________________
૩૭
ભાષાને કોઈ નિશ્ચિત ક્ષેત્રમર્યાદા હોતી નથી તે અંગેનો ફેર્દિના દ સસ્યૂરનો અભિપ્રાય ટાંકીને ડૉ. કાલેલકરે તે વાત અહીં સ્પષ્ટ કરી આપી છે.
બે ભિગની ભાષાઓની સીમા પરના પ્રદેશના પ્રશ્નો આપણે ત્યાં બહુ વિકટ છે. બે ભિન્ન વંશની ભાષાઓ હોય તો ત્યાં આ પ્રશ્ન કંઈક સહેલો છે. જ્યાં જે ભાષાના ભાષકો વિશેષ તે તે ભાગ તે ભાષાનો એવો તોડ લાવી શકાય; પરંતુ એક જ વંશની ભાષાઓમાં શું કરવું?
કોઈ એકાદી બોલી કઈ ભાષાની અંતર્ગત છે તે નિયત કરવું અત્યંત કઠિન છે. સંક્રમક સ્વરૂપની બોલીઓ હોય ત્યાં ભાષાશાસ્ત્રના મત ઉપરાંત ડૉ. કાલેલકરના મતે ‘પ્રદેશાંતીલલોકાંચ્યા ભાવનેલા અધિક મહત્ત્વ આહે’ (પૃ. ૧૧૦). ડૉ. કાલેલકરે આ માટે ડાંગીનું દૃષ્ટાંત લીધું છે. તેમનું કહેવું છે કે ડાંગી વિષેના ઝઘડામાં સહુએ ગ્રીઅર્સનની સામગ્રી પર ભાષ્યો કર્યાં છે, પરંતુ પ્રત્યક્ષ કાર્ય કરીને, ઘટનાઓના નિરીક્ષણ દ્રારા કોઈએ સાંસ્કૃતિક સંબંધ શોધવાનો પ્રયત્ન કર્યો નથી. ખરું જોતાં ભાષાશાસ્ત્રીનું કામ જ તટસ્થતાપૂર્વકનો અભ્યાસ કરવાનું છે, કોઈ રાજકીય પક્ષના હાથા બનવાનું નહીં.
આમ ડૉ. કાલેલકરે આ પાંચ પ્રકરણોમાં ભાષાને એક સામાજિક સંસ્થા તરીકે નિહાળી છે અને બહુ જ વિશદતાથી તેના ભેદપ્રભેદો સાથેના સંબંધની વિચારણા કરી છે. બીજી વાત ડૉ. કાલેલકરના આ પુસ્તકમાંથી એ તરી આવે છે કે ભાષાનો જો આ દૃષ્ટિબિંદુથી અભ્યાસ કરવામાં આવે તો સમાજના અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક કોયડાઓના ઉકેલવામાં ભાષા અત્યંત મદદરૂપ થઈ શકે.
ભારતીય ભાષાઓમાં, આ વિષયમાં, શાસ્રીય કહી શકાય તેવું સાહિત્ય નહિવત્ છે. દેશી ભાષાઓમાં શાસ્ત્રોને ન જ ઉતારી શકાય તેમ માનનારા વર્ગાએ આ પુસ્તક જોવા જેવું છે. શાસ્ત્રીયતાના પથ પર રહીને ડૉ. કાલેલકરે આ વિષય આસ્વાદ્ય બનાવ્યો છે તે તેમના વિષયજ્ઞાનની સાથોસાથ સ્વભાષા પરના પ્રભુત્વને પણ નિર્દેશે છે.
પ્રસ્તુત પુસ્તક પરનું આ વિવેચન ગુજરાતના કોઈ ભાષાવિદને આ જાતનો ગુજરાતીમાં સ્વતંત્ર પ્રયાસ કરવા પ્રેરે તો ‘ગ્રંથ’ની ઇતર ભાષાઓનાં પુસ્તકોના વિવેચનની કામગીરી લેખે લાગી ગણાય.