________________
ભાષા અને વિજ્ઞાનના સમન્વિત ગુજરાતી ગ્રંથ*
ડૉ. પંડિતનું આ પુસ્તક ૧૯૬૬માં ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યું તે પહેલાં આ વિષયના અભ્યાસીઓએ તો આમાંનો ઘણોખરો ભાગ વિભિન્ન સામયિકોમાં લેખો રૂપે જોયેલો જ છે. ડૉ. પંડિત ગુજરાત યુનિવર્સિટીમાં આઠેક વર્ષ જેટલું રહ્યા અને તે ગાળામાં મુખ્યત્વે ગુજ રાતીમાં અધ્યાપનકાર્ય કર્યું તેના કારણે ગુજરાતી ભાષા અંગે વિચાર કરવાનું બન્યું અને આના પરિપાક રૂપે વખત જતાં આ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રગટયું.
૧૯૬૭માં રાષ્ટ્રપતિ પારિતોષિક મેળવનારાં પુસ્તકોમાંનાં બે પુસ્તકો ભાષાવિજ્ઞાનનાં છે તે ઘટના આ વિષયમાં દેશી ભાષાઓમાં પણ વિત્તવાળું કાર્ય થઈ રહ્યું છે તેની ઘોતક ગણાવી શકાય. આમાંનું એક પુસ્તક તે મરાઠીમાં લખાયેલું ડૉ. કાલેલકરનું ‘ભાષા : ઇતિહાસ આણિ ભૂગોળ' અને બીજું તે ડૉ. પંડિતનું ગુજરાતીમાં લખાયેલું પ્રસ્તુત પુસ્તક. આમાંના પ્રથમને આ જ સામયિકના મે, ૧૯૬૭ના અંકમાં આ લેખકે અવલોકયું હતું અને બીજું પ્રકાશન પછીના ઠીક ઠીક લાંબા ગાળા પછી અહીં અવલોકાય છે.
‘ભાષાના સંકેતો’ નામના પ્રારંભના પ્રકરણમાં ભાષાના ‘સત્ત્વ’નો સ્ફોટ કરવામાં આવ્યો છે. ભાષાને ભાષા તરીકે જોવાથી જ તેનું સ્વરૂપ સમજી શકાય. કોઈ પણ ઘટનાના સ્વરૂપને સમજવા માટે જેટલા અંશે અન્ય ઘટનાઓનાં મૂલ્યો લાગુ કરવામાં આવે તેટલા અંશે તે ઘટનાની સમજમાં ઊણપ રહેવાની છે. આ વાત અન્ય વિજ્ઞાનના અભ્યાસીઓની જેમ ભાષાવિજ્ઞાની વિષે પણ તેટલી જ સાચી છે. બાળકના ભાષાશિક્ષણની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરતાં એમ જણાય છે કે બાળક સમાજમાંથી ભાષા શીખે છે. અર્થાત્ ભાષા એ એક પ્રકારનો સંસ્કાર છે. તે કોઈ આનુવંશિક ઘટના નથી. ભાષાને સંસ્કાર માનીને ચાલીએ તો સમાજે સમાજે તેમાં ભેદ હોવાનો જ. સ્વભાષા કરતાં પરભાષામાં જુદાપણું હોવાનું જ. આ જુદાપણાને જે તે ભાષાની વિચિત્રતામાં
ન ખપાવીએ. ભાષાના અભ્યાસીને મન કોઈ ભાષા વિચિત્ર નથી. અભ્યાસી તો તેનાં ઘટક તત્ત્વોને પામવા પ્રયત્ન કરે છે. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિસૃષ્ટિમાંથી ભાષાવિજ્ઞાની તો જે મર્યાદિત ઘટકો છે તેને પકડવાનો પ્રયાસ કરે છે. આમાં તે લિપિ વડે દોરવાઈ જતો નથી. લિપિ તો ભાષાને સંઘરવા માટેનું અપૂર્ણ એવું એક સાધન માત્ર છે તે વાત સતત યાદ રાખવી રહે છે. ઉદાહરણ તરીકે ભાષામાં જે અવિભાજ્ય તત્ત્વો (supra segmental features) હોય છે તેના માટે ઘણી બધી ભાષાઓમાં કોઈ લિપિસંજ્ઞા નથી હોતી. આમ લિપિ અને ભાષાને જુદી રાખવી ઘટે છે. આ પ્રકરણમાં ડૉ. પંડિતે ભાષાને લગતી આ બધી હકીકતોને ઉદાહરણો સમેત સ્પષ્ટ કરી આપી છે.
જે ભાષાસંકેતોની વાત કરવામાં આવી છે તે સંકેતો ધ્વનિના બનેલા છે. આમ હોવાથી સ્વાભાવિક રીતે જ તે તપાસવા માટે ઉચ્ચારણની તપાસ જરૂરી બનશે. બીજું પ્રકરણ ‘ઉચ્ચારણ—
* ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન લે. ડા. પ્રખાધ છે. પૉંડિત. (ગુજરાત યુનિવસટી, અમદાવાદ, ૧૯૬૬, પા. ૩૦૮, રૂા. ૧૦).