________________
મૃત્યુ નિશ્ચિત છે
એક
રાજકુમાર હતો. એને હજારો વરસ જીવવું હતું. પોતાના પરિવાર વચ્ચે સો વરસ જ જીવાશે એમ વિચારીને તે ઘેરથી ભાગી નીકળ્યો. લાંબી વાટ પસાર કરી. જમીનનો છેડો આવ્યો. દરિયાકાંઠે એ પહોંચ્યો. ઉછળતાં મોજા જોઈને તે પોતાનું સપનું યાદ કરતો રહ્યો. તેણે દરિયાકિનારે ચાલવા માંડ્યું. એને એક માણસ મળ્યો. એ દરિયાને ચમચીથી ઉલેચી રહ્યો હતો. રાજકુમારે પૂછ્યું, ‘તું દરિયો ખાલી કરવા માગે છે ?’ પેલાએ હા પાડી. રાજકુમારે પૂછ્યું કે ‘તું આ રીતે દરિયો ખાલી કરવા માંગે છે તો કેટલા વરસે દરિયો ખાલી થશે ?’ પેલો કહે, ‘મને તો એક હજાર વરસ જીવવાનું વરદાન છે. તું મારી સાથે રહીશ તો આ વરદાન તને પણ મળશે.' રાજકુમાર રાજી થયો. એક હજાર વર્ષ જીવવાનો જાદુ જોઈને રાજકુમાર ત્યાં જ રોકાઈ ગયો. થોડા સમયમાં રાજકુમારને થયું કે હજાર વરસ પછી તો મરવું જ પડશે. સો વરસ પછી મરો કે હજાર વરસ પછી મરો. સરખું જ છે બધું. મારે તો વધારે જીવવું છે. રાજકુમાર ત્યાંથી નીકળી ગયો. દૂર દૂર એક જંગલ આવ્યું. ઊંચાં ઊંચાં ઝાડ હતાં. અડાબીડ અટવી હતી. વૃક્ષોનો પાર નહોતો. રાજકુમારે જંગલમાં એક માણસને જોયો. એ કુહાડીથી ઝાડ તોડી રહ્યો હતો. રાજકુમારે તેને પૂછ્યું તો તે કહે કે ‘મને દસ હજાર વરસ જીવવાનું વરદાન છે. આખુ જંગલ કાપી નાંખીશ. પછી જ મરીશ. તું મારી સાથે રહે તો તને પણ દસ હજાર વરસનું જીવન મળશે.’ રાજકુમાર તેની સાથે રોકાઈ ગયો. થોડાં સમયમાં જ તેને સમજાઈ ગયું કે હજાર વરસે મરો કે દસ હજાર વરસે મરો, ફરક નથી પડતો. રાજકુમાર ચાલી નીકળ્યો. આગળ ઉત્તુંગ પહાડ આવ્યો. એક માણસ હથોડા મારીને પહાડના પથ્થરો તોડી રહ્યો હતો. એને એક લાખ વરસ જીવવાનું વરદાન હતું અને એ પહાડ તોડીને પછી જ મરવા માંગતો હતો. રાજકુમાર તેની સાથે રોકાયો. એક લાખ વરસ પછી પણ મરવું જ પડશે તેમ વિચારી એ ત્યાંથી પણ નીકળી ગયો. ખૂબ ફર્યો. એક નદીકિનારે તેને એક વયોવૃદ્ધ કાકા મળ્યા. કાકાએ કહ્યું કે ‘મારી સાથે રહેનાર ક્યારેય નથી મરતો.
• ૮૧
શરત એટલી જ કે તારે હું કહું તે પ્રમાણે જ કરવું પડશે.' રાજકુમાર ત્યાં રોકાઈ ગયો. લાખો વરસ વીત્યાં રાજકુમારને મરવાની ચિંતા જ નહોતી. એ સદાકાળ જીવવાની સિદ્ધિ મેળવી ચૂક્યો હતો. પણ આખરે એ માણસ હતો. એક દિવસ તેને પોતાનો દેશ અને પોતાનું ઘર યાદ આવ્યું. એને પોતાનો મુલક જોવાની ઇચ્છા કાકાને જણાવી. કાકાએ કહ્યું કે ‘તું ન જાય તો સારું છે. પરંતુ તારે જવું જ હોય તો આ સફેદ ઘોડા પર બેસીને જા.' આ ઘોડા પરથી નીચે ઉતરવાનું નહીં. રાજકુમાર ઘોડા પર બેસીને નીકળ્યો. પહાડના ટુકડા જોયા. કપાયેલા લાકડા જોયાં. સૂકાઈ ગયેલો દરિયો જોયો. સફેદ ઘોડો તેને તેનાં ગામે લઈ આવ્યો. બધું બદલાઈ ગયું હતું. હજારોની વસતિ જ્યાં આરામ કરતી હતી ત્યાં બાવળનાં ઝૂંડ સિવાય કાંઈ જ બચ્યું નહોતું. રાજકુમાર હતાશ થયો. પોતે ચિરંજીવ છે તેનો સંતોષ લઈને પાછો નીકળ્યો. રસ્તામાં સામેથી એક ગાડું આવી રહ્યું હતું. બે બળદ એ ગાડાને ખેંચતા હતા. એક ઘરડો ડોસો એને ચલાવી રહ્યો હતો. ઘોડાની બરોબર સામે આવીને એ ગાડું અટક્યું. બળદ જમીન પર બેસી ગયા. ડોસાએ રાશ ખેંચી, ચાબૂકો મારી, પણ બળદ ઊભા જ ન થયા. ડોસાએ રાજકુમારને કહ્યું કે ‘મારા બળદને ઊભા કરો તો મને સહાય મળશે.' રાજકુમારે સફેદ ઘોડાને નહીં છોડવાની સૂચના યાદ કરી. એકદમ સાવચેતી રાખીને ઘોડા પર જ ઊભો થયો. એક પગ ઘોડાના પેંગડા પર રાખીને બીજો પગ જમીનને અડાડ્યો. બળદ તો ઊભા ન થયા. પણ પેલો ડોસો ચપળતાથી રાજકુમાર પર કૂદ્યો. રાજકુમાર જમીન પર પટકાયો. ડોસાએ રાજકુમારનું ગળું દબાવતા કહ્યું. ‘હું કેટલા વરસથી તારી પાછળ ફરી રહ્યો છું. આ ગાડામાં ચપ્પલની સેંકડો જોડ પડી છે તે તારી પાછળ ચાલતા ચાલતા ઘસાઈ ગઈ છે. આજે તું મારા હાથમાં આવ્યો છે. હવે તું છટકી શકવાનો નથી.”
રાજકુમારે પૂછ્યું. ‘તમે કોણ છો ?’
ડોસાએ કહ્યું. ‘મારું નામ છે મૃત્યુ. તું લાખો વરસથી મને મૂરખ બનાવતો રહ્યો. આજે મેં તને મૂરખ બનાવ્યો છે.’
ઈટાલીની આ લોકકથા એમ કહે છે. ન ગાતી હૈ, ન ગુનગુનાતી હૈ, મૌત આતી હૈ, તો ચૂપચાપ આતી હૈ
ર.