________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 127 તો પણ સ્નાન કર્યા બાદ શુદ્ધ થાય છે માટે જિનપૂજા કરી શકે છે. કોઈ શાસ્ત્ર તેનો નિષેધ કરતું નથી. શ્રેયસ : પ્રસૂતા સ્ત્રીને અડી ગયા કે બાળકને રમાડવા લીધો હોય તેવી વ્યક્તિથી પૂજા થાય? - આચાર્યશ્રી : પહેલા નંબરે દશ દિવસ સુધી પ્રસૂતા સ્ત્રીને અડી શકાય નહિ તેવી સ્પર્શ મર્યાદા પાળવાની છે. બાળક પણ માતાને અડેલો હોય ત્યારે બાળકને પણ અડાય નહિ. સ્નાન કરાવી લીધા પછી બાળક માતાને પાછો અડે તે પહેલા તેને રમાડ્યો હોય તો તેમાં બાધ આવતો નથી. જો તમે આવી મર્યાદા પાળી ન હોય, પ્રસૂતા સ્ત્રી કે તેને અડેલા બાળકને અડી ગયા હો તો સ્નાન કર્યા પછી શુદ્ધ થાઓ. તે પછી જિનપૂજા કરી શકાય. ફક્ત છાંટ નાંખી દેવાથી શુદ્ધિ થતી નથી. એ ધ્યાનમાં રાખવું. શ્રેયસ : પ્રસૂતા સ્ત્રીને દશ દિવસનું સૂતક લાગે તો દશ દિવસ પછી સ્નાન કરીને શુદ્ધ થાય ત્યારે પ્રસૂતા સ્ત્રી કઈ કઈ આરાધના કરી શકે ? આચાર્યશ્રી : પ્રસૂતા સ્ત્રી દશ દિવસ બાદ સ્નાન કરીને શુદ્ધ થાય ત્યાર બાદ તેની સ્પર્શમર્યાદા પૂરી થાય છે માટે એ બધે અડી શકે છે. જિનદર્શનવંદન કરી શકે. સુપાત્રદાન- સામાયિક આદિ કરી શકે છે. ટૂંકમાં એમ.સી.ના ત્રણ દિવસ - 72 કલાકના સ્નાન બાદ એ સ્ત્રી જેટલી આરાધના કરી શકે તે બધી જ આરાધના પ્રસૂતા સ્ત્રી દશ દિવસના સ્નાન બાદ શુદ્ધ થઈને કરી શકે. ખાસ ધ્યાન રાખશો કે પૂરી શુદ્ધિ આવ્યા વિના જિનપૂજા તેઓ કરી શકે નહિ. શ્રેયસ સૂતકના ઘરનું ભોજન કર્યું હોય તો કેટલા દિવસ પૂજા ન થાય? આચાર્યશ્રી સૂતકવાળા ઘરના સભ્યો પણ સ્નાન કરીને શુદ્ધ થાય પછી પૂજા કરી શકે છે તો બાકીના તેમના ઘરે જમ્યા હોય એટલા માત્રથી પૂજા ન કરી શકે તેવો નિયમ તો હોય જ નહિ ને? સૂતકવાળા ઘરના સભ્યો પોતાના ઘરનું જમે છે છતાં તેમના માટે સ્નાનથી શુદ્ધ થયા બાદ પૂજાનો નિષેધ નથી તો પછી બહારની વ્યક્તિ તેના ઘરે જમે તેટલા માત્રથી તેના માટે પૂજાબંધી તો હોય જ નહિ.