Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 330
________________ છેલી મજલ! ૩૧૩ આજ સુધી રાજદરબારમાં આગળ આવવું એ વસ્તુને જ જેણે જીવનનું લક્ષ્ય બનાવી રાખી હતી, તેવા લિસેસ્ટરને એ બધું મોત કરતાં પણ વધારે અળખામણું થઈ પડ્યું. એટલે છેવટે રાતે તે પોતાના કમરામાં ગયો ત્યારે તેનામાં જાણે કશા પ્રાણ જ રહ્યા ન હતા કે વધુ જીવવાની ઇચ્છા પણ. પરંતુ એ કમરામાં આવતાં એમીએ કાગળ ઉપર બાંધેલી વાળની લટ તેની નજરે પડી, અને તે વસ્તુએ તિલસ્માતી તાવીજ જેવું કામ કર્યું–તેનામાં તરત નવજીવનની આશા અને આનંદ ઊભરાઈ આવ્યાં; અને તેણે તે લટને હજારો વખત ચુમ્યા કરી. તેને તરત જ થઈ આવ્યું કે, વહાલભરી ઍમીની સાથે તે ભવિષ્યનું જીવન એવા સુખમાં, સંતોષમાં અને ગૌરવમાં ગુજારી શકશે, કે રાણીનાં બધાં વેર-શસ્ત્રો હેઠાં પડશે, અને પોતે ખરેખર સુખી માણસ બની શકશે. એટલે બીજે દિવસે તેણે એવી ગૌરવભરી સ્વસ્થતા દાખવવા માંડી, તથા બધાં મહેમાનો પ્રત્યે એવા મુક્ત મનથી વર્તવા માંડયું કે, સૌને – રાણીને સુધ્ધાં – તેના પ્રત્યે છેક જ અવજ્ઞાભાવ દાખવવો અશક્ય થઈ ગયો. અને રાણીને તે બાબતમાં પોતાનું અનુકરણ કરનારાને કહેવું પડ્યું કે, આપણે કેનિકવર્થમાં છીએ ત્યાં સુધી આપણે ગઢના માલિક પ્રત્યે યથોચિત વિનયવિવેક દાખવવો જોઈએ. બીજા દીર્ઘદૃષ્ટિવાળા દરબારીઓ એમ પણ સમજી ગયા કે, ભવિષ્યમાં લિસેસ્ટર પાછો દરબારમાં પોતાનું યથોચિત સંમાનભર્યું સ્થાન પ્રાપ્ત કરશે જ – એટલે તેઓએ પોતાનું વર્તન એ પ્રમાણે સંભાળી લીધું. પણ આપણે હવે ટ્રેસિલિયન અને રેલેની કમ્મર-પ્લેસ તરફની દોટમાં સામેલ થઈ જઈએ. મંડળીમાં કુલ છ માણસ હતાં; વેલૅન્ડ ઉપરાંત તેમણે શાહી રસાલાને એક અક્સર તથા બે પહેલવાન જેવા સેવક લીધા હતા. બધા જ પૂરેપૂરા શસ્ત્રસજજ હતા; અને ઘોડા તેમને લઈ જઈ શકે તેટલા ઝડપભેર તેઓ આગળ વધી રહ્યા હતા. તેઓએ રસ્તે જતાં વાને અને એની મંડળી વિશેના સમાચારો મેળવવા પ્રયત્ન કર્યો, પણ તેઓ રાત દરમ્યાન જ આગળ નીકળી ગયેલા હોઈ, તેમને તેમનો કશો સગડ ન મળ્યો.

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346