________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૫૭
નથી. કારણ કે તે ગ્રંથોમાં “આ લોકમાં-ચાલુ ભવમાં કેવું જીવન જીવવું તેની જ માત્ર શિખામણ રૂપ અર્થાત્ લોકનીતિ-રાજનીતિ-યુદ્ધનીતિ વગેરે વિષયોવાળી માત્ર આ ભવની શિક્ષાસ્વરૂપ વિષયોનું વર્ણન છે.” પરમાર્થતત્ત્વ કેમ સિદ્ધ કરવું ? આત્માને કર્મબંધનમાંથી કેમ મુકાવવો ? આત્મતત્ત્વની નિર્મળતા-શુદ્ધતા કેમ પ્રાપ્ત કરવી ? આવા પ્રકારની આત્મતત્ત્વવિષયક બાબતો તેવા ગ્રન્થોમાં હોતી નથી. માટે તેવા ગ્રન્થોને ગ્રન્થ કહેવાય, પણ શાસ્ત્ર કે શાસન કહેવાય નહી.
જિનેશ્વર પરમાત્મા પ્રણીત જૈન આગમ એ આત્મતત્ત્વના વિષયને સમજાવનાર હોવાથી શાસ્ત્ર કહેવાય છે. પરંતુ તે શાસ્ત્ર જો સમ્યગ્દષ્ટિ જીવ વડે પ્રાપ્ત કરાયું હોય અને તેની પ્રરૂપણા કરનાર શુદ્ધવક્તા હોય તો જ તેને શાસ્ત્ર કહેવાય છે, પરંતુ મિથ્યાર્દષ્ટિ આત્માઓ વડે જો જૈન આગમ પ્રાપ્ત કરાયું હોય તો તે પાત્ર અયથાર્થ હોવાથી તે કાલે જૈન આગમને પણ શાસ્ત્ર કે શાસન કહેવાતું નથી. જેમ દૂધ એ શુદ્ઘ દ્રવ્ય હોવા છતાં પણ જો સર્પને પાવામાં આવે તો તે શુદ્ધ દ્રવ્ય પણ વિષ બની જાય છે. તેમ જૈનાગમ પણ જો મિથ્યાર્દષ્ટિ પાત્રમાં જાય તો તે મિથ્યાશ્રુત બની જાય છે. કારણ કે તે જીવની યથાર્થદૃષ્ટિ ન હોવાથી તે શ્રુત સંસારની વૃદ્ધિનું જ કારણ બને છે, પણ મુક્તિનું કારણ બનતું નથી. આ બાબત નંદીસૂત્રમાં આ પ્રમાણે કહી છે.
“દ્વાદશાંગ ગણિપિટક શાસ્ત્ર સમ્યગ્દષ્ટિ જીવ વડે જો સ્વીકારાયું હોય તો જ સમ્યક્શ્રુત છે પણ જો મિથ્યાર્દષ્ટિ જીવ વડે સ્વીકારાયું હોય તો તે મિથ્યાશ્રુત છે. નંદીસૂત્ર ૭૧-૭૨ ॥ પૂજ્યશ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૧૫ માં કહ્યું છે કે
“સત્ અને અસત્ની વિશેષતા ન હોવાથી, ભવહેતુ હોવાથી, યદચ્છોપલંભ હોવાથી (પોતાની ઈચ્છા પ્રમાણે શાસ્ત્રોના અર્થો તે જીવ કરતો હોવાથી) અને જ્ઞાનફળનો અભાવ હોવાથી મિથ્યાર્દષ્ટિ જીવનું જે જ્ઞાન તે અજ્ઞાન છે.”
(૧) સર્વે પણ પદાર્થો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવથી સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી અસત્ છે. તેને બદલે મિથ્યાદૅષ્ટિ જીવો સર્વથા સત્ અથવા સર્વથા અસત્ માને છે. માટે તેનું જ્ઞાન અજ્ઞાન છે.
(૨) જેમ જેમ ભણે છે તેમ તેમ માન-માયાદિ કષાયો જ વધે છે. અહંકારાદિ કષાયો કરવા વડે તેનું જ્ઞાન સંસારવૃદ્ધિનું જ કારણ બને છે. માટે પણ તેનું જ્ઞાન અજ્ઞાન છે.