજે મારો ફેરો નિષ્ફળ છે. મારે જ રાજા પાસે માંગવું જોઈએ તેને બદલે આ રાજા મારી પાસે માંગે છે. હું તો પૂરો ફસાયો છું. ભિખારીએ ઝોળીમાં હાથ નાંખી ચોખાનો એક દાણો રાજાને આપ્યો. રાજા દાન માથે ચડાવીને નીકળી ગયો. ભિખારી થોડું રખડીને ઘેર આવ્યો. પત્નીને ચોખા પાછા આપીને રાજાની ભિક્ષા માંગવાની કથા સંભળાવી. પત્ની મોટું ચડાવીને ચોખા વીણવા બેઠી. પત્નીની નજર ચમકી. પત્નીએ પતિને રાજાની વાત ફરી પૂછી. ભિખારી ફરીવાર આખી વાત જણાવે તે પહેલા જ પત્નીએ પૂછ્યું કે ‘તમે રાજાને કશું આપ્યું હતું.' ભિખારી કહે છે : ‘મારે તો લેવાનું હતું. એ મારી પાસે માંગે તો હું તો શું આપી શકવાનો. મેં તો ઝોળીમાંથી એક ચોખાનો દાણો આપી દીધો.’ પત્ની માથું પટકીને રોવા લાગી. ભિખારી પૂછે છે “શું થયું?' પત્ની કહે છે : ‘હું ચોખા વીણવા બેઠી તેમાંથી એક દાણો સોનાનો નીકળ્યો છે. તમે બધા ચોખા આપી દીધા હોત તો બધા જ દાણા સોનાના બનીને પાછા મળત. તમે એક દાણો મળ્યો. હાય રે ! હાય, તમને ભીખ માંગતા પણ ન આવડી. દાન દેતા પણ ન આવડ્યું.' ભિખારીએ કપાળ કૂટ્યું. હવે રાજા ભિક્ષા માંગવાનો નહોતો. આ વાર્તા એમ કહે છે કે - તમારા જીવનમાં જે પ્રસંગો બને છે તેને સારા બનવા દેવા કે ખરાબ બનાવવા તે તમારા હાથમાં છે. પ્રસંગ જે બને છે. એ પ્રસંગમાં તમારો ફાળો પ્રશસ્ય હોવો જોઈએ. તમારી સાથેનો વહેવાર સારો ભલે ના હોય. તમારો વહેવાર સારો જ હોવો ઘટે. તમારી પાસે બીજું કાંઈ હોય કે ન હોય, તમારી ભાવના તો સારી જ હોવી જોઈએ. ભિખારી ગરીબ હતો. ગૌણ વાત છે. ભિખારીએ દાન આપવામાં કચાશ રાખી તે મુખ્ય વાત છે. તે ચૂકી ગયો. તમે સજજનતાની બાબતમાં થોડી પણ કચાશ રાખી તો ચૂકશો. ૧

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51