________________
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી
શ્રી. રવિશંકર મહારાજ પંડિત સુખલાલજીને મળવા માટે એક વખત હું બનારસ યુનિવર્સિટીમાં શ્રી. ગંગાબેન ઝવેરી સાથે ગયે હતો. તેઓ એ વખતે એમના મુકામ ઉપર નહોતા. અમે થોડી વાર બેઠા, એટલામાં પંડિતજી આવ્યા. મેં એમના ખુશખબર પૂળ્યા. ત્યાં તે એમણે મને નામ દઈને બોલાવ્યો. મને થયું કે બહુ વર્ષો પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં અમે થોડી ક્ષણ માટે મળ્યા હતા. એટલા ટૂંકા પરિચય ઉપરથી એમણે મારા અવાજને પકડી પાડ્યો હશે, ત્યારે જ એ મને ઓળખી શકે ને? આ કેટલી સ્મરણશક્તિ !
પંડિતજીને જોઈને પુનર્જન્મને ભવ્ય વિચારનું સ્મરણ થઈ આવે છે. ગીતામાં પૂર્વ જન્મ વેગ સાધનારને વેગ અધૂરો રહ્યો હોય તે ન જન્મ લઈને એ પૂર્ણ કરે છે, એમ કહેલું છે. એવું જ કંઈક પંડિતજીને જોઈને લાગે છે. એમની આજની સિદ્ધિઓ એમના પૂર્વજન્મનું ફળ કેમ ન હોય ?, સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુ સ્વામી વિરજાનંદજીનું જીવનચરિત્ર મેં વાંચેલું. એ પણ બાળપણથી અંધ છતાં પ્રજ્ઞાચક્ષુ ને મહાન વૈયાકરણી હતા. પંડિતજીને જોઉં છું ત્યારે સ્વામી વિરજાનંદજીનું ચિત્ર મારી આંખો આગળ ખડું થાય છે.
બાળપણમાં જ એમની બન્ને આંખે ચાલી ગઈ છે; પણ ભારે પુરુષાર્થ કરીને તેઓ પ્રજ્ઞાચક્ષુ બન્યા છે. ધર્મ અને તત્વજ્ઞાનને એમનો ઊંડો અભ્યાસ, બીજાની આંખે કરેલું બહોળું વાચન તથા અવકન, તેમ જ કોઈ પણ અભ્યાસના વિષય કે પ્રસંગેના આકલનમાંથી તત્ત્વ પારખી કાઢવાની એમની સૂક્ષ્મ મેધા જોઈને આપણને સૌને આશ્ચર્ય થાય છે.
કુમારી હેલન કેલર વિષે આપણે ઘણું સાંભળીએ છીએ, પણ તેઓ તે આપણાથી બહુ દૂર પડ્યાં. પંડિત સુખલાલજી તો આપણી વચ્ચે જ છે; આપણા જેવા જ દેખાતા છતાં આવી મહાન શકિત ધરાવતા પ્રજ્ઞાપુરુષ છે. તેઓ કેવળ આપણુ ગૃજરાતનું જ નહિ, પણ ભારતનું એક અમૂલું રત્ન છે. એમના જીવનની પ્રક્રિયા જોઈને હું હંમેશાં મુગ્ધ થાઉં છું અને જ્યારે જ્યારે એમને મળવાનું થાય છે, ત્યારે એમને મોઢે થોડી વાત સાંભળીને ખૂબ સંતોષ અને આનંદ અનુભવું છું.
છોતેર વર્ષ સુધી એમણે એમની શક્તિઓ મારફત સમાજની અને સાહિત્યની અનેરી સેવાઓ બજાવી છે. એની કદર થઈ રહી છે એ જોઈ મારું અંતર હસી ઊઠે છે. એવા મહાન વિદ્વાન પુરુષ વિષે મારા જે અભણ માણસ વિશેષ શું લખે? નમ્રભાવે આ પ્રસંગે હું એમને નમસ્કાર કરું છું. ઉમરવા, તા. ૧-૩-૫૭