________________
૨૮૨
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
કરી, પછીના પદ્યમાં મૂળે ભરતેશ્વરે બંધાવેલ યુગાદિદેવના પ્રાસાદ અને તેના સગર ચક્રવર્તી અને પાંડવો આદિ રાજન્યોએ કરાવેલ ઉદ્ધારોની સંક્ષેપરૂપે, અગાઉના કાળે પ્રચારમાં આવી ચૂકેલી શત્રુંજય સંબદ્ધ જૈન પૌરાણિક તીર્થકથાઓનો નિર્દેશ કરી, વિમલાચલેન્દ્રતિલક દેવાધિદેવ આદીશ્વર પ્રભુને ફરીને વંદના દેતા ઉગારો કાઢ્યા છે. તે પછી, આગળ આવતાં ત્રણ પદ્યોમાં, મુક્તિગિરિ તીર્થરાજ વિમલાચલનો યથોચિત શબ્દોમાં મહિમા ગાયો છે. આ પછીના કાવ્યમાં શત્રુંજય-તીર્થરક્ષક, સંકટહરણ યક્ષરાજ કપર્દીને સ્મર્યા છે; અને સાતમા પદ્યથી પર્વત પર સ્થિત અન્ય ચૈત્યો સંબંધી વાત કહેવી શરૂ કરી છે. તેમાં પ્રથમ જિનમાતા મરુદેવી, શાંતિજિન, ઋષભ, અને શ્રેયાંસજિનનાં ચૈત્યોનો ઉલ્લેખ કરી, તે પછી તુરત જ નેમિ અને વીરજિન(નાં ચૈત્યો)નો ઉલ્લેખ કર્યો છે. જો કે સ્તોત્રકારે આ ચૈત્યોનાં સ્થાનનો નિર્દેશ કર્યો નથી; પણ ૧૪મા-૧૫માં શતકમાં રચાયેલ શત્રુંજયતીર્થ સંબંધી સાહિત્યમાં કહ્યા મુજબ આ બધાં જિનાલયો શત્રુંજયના ઉત્તરશૃંગ પર અવસ્થિત હતાં. આ પછી સ્વર્ગાધિરોહણપ્રાસાદમાં રહેલ ઋષભજિનને નમસ્કાર કર્યા છે. આ સ્વર્ગારોહણપ્રાસાદ અનુપમા-સરોવરને કાંઠે, મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલ સ્વર્ગાગમન બાદ, ત્યાં દાહભૂમિ પર મંત્રીબંધુ તેજપાળ તેમ જ વસ્તુપાળ-પુત્ર જૈત્રસિહ મંત્રીશ્વરના સ્મરણમાં બંધાવેલો હોવાનું અન્ય ઘણાં સાહિત્યિક પ્રમાણોથી સિદ્ધ છે.) સ્તોત્રકાર વચ્ચે આવતા અનુપમા સરોવરનો ઉલ્લેખ કર્યા સિવાય હવે દક્ષિણ શૃંગનાં ચૈત્યોની વાત કહેવી શરૂ કરે છે. ત્યાં (વ્યાધીપ્રતોલી = વાઘણપોળ, જે મંત્રીશ્વર વસ્તુપાળે ઈસ. ૧૨૩૦ના અરસામાં બંધાવેલી તેમાં) પ્રવેશતાં, દષ્ટિગોચર થતાં (સ્તંભનાધીશ)પાર્શ્વ, ઈન્દ્રમંડપ, જિનસુવ્રત, રૈવતપિતિ, નેમિનાથ), અને સત્યપુરેશ્વર વીરનાં મંદિરોનો ઉલ્લેખ કરે છે, અને તે બધાં વસ્તુપાળે કરાવેલાં તેવો સ્પષ્ટ નિર્દેશ પણ ત્યાં આવે છે. આ પછી (આદીશ્વર ભગવાનની ટૂકમાં આવેલા) સીમંધરાદિ વિદેહક્ષેત્ર-સ્થિત વર્તમાન જિનો (વીસ વિહરમાન), નંદીશ્વરપ્રાસાદ, પાંડવો(ની પ્રતિમાઓનો પટ્ટો), કોટાકોટિજિનાલય, ચરણપાદુકા, અને લેપમયી ત્રેવીસ (જિન) પ્રતિમાઓનો ઉલ્લેખ કરે છે. સ્તોત્રકારે અહીં ચૈત્યનો ક્રમ ક્યાંક ક્યાંક ઉર્જામ્યો છે : જેમકે ભૃગુપુરાવતાર જિન મુનિસુવ્રત અને સત્યપુરાવતાર વીરનાં મંદિર આદીશ્વર-ભગવાનની ટૂકમાં હતાં, જ્યારે નંદીશ્વરપ્રાસાદ વાઘણપોળની સામે ઈન્દ્રમંડપની પાસે કયાંક હતો. એમ જણાય છે કે છંદના મેળ અને લય સાચવવા સ્તવનકારે ક્રમવારીનો થોડોક ભોગ આપ્યો છે. સ્તોત્રકાર ઉલિખિત આ વાસ્તુશિલ્પ-પ્રતિમાદિ રચનાઓમાં વસ્તુપાલના સમકાલિક લેખકો કોટાકોટિ ચૈત્ય, સીમંધરાદિ વીસ વિહરમાન જિન, ચરણપાદુકા, તેમ જ ૨૩ લેખમયી પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા નથી. આથી સંભવ છે કે આ બધી વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ કૃતિઓ વસ્તુપાળના સમય પશ્ચાતું અને આ સ્તોત્રની રચના વચ્ચેના ગાળામાં બની હોય. (કોટાકોટિચૈત્ય તો માલવમંત્રીરાજ પેથડે બનાવ્યાનું અને એથી ઈ. સ. ૧૨૬૪ના અરસામાં કરાવ્યાનું સુનિશ્ચિત છે જ.) આ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org