________________
૪૧
ઘટનાની પણ અહીં નોંધ લેવાઈ છે. ધ્વનિપરિવર્તન એ સમગ્ર ભાષાસમાજની દેણ છે તે આમાંથી ફલિત થાય છે. પ્રકરણ સાતમામાં સાદૃશ્ય પરિવર્તનની ચર્ચા મળે છે. ધ્વનિપરિવર્તન કરતાં આ પરિવર્તન જુદું પડે છે તે તેની ‘વ્યક્તિમૂલકતાના કારણે. ધ્વનિપરિવર્તન સમગ્રસમાજની દેણ છે જ્યારે સાદૃશ્ય પરિવર્તન વ્યક્તિ દ્વારા થતું પરિવર્તન છે. આનાં સારૂપ્ય, વૈરૂખ, આગમ, લોપ વગેરેનાં તથા એકસાથે વપરાશમાં આવવાથી વર્ણો, શબ્દો વગેરેમાં થતાં પરિવર્તનોનાં ગુજરાતી ભાષામાંથી અનેક ઉદાહરણો લઈને સાદૃશ્ય પરિવર્તનપ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. ધ્વનિપરિવર્તન કરતાં આ પરિવર્તનમાં ભાષકનાં શ્રૃતિચિત્રના પરિવર્તનની સૂક્ષ્મતા ઓછી હોય છે. આમ હોવાથી આવાં પરિવર્તનો ધ્વનિપરિવર્તનની જેમ વ્યાપક બને નહીં. આ રીતે જોતાં ભાષાના ઇતિહાસકારને આ પરિવર્તનો કરતાં ધ્વનિપરિવર્તનનું મૂલ્ય સવિશેષ રહેવાનું.
આઠમું પ્રકરણ ‘ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન' નામનું છે. અહીં કાળમર્યાદા પ્રાકૃતથી માંડીને ગુજરાતી સુધીની સ્વીકારાઈ છે. ભાષાનો ઇતિહાસકાર કાળપટ પર ગમે તે બે છેડા નિયત કરીને ભાષાનો ઇતિહાસ તપાસી શકે છે. પ્રાકૃતકાળના પૂર્વના છેડાને અન્ય વિદ્વાનોએ સાંકળવાના પ્રયત્નો કર્યા હોવાથી લેખકે અહીં તેની પુનર્વિચારણામાં જવાનું પસંદ કર્યું નથી. સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તે અને પછીથી પ્રાકૃત, તેની અંતિમ ભૂમિકા એટલે કે અપભ્રંશ, વગેરેની સ્વરવ્યવસ્થાથી જૂની ગુજરાતીની સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિસ્તૃત, સતર્ક ચર્ચા અહીં પ્રસ્તુત થયેલી છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિ કેવો ભાગ ભજવતી હોય છે, લહિયાઓની ‘ભૂલો’ કેવી મદદરૂપ નીવડતી હોય છે, અને આવી બીજી અનેક ઘટનાઓની સંગતિ અર્થે તર્કબદ્ધ વિચારસરણીની કેવી જરૂર પડતી હોય છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. ભાષાનો ઇતિહાસકાર ભાષાના ઇતિહાસને આવાં પરિવર્તનો દ્વારા જ પામી શકે. આ પરથી સહેજે સમજી શકાશે કે કોઈ એક નિયત કાળે ભાષાના એક રૂપનો તબક્કો પૂરો થયો અને બીજો શરૂ થયો તેવાં વિધાનોનો ખાસ વિશેષ અર્થ નથી. ખરેખર તો આ પ્રકારના ભાષાના તબક્કાઓ સાહિત્યના તબક્કાઓને જ સૂચવતા હોય છે. બાકી ભાષાનું પરિવર્તન આવા ચુસ્ત ખંડકોને આધીન વર્તતું હોતું નથી.
છેલ્લાં બે પ્રકરણો બોલીની ચર્ચામાં રોકાયેલાં છે. કોઈ પણ ભાષાસમાજમાં કાળ પરત્વે પરિવર્તન થાય છે તેમ સ્થળ પરત્વેનું પણ પરિવર્તન દેખાય છે. બોલી તે સ્થળ પરત્વેનું ભાષાપરિવર્તન છે. કોઈ પણ ભાષાસમાજમાં બોલીભેદ તો રહેવાના જ. ભાષાશાસ્ત્રી આવા ભેદો અને માન્યભાષા એ બંને સ્વરૂપને એક જ રીતે જુએ છે. બોલીનાં સ્વરૂપો ભાષાશાસ્ત્રીને મન હલકાં કે અશુદ્ધ નથી. બોલીનો ઊગમ વાવ્યવહારની ઘનતામાંથી થાય છે. સમાજનો પ્રત્યેક સભ્ય એકસરખા પ્રમાણમાં કદી વાવ્યવહાર કરી શકે નહીં. આમ ન બને તેનાં ઘણાં બધાં બિનભાષાકીય કારણો છે. નદી, પર્વત, જંગલ ઇત્યાદિના કુદરતી અંતરાયો અને જ્ઞાતિ, વર્ગા વગેરે જેવા સામાજિક અંતરાયો આમાં ભાગ ભજવતા જણાય છે. ઉપરાંત પરિવર્તન એ ભાષાની સિદ્ધ ઘટના હોઈ, કોઈ પણ ભાષાસમાજમાં બોલીભેદ તો રહેવાનો જ. બોલીભેદની જુદી જુદી રેખાઓના સમુચ્ચય દ્વારા બોલીઓના વિસ્તારો નિયત કરી શકાય. અલબત્ત, અમુક વિસ્તારમાં અમુક જ નિયત જગ્યાએ એક બોલી પૂરી થઈ અને ત્યાર પછીથી બીજી બોલી શરૂ થઈ તેવું વિધાન કરી શકાય નહીં. ફલિત એમ થાય કે તાત્ત્વિક રીતે જોતાં બોલીની સીમાને નિયત કરી શકાય નહીં. આમ હોવાથી જ્યારે અમુક બોલીઓને અમુક ભાષાઓની મા, બહેન કે માસી જેવા સગાઈ-સંબંધોથી વર્ણવાય છે ત્યારે ભાષાશાસ્ત્રીને મન તેવાં ભા. ૬