________________
દૈનિક ક્ષમાપનાથી કષાયોની મંદતા થાય છે. પાક્ષિક ક્ષમાપનાથી સંજ્વલના ક્રોધ, માન, માયા, લોભ રૂપકષાયોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે. ચાતુર્માસિક ક્ષમાપનાથી પ્રત્યાખ્યાન કષાયો અત્યંત ઉપશમ પામે છે અને સાંવત્સરિક ક્ષમાપનાથી અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયોનું જોરટળે છે અને અનંતાનુબંધી-કષાયોનો ઉદય થતો નથી.
આ રીતે આખા વર્ષ દરમિયાન પરભાવ-દશાના પંથે દૂરસુદૂર પહોંચી ગયેલા આત્માને સ્વભાવદશામાં લાવવાની આ ક્રિયા છે. પ્રતિક્રમણની ક્રિયાથી વ્યક્તિનો આત્મા પાપના બોજથી હળવો બને છે અને તેને પરિણામે એનું મન શાંત-પ્રશાંત બને છે તથા ચિત્ત અંતર્મુખ થાય છે. આવા પ્રતિક્રમણને અંતે આરાધકને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનો અનુભવ થાય છે.
આવી ઉત્તમ ક્રિયા ક્યારે ઉત્તમ ફળ આપે ? એની યોગ્ય જાણકારીને પરિણામે. એટલે કે ક્રિયાની સાથોસાથ વિધિની શુદ્ધિ અને ક્રિયાના અર્થની સમજ એ બંને ભળે, ત્યારે એનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય. એ દષ્ટિએ અહીં ચિત્રો સહિત આ બધી ક્રિયાઓ અર્થસહિત આલેખવામાં આવી છે. એ રીતે શ્રી ઇલાબેન દીપકભાઈ મહેતાનું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભાવાર્થ સાથે “સંવત્સરી પ્રતિક્રમણ : વિધિસહિત' ગ્રંથનું પ્રકાશન એ જૈન ધર્મના આરાધકોને માટે મૂલ્યવાન અને માર્ગસૂચક ગ્રંથ બની રહ્યો છે.
એમની ઉત્કૃષ્ટ ધર્મભાવના અને અથાગ પ્રયત્નને માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ.
ડો. કુમારપાળ દેસાઈ