________________
૨૮૮
જ્ઞાનપદ ભજીએ રે
વેષ ધારણ કરી, મૌન અંગીકાર કરી, દુષ્કર તપસ્યા કરવામાં ઉદ્યમવંત થઈ, સંયમના ઉપયોગમાં સારી રીતે યુક્ત રહી, ગુપ્ત વૃત્તિથી પાંડવોની જેમ બાર વર્ષ સુધી હું વિહાર કરતો ફરીશ.” એમ કહીને તે સૂરિજી સંઘની આજ્ઞાથી ગચ્છવાસનો ત્યાગ કરી માણસોના જાણવામાં ન આવે તેમ વિધિ પ્રમાણે ગામ નગરાદિકમાં વિહાર કરતાં સાત વર્ષ પૂર્ણ થયે ઉજ્જયિની નગરીમાં મહાકાળ- ' નામના શિવના ચૈત્યમાં આવ્યા. ત્યાં શિવલિંગ તરફ પોતાના પગ રાખીને સૂતા. તે જોઈને લોકો તેમને કોણ છો? વિગેરે પૂછવા લાગ્યા, પરંતુ તેમણે કાંઈ પણ જવાબ આપ્યો નહીં. ત્યારે તેઓએ રાજાને જણાવ્યું કે- “હે દેવ ! આપના મહાદેવના ચૈત્યમાં કોઈ પરદેશી આવીને રહ્યો છે, અને મહાદેવની આશાતના કરે છે. તે બોલાવ્યા છતાં બોલતો નથી, તથા મહાદેવને પ્રણામ પણ કરતો નથી.” તે સાંભળીને વિક્રમ રાજાએ કૌતુકથી ત્યાં આવી તેમને કહ્યું કે- “હે અવધૂત ! તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો કે -
હું ધાર્મિક છું.” રાજાએ કહ્યું કે“ત્યારે કેમ અર્થથી તથા નામથી મહાદેવને પ્રણામ કરતા નથી?” તે સાંભળીને જિનમતની ઉન્નતિ કરવામાં અત્યંત ઉત્સુક થયેલા સૂરિજી કાંઈક વિચાર કરીને બોલ્યા કે- “હે રાજા! જ્વરથી પીડાયેલો માણસ જેમ મોદકનો સ્વાદ લઈ શકે નહીં તેમ આ તમારા દેવ અમારી વંદના કે સ્તુતિને સર્વથા સહન કરી શકે તેમ નથી.” રાજાએ કહ્યું કે- “કેમ આવું સંબંધ વિનાનું બોલો છો?” તેણે કહ્યું કે- “મારી સ્તુતિ કરવાથી કદાચ આ પ્રતિમાને કાંઈ પણ ઉપદ્રવ થાય, અને તેથી તમારી અપ્રસન્નતા થાય એવી મારા મનમાં શંકા રહે છે.” રાજાએ કહ્યું- “કાંઈ શંકા રાખો નહીં. ખુશીથી નમસ્કાર અને સ્તુતિ કરો.” તે સાંભળીને સૂરિએ શ્રી વર્ધમાન સ્વામીના ગુણોથી ગર્ભિત, સારી રચનાવાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org