Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 30
________________ સાધુજીવનનાં ક્ટો તમારે ચાલવાનું છે. કાંટા અને કાચ પથરાયેલા હોય તો અટકવાનું નથી. તમારે તરસ્યા રહેવાનું છે, લૂ વરસાવતા ઉનાળાની રાત્રે પાણી પીવાનું નથી. તમારે પસીનો લૂછવાનો નથી, બળબળતો તડકો ભલે વરસે, ચાલતા અટકવાનું નથી. તમારાં માથે ઉગેલા વાળ હાથથી ઉખાડી કાઢવાના છે. તમારે નહાવાનું નથી. તમારે અપેક્ષા રાખવાની નથી. તમારે દુ:ખ આવે તો રડવાનું નથી. તમારે અપમાન થાય તો ગુસ્સો કરવાનો નથી. તમારે સતત અભ્યાસ કરવાનો છે, તમારે કાયમ તપ કરવાનું છે. તમારે નિયમો અખંડ રીતે પાળવાના છે. સાધુજીવનનાં કષ્ટોની કલ્પના કરવા જેવી છે. આખી રાત કશું ખાધું પીધું ન હોય. વહેલી સવારે ચાર-પાંચ કલાક ચાલવાનું, મુકામે પહોંચ્યા પછી આવશ્યક ક્રિયાઓ કરવાની, પાણી ઉકાળેલું જ પીવાનું, જે મળે તેમાં ચલાવી લેવાનું. મહેલ જેવું મકાન હોય કે કચરાપટ્ટી જેવી ઝૂંપડી હોય સમાન ભાવે રહેવાનું. રસ્તે ચાલતા લોકો ભીખ માંગે અને પછી ગાળો આપે તેમાં ખોટું નહીં લગાડવાનું. સાધુ થતાં પહેલાં લખલૂટ વૈભવ હતો તે ભૂલી જવાનો, પરિવાર માટે સ્નેહભાવ નહીં રાખવાનો, ભક્તો માટે પક્ષપાત નહીં, પૈસાની બાબતમાં કશી લપ્પન કે છપ્પન નહીં, આવે તેને ધર્મ આપવાનો, ધર્મ પામવા કોઈ આવશે તેવી રાહ પણ નહીં જોવાની. શ્રી આનંદઘનજી મહારાજાનો કિસ્સો ગજબ છે. તે એક ગામમાં ચોમાસું હતાં. રોજ વ્યાખ્યાન આપે. મુખ્ય ટ્રસ્ટી જેવા શેઠ રોજ સમયસર આવે. એમની હાજરીમાં જ વ્યાખ્યાન શરૂ થાય. એક વાર શેઠ આવ્યા નહોતા. વ્યાખ્યાન શરૂ થઈ ગયું, શેઠ આવ્યા. પોતાની હાજરી વિના વ્યાખ્યાન કેમ શરૂ થયું એની ફરિયાદ કરી. શ્રી આનંદઘનજી મ. તો અલખના સાધક. પ્રવચનપીઠ પરથી ઊભા થયા. શેઠને કહ્યું : તારી રાહ જોવા બેસું તો મારું સાધુપદ લજવાય અને તારી વાત સાંભળ્યા પછી આ જગ્યાએ ઊભો રહું તો મારી સાધના લજવાય. હું હવે જઉં છું. ફરી પાછો ક્યારેય આવવાનો નથી. શ્રી આનંદઘનજી મ. નીકળી ગયા ગામ છોડીને. સાધુજીવનનાં કષ્ટો મીઠાં લાગે છે. કેમ કે તેમાં કશો સ્વાર્થ નથી. આપણે સ્વાર્થ માટે બધું ખમીએ છીએ. સ્વાર્થ ના સચવાયો તેની ફરિયાદો લઈને ઝઘડા પણ કરીએ. આ કષ્ટો આપણે ઘણાં બધાં ખમ્યાં છે. નિઃસ્વાર્થ ભાવે સાધના માટે સહન કરવાનું આપણને ફાવતું નથી. સાધુ કષ્ટો પામે છે તેમાં લાચારી નથી, ખુમારી છે. સાધુ કષ્ટ ખમે છે તેમાં પરાધીનતા નથી, સ્વતંત્રતા છે. સાધુજીવનમાં મમતાનો અંશ નથી. સાધુજીવનમાં પ્રભુ સિવાયનું લક્ષ્ય નથી. સાધુજીવનમાં ભિક્ષા છે, ગોચરી છે, સાધુજીવનમાં આવશ્યકતાની પૂર્તિ માટે યાચના કરવાની હોય છે. સાધુ જીવન પરાવલંબી છે, માંગીને મેળવવાનું વ્રત છે સાધુને. અને છતાં કોઈના બાપની સાડાબારી સાધુ રાખતા નથી. સાધુને માનસન્માન જોરદાર મળે છે તેમ કષ્ટો પણ જોરદાર મળે છે. માનસન્માનની પરવા ન કરનારા સાધુ કષ્ટો વેઠવા તત્પર હોય છે. - શરીરને તકલીફ પડે અને મનને ના કહેવી પડે તો સાધુ રાજી થાય છે. કામ કરતાં કરતાં થાક ચડે તેમાં સાધુ સંતોષ પામે છે. પગ છોલાય ને આખો દેહ પરિશ્રાંત થાય તેને સાધુ સ્વર્ગીય સુખ માને છે. - સાધુ થવું તે જીવનનું લક્ષ્ય છે. સાધુ થયા વિના અવતાર લેખે લાગતો નથી. વાત સારી છે. પણ સાધુ થઈ ના શકો તો કમસે કમ સાધુનાં કષ્ટોને તો સમજો. આપણાં જીવનને આળપંપાળમાં બાંધી લીધું છે, સંસારે. સાધુને જોઈશું તો જીવન સાત્ત્વિક બનશે. - ૫૩ પ૪ -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51