Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 45
________________ ક્યાંક જવાનું છે એક જંગલમાં રાતવાસો કરવા ચાર પુરુષો ભેગા થઈ ગયા. પહેલો સુથાર હતો. બીજો દરજી હતો. ત્રીજો સોની હતો. ચોથો તાંત્રિક સાધુ હતો. વાર્તા ધારણા પ્રમાણે જ ચાલે છે. રાત્રિના સમયે ચારે જણાએ એક એક પહોર જાગવાના વારા નક્કી કર્યા. પહેલા પહોરે સુથાર જાગ્યો. ટાઈમ પાસ કરવા માટે તેણે લાકડું હાથમાં લીધું. નાનકડી ઢીંગલી જેવી મૂર્તિ બનાવી. બીજા પહોરે દરજીએ એ મૂર્તિનાં કપડાં સીવ્યાં. ત્રીજા પહોરે સોનીએ દાગીના પહેરાવ્યા. હવે આ રીતે દરજી કપડાં સીવી લે અને સોની દાગીના બનાવી લે તે તો શક્ય જ નથી. વાર્તામાં તો આવું જ બને. ચોથો તાંત્રિક, આ સુંદર મૂર્તિને જોઈને રાજી થયો. તેણે મૂર્તિને જીવંત બનાવી. સવાર પડી. અજવાળું થયું. ચારે જણાની વચ્ચે એક જીવંત વ્યક્તિ હાજર હતી. એની પર હક કોનો તે પ્રશ્ન ઊભો થયો. ખૂબ ચર્ચા થઈ. આખરે નક્કી થયું કે બાજુનાં ગામમાં જઈને ન્યાયાધીશને પૂછવું. ન્યાયાધીશે ધ્યાનથી એ પાંચમી વ્યક્તિને જોઈને જાહેર કર્યું કે આ તો મારાં ઘરેથી ચોરી કરીને ભાગી ગયેલી નોકરાણી છે.' હવે ચાર વચ્ચેનો ઝઘડો ચાર વિરુદ્ધ એકનો ઝઘડો થઈ ગયો. અત્યાર સુધી ચૂપ રહેલીએ જીવંત સ્ત્રીએ પાંચેયને વિનંતી કરી. ગામ બહાર મોટા ચમત્કારી ઝાડને સવાલ પૂછવાનો સૌએ નિર્ણય લીધો. વરઘોડો વાજયા વગર અને ગાજયા વગર ગામ બહારનાં વૃક્ષ નીચે આવ્યો. એ સ્ત્રીએ ઝાડની સામે જોઈને પ્રાર્થના કરી. ઝાડનું થડ દરવાજાની જેમ ખૂલી ગયું. સ્ત્રી દરવાજામાં પેસી ગઈ. દરવાજો બંધ થઈ ગયો. ઝાડનું થડ હતું એમનું એમ ઊભું રહ્યું. પાંચેય જણા ચિલ્લાયા. આકાશવાણી થઈ. “આ સ્ત્રી ઝાડનાં લાકડામાંથી આવી હતી. એ પાછી ઝાડનાં લાકડામાં સમાઈ ગઈ છે. એની માટે તમારે ઝઘડવાનું નથી. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં તમારે પાછા રહેવાનું છે. આ સ્ત્રીની જેમ તમારે પણ એક દિવસ સ્મશાનનાં લાકડામાં ખોવાઈ જવાનું છે તે યાદ રાખજો.’ ચમત્કાર હતો. દેવવાણી હતી. પાંચે પાંચની મતિ સુધરી ગઈ. એક અજાણી સ્ત્રી પાંચ સમજદાર માણસો વચ્ચે ઝઘડો લગાવી રહી હતી. પાંચમાંથી કોઈ સમજી શક્યું નહીં. તમારી જિંદગીમાં કોઈ ઝઘડો આવે ત્યારે તમે કોના લીધે ઝઘડો છો અને કોની સાથે ઝઘડો છો તેની સરખામણી કરજો . તમે જેની સાથે ઝઘડતા હશો તે વ્યક્તિ નજીકની હશે. તમે જેના લીધે ઝઘડતા હશો તે વ્યક્તિ દૂરની હશે. તમે જેની સાથે ઝઘડતા હશો તે વ્યક્તિ દૂરની હશે. તમે જેના લીધે ઝઘડતા હશો તે નજીકની વ્યક્તિ હશે. તમે જેના લીધે, જેની માટે ઝઘડો વહો તે વ્યક્તિ જ છે. તમે જેની સાથે, જેની સામે ઝઘડો ચાલુ કર્યો તે વ્યક્તિ જ છે. આ બધી વ્યક્તિઓ તમારી સાથે રહી છે. એ તમારી સાથે જનમી નથી. એ તમારી સાથે મરી નથી. એ વ્યક્તિઓ એક દિવસ આ દુનિયા છોડી દેવાની છે. તમારે એક દિવસ આ સંબંધો છોડી દેવાના છે. આ ભાવનાઓ અને ફરિયાદો અને અપેક્ષાઓ અને મથામણો એક દિવસ હંમેશ માટે ખતમ થઈ જવાના છે. તમે અને એ બધા બીજી દુનિયામાંથી આવ્યા છે અને બીજી દુનિયામાં પહોંચી જવાના છે. તમે તમારી જાતને સંભાળી લો. તમે બીજા કોઈની સાથે જરા પણ બગાડશો નહીં. તમારે સારા બની રહેવાનું છે. તમારે બીજા કોઈને ખરાબ પૂરવાર કરવાના નથી. થોડા વરસો માટે આટાપાટા અને સંઘર્ષો બંધ કરો. બધું પૂરું થઈ જવાનું છે. તમારે તો બીજે ક્યાંક જવાનું છે. ૮૩ ૮૪ )

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51