________________
૩૩
ઇતિહાસમાં કાળનિર્ણય એ મહત્ત્વની વાત છે. ભાષામાં પણ ભાષાઓની અવસ્થાઓના કાળનિર્ણય માટેની જે ‘કાળનિર્ણયપદ્ધતિ’ કહેવાય છે તે વડે કાળનિર્ણયો થતા હોય છે. પણ ભાષામાં કઠણ વાત છે તે મૂળભૂત શબ્દોની નિયતિની, કોઈ પણ ભાષાના મૂળભૂત શબ્દો કેટલા તે કહેવું અત્યંત કઠણ છે.
ઇતિહાસ અંગેની આટલી વિગતો ચર્ચ્યા પછી લેખકે ઇતિહાસલેખક વિષેનું પોતાનું ચિત્ર રજૂ કર્યું છે અને સંશોધનવિષયક વિચારો પણ જણાવ્યા છે.
ભાષા અને પેટાભાષા
પ્રકરણ બીજું ‘ભાષા આણિ પેટભાષા’ નામક છે. ભાષના ઇતિહાસને તપાસ્યા પછી લેખક અહીં ભાષાની વિવિધતાને નિદર્શે છે. સમાજમાં જુદા જુદા વર્ગો અનેક કારણો વડે વેગળાપણુ જાળવી રાખે છે તેમાં સામાન્ય ભાષાનો વિશિષ્ટ ઉપયોગ એ પણ એક કારણ છે. આપણે સુતાર, લુહાર, મોચી, ચમાર આદિના સંપર્કમાં જરૂર પૂરતાં જ છીએ. આમ હોવાથી તેઓ પોતાનાં જીવનમાં ભાષાનો જે ઉપયોગ કરે છે તેનાથી આપણે બહુ જાણીતાં હોતા નથી. ભાષાના ઉપયોગની આ મર્યાદા જાણીએ તો તેના અભ્યાસના એક નવા વલણની આપણને જાણ થાય. આનું ક્ષેત્ર પેટભાષા કે ગુજરાતી શબ્દ વાપરીને કહીએ તો પેટાભાષા ગણાય.
જાત અને પેટાજાત જેવા અર્થમાં જ ભાષા અને પેટાભાષા શબ્દો વપરાયા છે. આથી અમુક સ્થળની કે અમુક વર્ગની બોલી તે પેટાભાષા છે એમ કહેવાથી તેનો યથાર્થ સમજાશે નહીં. આ સમજાવવા માટે તો અમુક બોલી અમુક ભાષાની પેટાભાષા છે તેમ કહેવું જોઈશે કેમ કે ‘પેાટભાષા હી સંબંધદર્શક આહે’ (પૃ. ૬૦). આ અંગે સ્પષ્ટતા કરતાં લેખક આગળ જણાવે છે તેમ મરાઠી એક ભાષા છે તે વિધાન પૂરતું છે પરંતુ ખાનદેશી એક પેટાભાષા છે તે પૂરતું નથી. એટલે ખાનદેશી મરાઠીની પેટાભાષા છે તેમ કહ્યા સિવાય તે વાકયથી અર્થ સરશે નહીં. પેટાભાષા શબ્દ આપણે બે અર્થમાં વાપરતા હોઈએ છીએ. એક તો બોલવામાં વપરાય છે અને લખવામાં જેનો ઉપયોગ નથી તેવું ભાષાસ્વરૂપ, અને બીજું શિષ્ટમાન્ય ભાષા કરતાં જુદું પડતું ભાષાસ્વરૂપ. પહેલો મુદ્દો તો સ્પષ્ટ છે પરંતુ બીજા મુદ્દામાં કહેલા જુદાપણાની તપાસ કરવી જોઈએ. બંને વચ્ચે ઉચ્ચારણ, વ્યાકરણ અને શબ્દભંડોળ એ ત્રણેનો તફાવત શોધવો જોઈએ. આ પ્રકારનો તફાવત દર્શાવ્યા પછી પણ અમુક ભાષાની અમુક પેટાભાષા છે તેમ એકદમ નહીં કહી શકાય. જે તે પેટાભાષા બોલનારો સમાજ કઈ ભાષાના ભાષકોના સાંસ્કૃતિક જીવન સાથે એકતા અનુભવે છે તે મુદ્દો પણ વિચારવો પડશે.
એક જ ભાષા બોલનાર સમસ્ત ભાષકો કદી એકસાથે એકત્ર થઈ શકે નહીં. આનું સ્વાભાવિક પરિણામ એ આવે કે તેનું વિનિમયસાધન પણ વાવ્યવહારની ઘનતાના પ્રમાણ મુજબ ફેરફારવાળું રહેવાનું. આ ફેરફાર એટલો મોટો પણ સંભવે કે એક જ ભાષાના બે ભાષકો એકમેકને પૂરેપૂરાં ન પણ સમજે! ડૉ. કાલેલકરે નોંધેલો પી. જી. વુડહાઉસનો પ્રસંગ — જેમાં એક છોકરીનું અંગ્રેજી સમજવા લોર્ડ એક્ઝવર્થને પોતાના બટલરની મદદ લેવી પડી હતી તે વર્ણવાયું છે તે – આનું ઉદાહરણ છે. અર્થાત્ ભૌગોલિક અને સામાજિક અંતર વાગ્વિનિમયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભો. ૫