________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 130 આચાર્યશ્રી : આમાં સામાચારી એવી છે કે ભિક્ષાચરો જેટલા દિવસ પછી સૂતકવાળા ઘરે ભિક્ષા લેવા માટે જાય તેટલા દિવસે સાધુએ ગોચરી જવું દેશ-દેશમાં આ માટે અલગ અલગ રીવાજ હોઈ શકે છે માટે તે તે ગામ-નગરમાં જેટલા દિવસ ચાલતા હોય તેટલા દિવસનું ધ્યાન રાખવું. ખાસ કરીને આ નિયમ અજૈન ભદ્રિક પરિણામી દાતાને પોતાના શાસ્ત્ર મુજબ સૂતકમાં દાન આપવાનો નિષેધ હોવાથી તેઓને વિપરીત અસર ન થાય તે માટે છે. જેઓ જૈન છે. ઘરમાં બધી સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળે છે અને કોઈને અધર્મ પમાડતો નથી તેમને સુપાત્ર દાન કરવામાં કોઈ દોષ નથી, લાભ જ છે અને આવી જગ્યાએથી ગોચરી વહોરનાર સાધુને પણ કોઈ દોષ લાગતો નથી. શ્રાવકથી સૂતકના સમયમાં બધી મર્યાદાઓ સાચવીને પણ ગુરુભગવંતને ગોચરી ન વહોરાવાય - એવું કોઈ શાસ્ત્રમાં જણાવ્યું નથી. સાધુ માટેની મર્યાદા ગીતાર્થ સાધુ ગોચરી વહોરવા નીકળે તેણે ગીતાર્થતા કામે લગાડીને ધ્યાનમાં રાખવાની છે. શ્રાવકે એમાં દોઢ - અઢી કે સાડા ત્રણ ગણું ડહાપણ કરવાનું હોય જ નહિ. - શ્રેયસ : નગરમાં નવા આવેલા સાધુએ નગરના “સૂતકથી નિરુદ્ધ ઘરો’ જાણવા આનો અર્થ શું થાય? આચાર્યશ્રી : જે ઘરોમાં તેમના શાસ્ત્ર મુજબ સૂતકસમયે દાન આપવાનો નિષેધ છે તેવા ઘરમાં નવા આવેલ અજાણ્યા સાધુ ગોચરીએ જાય તો એ ઘરના માલિકને એવું થાય કે ભિક્ષાચરોને પણ ખબર છે કે આ સમયે અમારે ત્યાં દાન અપાતું નથી આ જૈન સાધુ આટલું પણ સમજતા નથી? એમનો ધર્મ કેવો? આવી ધર્મ માટેની અપ્રીતિ ન જન્મ માટે તેવાં ઘરોને સાધુએ પહેલેથી જાણીને વર્જવાના છે, આમાં કોઈ શ્રાવકને ઉદ્દેશીને વાત નથી કરી. શ્રાવકના ઘર ક્યારેય ગુરુભગવંતને ગોચરી વહોરાવવા માટે નિરુદ્ધ હોતા જ નથી. એ તો સદાને માટે “અભંગ દ્વાર” હોય છે. પરંતુ એમાંથી જ શય્યાતર વગેરેના ઘરો હોય તો તેને તો વહોરાવવાની ભાવના હોય જ, એ ના ન પાડે કે મારું ઘર શય્યાતરનું છે હું તમને નહિ વહોરાવું. શય્યાતરનું ઘર સાધુએ નક્કી કરવાનું છે અને સાધુએ જ એની મર્યાદા પાળવાની છે. શ્રાવકે આ વાતમાં કશું જ અતિમાત્રાએ ડહાપણ કરવાનું નથી.