Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 40
________________ ૩૯ પ્રક્રિયા’ શીર્ષક તળે આ વિચારણા કરે છે. ભાષામાં ‘વાચિકધ્વનિ’ની વ્યવસ્થા હોય છે, ગમે તે ધ્વનિ ભાષાનો ધ્વનિ બની શકતો નથી. આમ હોવાથી વાચિકધ્વનિનું ઉત્પાદન કઈ રીતે થાય છે તેની સમજણ પણ આવશ્યક બનશે. આથી ઉચ્ચારણમાં કામ આવતા અવયવો અને તેમનું કાર્ય અહીં વિગતે, આકૃતિઓ આપીને, સમજાવાયું છે. વાણી માટેનો કોઈ ખાસ અવયવ નથી. જુદા જુદા અવયવો મળીને વાણી ઉત્પન્ન કરતા હોય છે. આ જે વાણી ઉત્પન્ન થાય તે વિભાજ્ય છે. પ્રત્યેક ભાષામાં તેનાં મર્યાદિત ઘટકો જ હોય છે. પ્રત્યેક ભાષામાં ઘટકોની સંખ્યા, પ્રકાર, વ્યવસ્થા વગેરે આગવાં હોય છે. ભાષાવિજ્ઞાની આ વ્યવસ્થાને બહાર આણતો હોય છે. કોઈ પણ ઉચ્ચારણને વર્ણવવામાં ઉચ્ચારણગત વર્ગીકરણ ઉચ્ચારણનાં સ્થાન અને પ્રયત્નને વર્ણવતું હોય છે. ઉચ્ચારણનું વર્ગીકરણ માત્ર વર્ણનમૂલક અને શ્રાવણમૂલક પણ હોઈ શકે, પરંતુ ભાષાવિજ્ઞાની એ બંને પ્રકારનાં વર્ગીકરણો છોડીને પરંપરાથી ચાલ્યા આવતા ઉચ્ચારણગત વર્ગીકરણને વળગી રહ્યો છે તેની પાછળ કારણો છે. વર્ણનમૂલક વર્ગીકરણ આપોઆપ જ શાસ્ત્રીય વિચારપ્રણાલીની બહાર રહી જાય છે. શ્રાવણમૂલક વર્ગીકરણમાં ગણિત અને ભૌતિક વિજ્ઞાનની સમજની જરૂર હોઈ ભાષાવિજ્ઞાનીએ પોતા પર આ વધારાનો બોજ વહેવો પડે છે. જ્યારે ત્રીજા પ્રકારનું વર્ણન ભાષાવિજ્ઞાની ઉચ્ચારણઅવયવોનાં ભિન્ન ભિન્ન હલનચલનનાં વર્ણનો દ્રારા આપી શકતો હોય છે. ઉપરાંત આ પ્રકારનું વર્ણન ભાષાવિજ્ઞાનીને જે પ્રકારની જરૂર છે તેમાં કંઈ ઊણપવાળું પણ નથી જણાતું. આ પ્રકરણમાં આ વર્ગીકરણની વિચારણા કરવામાં આવી છે. ફેફસાંમાંથી બહાર ફેંકાતી હવા અને બહારથી મુખ યંત્રમાં જતી હવા પર કેવા કેવા પ્રકારનાં દબાણો, અવરોધો, અટકાયતો વગેરે ભાગ ભજવતાં હોય છે તેની વિગત આકૃતિઓ, ઉદાહરણો આપીને અહીં સમજાવેલ છે. ઉચ્ચારણ-પ્રક્રિયામાં આ ઉપરાંત સૂર, આરોહઅવરોહ, કાલમાન, જંકચર ઇત્યાદિ જેવાં અવિભાજ્ય ઘટકો પણ સંમિલિત હોય છે. આ બધાંનું ભેદકપણું ભાષાએ ભાષાએ નિરાળું હોય છે. પ્રત્યેક ભાષાની યોજના, આમ, આગવી હોય છે. અહીં ગુજરાતી ભાષાને કેન્દ્રસ્થાને રાખીને, જુદી જુદી અનેક ભાષાઓમાં દૃષ્ટાંતો દ્વારા ઉચ્ચારણની પ્રક્રિયા વર્ણવાઈ છે. ઉચ્ચારણની પ્રક્રિયામાં ધ્વનિની અનંતતા છે. કોઈ પણ એક ભાષામાં ધ્વનિ અનંત પ્રકારના હોય છે. એ અનંત ધ્વનિની નોંધ ભાષકનો કાન લેતો નથી. કાન સાંભળે છે. અનેક પ્રકારના ધ્વનિઓ પરંતુ જે તે ભાષામાં જે ભેદકનિ હોય તેની જ નોંધ તે લેતો હોય છે. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં અનેક પ્રકારના [૫] ધ્વનિ બોલાતા હોવા છતાં ગુજરાતી ભાષકનો કાન તો તેમાંના ૫ ની જ નોંધ લેવાનો છે. અર્થાત્ જે તે ભાષાનો ભાષક સાંભળે છે ધ્વનિને પરંતુ તેનું ચિત્તતંત્ર નોંધ લે છે ધ્વનિના જે તે ઘટકની. ભાષકના ચિત્તમાં ઘટક જુદો પડે છે તેના ભેદકધર્માને કારણે. આ ભેદકધર્માની નિયતિ માટે જુદા જુદા માનદંડો છે. આમાંના (૧) સર્વથા ભિન્ન સંદર્ભ (૨) અંશત: ભિન્ન સંદર્ભ અને (૩) સર્વથા સમરેખ સંદર્ભ જેવા માનદંડો લગાડીને ધ્વનિઘટકની નિયતિ કરવામાં આવતી હોય છે. ઉપરાંત ભાષાનો ઢાળો (pattern) પણ ધ્વનિઘટકની નિયતિમાં ઘણીવાર તાળારૂપ બનતો હોય છે. ધ્વનિઘટકનો વિભાવ સમજાવવામાં આ બધી શાસ્ત્રીય ચર્ચાને અહીં ગુજરાતી ભાષાનાં દૃષ્ટાંતોથી આવરી લેવાઈ છે. ઘટકને તારવવાનું કામ સહેલું નથી. જ્યારે બે ઉક્તિઓ અળગી રહી શકવામાં જે ધર્મ કામિયાબ નીવડતો હોય તેની ઉપસ્થિતિ હોય ત્યારે તો આ કામ સહેલું છે પરંતુ તે ધર્મની અનુપસ્થિતિ વખતે શું ? ગુજરાતી ભાષાના ડ (ડોશીનો) અને ♦ (ઝાડમાંના)ની ચર્ચા વડે આનો ઉત્તર અપાયો છે.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52