________________
૪૦ ચોથું પ્રકરણ ગુજરાતીના ધ્વનિતંત્રને વર્ણવે છે. અનંત ઉચ્ચારણોમાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના ધ્વનિઘટકોને કઈ રીતે તારવે છે તેનો એક ઉત્તમ નમૂનો ગુજરાતીનું ધ્વનિતંત્ર' નામનું આ પ્રકરણ છે. ગુજરાતીનો અર્થ જેને જનસામાન્ય માન્ય ગુજરાતીથી ઓળખે છે તે સમજવાનો છે. આ ગુજરાતીનાં સ્વરો, અર્ધસ્વરો, વ્યંજનોનાં ઘટકો અને બે ઉક્તિઓને અળગી રાખવામાં કામિયાબ નીવડતાં જંકચર જેવાં અવિભાજ્ય ઘટકોની અહીં વિસ્તૃત ઝીણવટભરી અને તર્કશુદ્ધ ચર્ચા પ્રાપ્ત થાય છે. અહીં પ્રસ્તુત કરેલી આ ચર્ચા દ્વારા ભાષાના ધ્વનિતંત્રને વર્ણવવા માટેનો એક અનુકરણીય માનદંડ મળી રહે છે. આ માનદંડ બની રહ્યો છે તેની પ્રતીતિ આના પછી બહાર પહેલાં ભારતીય ભાષાઓનાં ધ્વનિતંત્રનાં વર્ણનો આ માનદંડને નજર સામે રાખીને ચાલ્યાં છે તેના પરથી મળી રહે છે. ડૉ. કાનાએ તો પોતાની વિચારણામાં આ માનદંડના ઠેરઠેર હવાલા જ નાખ્યા કર્યા છે. આ વિચારણામાંની અનુનાસિકો, /h/નો વિચાર ઇત્યાદિની ચર્ચા સાથે કોઈ પૂરેપૂરું સંમત ન થાય તેમ બને. આની સંગતિ અહીં જે રીતે થઈ છે તેના કરતાં જુદી રીતે કરે તેવું પણ બને. પરંતુ જે તાકાતથી જે તર્કબદ્ધતાથી આ માનદંડ ઊભો કરાયો છે તે ભાષાના સંશોધનકારો માટે ભારે ઉપયોગી પુરવાર થયો છે.
ગુજરાતીમાં ધ્વનિઘટકોની તારવણી ઉપરાંત આ ભાષામાં સંકુલ અક્ષરોની વ્યવસ્થા અને અક્ષરનું સ્વરૂપ વગેરેની પણ ચર્ચા થયેલી છે. વળી અક્ષરની સીમાઓ નિયત કરવા માટે ઉચ્ચારણગત અને વ્યવસ્થાગત બંને પદ્ધતિઓ અપનાવી શકાય છે તેની સ્પષ્ટતા કરીને વ્યવસ્થાગત પદ્ધતિ બલવત્તર છે તેની પણ અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે.
પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચામાં છે. પાંચમું પ્રકરણ પરિવર્તનની પ્રક્રિયા અંગેનું છે. ભાષાનાં ધ્વનિપરિવર્તન, વ્યાકરણ પરિવર્તન, અર્થપરિવર્તન અને શબ્દરાશિની વધઘટ જેવાં પરિવર્તનોમાંથી મુખ્યત્વે અહીં પહેલાં બેનો વિચાર કરવામાં આવ્યો છે. તેરમા સૈકાની આસપાસ બોલાતી ગુજરાતી અને અર્વાચીન ગુજરાતીની સરખામણી કરીને પરિવર્તન પ્રક્રિયાને સ્પષ્ટ કરવામાં આવી છે. પ્રાચીન ગુજરાતીનો તો કોઈ ભાષક આજે મળવાનો નથી. આવા સંજોગોમાં લિપિના પુરાવાઓના આધારે જે અનુમાનો થાય તે વજૂદવાળાં લેખી શકાય તેનો, તુલનાત્મક પદ્ધતિએ પુરાવો આપીને, અહીં તાળો મેળવી આપવામાં આવ્યો છે. જોકે મુખ્યત્વે ધ્વનિપરિવર્તન અને વ્યાકરણ પરિવર્તનની ચર્ચા અહીં પ્રસ્તુત કરી છે તેમ છતાં શબ્દરાશિની વધઘટ અને અર્થપરિવર્તન તરફ પણ અંગ્રેજી અને ગુજરાતીનાં અનુક્રમે હૅન્ડ-હાથ અને સ્ટેપ-પગલુંનાં જોડકાંઓ જેવાં ઘણાં દૃષ્ટાંતો દ્વારા અંગુલિનિર્દેશ કરી આપ્યો છે. આ બધાં પરિવર્તનોની તપાસ ભાષાના ઇતિહાસનિરૂપણ માટે અનિવાર્ય બની રહે છે. આ સિદ્ધાંતચર્ચાને ઉદાહત કરવામાં આવી છે, “ધ્વનિપરિવર્તન’ નામના છઠ્ઠા પ્રકરણમાં. ઉચ્ચારણની એક જ રેખા પર અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષક કેવા ભિન્ન ભિન્ન ભેદ કરતા હોય છે તેનું ઉદાહરણ આપીને પ્રત્યેક ભાષકનું ચિતંત્ર પોતાની ભાષાની વ્યવસ્થાના માળખામાં જ અન્ય ભાષાનાં ઘટકોને પણ નાખવા ટેવાયેલું હોય છે તે ઘટના બહાર આણી છે. કોઈ પણ ભાષામાં પરિવર્તન અવિરતપણે થયાં જ કરતું હોય છે. સમાજમાં કોઈ પણ બે વ્યક્તિનો જેને સમરૂપ કહી શકાય તે પ્રકારનો વ્યવહાર સંભવી શકે જ નહીં. સમાજ શબ્દ જ સંભવત: આ અર્થનો સૂચક છે. આમ હોવાથી પરિવર્તન અંગે વિભિન્ન કારણોની ખોજ અનાવશ્યક છે તે 2. 'A Gujarati Reference Grammar --- George Cardona, Philadelphia (1965).