________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 134 પાછળવાળા પૂજા ન પણ છોડે તોય પૂજા બંધ કરાવવાની દુર્ભાવના અને દુર્વચનનું પાપ તે વ્યક્તિને બંધાય જ. માટે આવા અહિતકર માર્ગે કોઈએ જવા જેવું નથી. શ્રેયસ : હવે સાહેબ, આથી વિપરીત વિચારીએ. કોઈ વ્યક્તિ મરણ સૂતકના નામે પૂજા બંધ કરવામાં જરાય માનતા નથી. માટે તેવી કોઈને સૂચના આપી જતા નથી. ઉપરથી એમ કહી જાય કે આયુષ્ય પૂરું થશે એટલે મારું મૃત્યુ થવાનું જ છે જયારે પણ મારું મરણ થાય ત્યારે કોઈએ જિનપૂજાનો ત્યાગ કરવો નહિ. આમ છતાં પાછળવાળા પોતાના હઠાગ્રહના કારણે જિનપૂજા છોડી દે તો તેનું પાપ એ મરનાર વ્યક્તિને લાગે કે નહિ? આચાર્યશ્રી : શ્રેયસ, તું જે રીતે પૂછે તેવું જ જો બને તો તે વ્યકિત જિનપૂજા છોડવાની ના જ કહે છે, જિનપૂજા ચાલુ રાખવાની ભાવના રાખે છે માટે તેમને નિમિત્ત બનાવીને પાછળવાળા પૂજા છોડી દે તો તેનું પાપ એ વ્યકિતને જરાય ન લાગે. પાછળવાળાને પોતાના ખોટા હઠાગ્રહને કારણે જરૂર જિનપૂજા છોડી દેવાનું પાપ લાગે. - શ્રેયસ : સાહેબ, હવે મુદ્દાની વાત. આટલી પ્રશ્નોત્તરીથી મને સમજાયું છે કે મરણસૂતકના નામે જિનપૂજા છોડી દેવાની નથી. પણ હવે પ્રશ્ન નવો ઉભો થાય છે. સ્મશાનેથી આવ્યા બાદ સ્નાન કરીને પૂજા કરવા જઈએ તો દેરાસરમાં આવેલા અમને પૂજા કરવાની ના પાડે ત્યારે શું કરવું? ક્યારેક ટ્રસ્ટીઓ પોતાની મનમાની ચલાવીને અટકાવે તો ? - આચાર્યશ્રી સામી વ્યક્તિ સરળ હોય તો સમજાવવી, હઠાગ્રહી જણાય તો ચર્ચામાં ઉતરવાથી કોઈ લાભ ન થાય. આપણે આપણી પૂજાનો રસ્તો કરી લેવો. બોલબોલ કરનારા કદી અટકવાના નથી. આ લોકોને તમે જેમ બોલો તેમ વધુ જોમ ચઢશે. માટે એવું લાગે તો તેવી હઠાગ્રહી જગ્યા છોડીને બીજે દેરાસરે પૂજા કરી દેવી. શ્રેયસ, જો તું ઘરદેરાસર બનાવીશ તો આવો પ્રશ્ન જ ઉપસ્થિત નહિ થાય. વિધિ મુજબ જ્યારે પણ તારે જિનપૂજા આદિ કરવું હોય તે આરામથી કરી શકીશ.