________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 123 આગમોમાં સ્પષ્ટ લખેલું જ છે ને કે સૂતકવાળા ઘરે સાધુએ ગોચરી ન જવું અને સૂતકવાળા ઘરના સભ્યોએ ભગવાનની પૂજા ન કરવી. સૂતક ઉતરે પછી બધું થાય. આ વાત બરાબર છે ને? આચાર્યશ્રી તું પૂછે છે એ વાત જરાય બરાબર નથી. કારણ કે સૂતકવાળા ઘરના સભ્યોએ ભગવાનની પૂજા ન કરવી એવું કોઈ આગમમાં લખ્યું નથી. આગમની વાત તો દૂર રહી તપાગચ્છની પ્રામાણિક પરંપરાના ગ્રંથોમાં પણ ક્યાંય આવું લખાણ નથી. અન્ય ગચ્છના ગ્રંથોમાં તેવી વાત વાંચવા મળે તો એનો સ્વીકાર તપાગચ્છ કરવાનો ન હોય કારણ કે તપાગચ્છના ગ્રંથોમાં અન્યગચ્છની તેવી માન્યતાનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. આગમના નામે જે ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે તેના માટે તો ખાસ વાત કરવી જ પડશે. જે જે આગમોમાં જીવનચરિત્રની વાત લખી છે તેમાં ચરિત્રરૂપે આવતી ઘટનામાં સૂતક સંબંધી વાત આવી જાય તે સહજ છે, તેવી વાત આવે જ છે. પણ આ વાતનો પરમાર્થ સમજાવવા માટે પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર, પૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર વગેરે સમર્થ ટીકાકારોએ ખુલાસો કરેલો છે કે સૂતકમાં દશ દિવસ સુધીનો પુત્રજન્મનો ઉત્સવ કરવામાં આવ્યો તેમાં સેંકડો - હજારો અને લાખો જિનપ્રતિમાની સિદ્ધાર્થ રાજાએ પૂજા કરી અને કરાવી. ત્યાં વપરાયેલ યજ્ઞ’ શબ્દનો અર્થ બંને ટીકાકારોએ દેવપૂજા-જિનપૂજા જ કર્યો છે. એટલે આગમમાં જ સૂતક સમયે જિનપૂજા ન થાય તેવી વાતનો છેદ આ ટીકાકારોના સ્પષ્ટીકરણથી થઈ જાય છે. શ્રી કલ્પસૂત્ર જેવા પવિત્ર આગમની ટીકામાં આવો ખુલાસો થઈ જવાના કારણે બાકીના આગમોમાં આ જ વાત આવે ત્યારે તેનો અર્થ પણ કેવો કરવો તે બંને મહોપાધ્યાયશ્રીજીના વચનોથી ખ્યાલ આવી જશે. ટીકાકારોનું સ્પષ્ટીકરણ ત્યાં પણ સાચો અર્થબોધ કરાવશે. સાધ્વાચારોનું વર્ણન કરતા આગમોમાં પણ સૂતકની વાત વિચારવામાં આવી છે પણ તે ફક્ત સાધુએ કયા ઘરે ગોચરી ન જવાય તેની વાત કરતી વખતે કરી છે. આમાં ક્યાંય શ્રાવકની જિનપૂજાનો ઉલ્લેખમાત્ર પણ કરવામાં નથી આવ્યો. એટલું જ નહિ પણ શ્રાવકે ગોચરી વહોરાવવી કે નહિ તેની પણ વાત નથી લખી. ફક્ત સાધુએ શું કરવું તે જ જણાવ્યું છે. આજે આ