Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ શુદ્ધ ભાવપ્રાણોની અપેક્ષાએ સર્વસંસારી જીવો ‘અજીવ' છે. અને દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ શુદ્ધ જ્ઞાની સિદ્ધ ભગવંતો ‘નિર્જીવ’ છે. દ્રવ્ય પ્રાણ એટલે ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય અને મન-વચન-કાયાનું બળ. સિદ્ધોને આ દ્રવ્યપ્રાણો હોતા નથી. શુદ્ધ ભાવપ્રાણ એટલે જેમાં દ્રવ્ય પ્રાણનું આંશિક પણ મિશ્રણ નથી થયું, એવા ભાવપ્રાણ. આવા પ્રાણ તો માત્ર સિદ્ધ ભગવંતોને હોય છે. એ સિવાય દ્રવ્યપ્રાણની હાજરીમાં ઓછાવત્તા પ્રમાણમાં ભાવપ્રાણ હોય એને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્માનું જીવન કહી શકાય. અને એટલા-આંશિક ભાવપ્રાણોની પણ વિદાય થાય, એને આત્માનું મૃત્યુ કહી શકાય. આત્માનું મૃત્યુ થતાની સાથે શુદ્ધ ચેતના વિધવા બને છે. એક પત્ની છાપું વાંચતા વાંચતા બોલી, “વિધવા ને વિધુરપણાનું દુઃખ ભારે હોય છે.” પતિ બબડ્યો, “એમ તો લગ્નનું દુઃખ પણ ક્યાં હલકું હોય છે?’' પત્ની ભડકી, “શું બોલ્યા?... શું બોલ્યા?” પતિ કહે, “કાંઈ નહીં... કાંઇ નહીં.’’ ભોળી પત્નીએ પોતાની વાત આગળ ચલાવી... ‘હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, કે ભલે ભગવાન મને વિધવા બનાવે, પણ તમને વિધુર ન બનાવે.’’ રમૂજની વાત છે. અહીં સમજવાનું એ છે કે બાહ્ય જગતમાં વિધવા કે વિધુર બનાવવા એ ભગવાનના પણ હાથની વાત નથી, જ્યારે આંતર જગતમાં સ્વયં વિધુર બનવું કે ન બનવું, પત્નીને વિધવા બનાવવી કે ન બનાવવી, એ આત્માને સ્વાધીન વાત છે. એ ચાહે તો પોતે અમર રહી શકે છે... શુદ્ધ ચેતનાને અખંડ સૌભાગ્યવતી રાખી શકે છે... અને બહુ ખુમારીથી કહી શકે છે – सुहागन ! जागी अनुभव प्रीत એક સાધક હતો. ‘સમાધિ’ની સાધના માટે તેની ખૂબ ખ્યાતિ હતી. એક જિજ્ઞાસુ તેની પાસે માર્ગદર્શન મેળવવા આવ્યો. થોડા પ્રશ્નો કર્યા પછી તેણે પૂછ્યું, “તમે સમાધિ ક્યારે કરો છો?’’ પેલા સાધકે જવાબ આપ્યો, “કદી નહીં.’’ એ જિજ્ઞાસુ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો... “તમે આટલા મોટા સમાધિસાધક... અને સમાધિ ન કરો?” એ સાધકે જે જવાબ આપ્યો છે, એ ખૂબ માર્મિક છે - विक्षेपो नास्ति यस्मान्मे न समाधिस्ततो मम। विक्षेपो वा समाधिर्वा मनसस्स्याद्विकारिणः ।। મારો કોઈ વિક્ષેપ નથી, માટે મારી સમાધિ પણ નથી. વિક્ષેપ અને સમાધિ તો વિકારી-પરિવર્તનશીલ મનના જ થાય છે. સુહાગણનું સૌભાગ્ય શી રીતે અખંડ રહી શકે, તેનું રહસ્ય આ શ્લોકમાં સમાયેલું છે. આત્માનુભૂતિની પ્રીતિ સાચી ક્યારે કહેવાય? જ્યારે એના સિવાય બીજા કોઈના વિચારનો પણ અવકાશ ન રહે. એક વ્યક્તિ કોઇને કાંઇ કહી રહી છે, અને તે તેની વાતમાં બરાબર ધ્યાન આપતો નથી. વારંવાર ઘડિયાળ જુએ છે... આજુબાજુમાં જુએ છે, તો એનો અર્થ એ છે કે એને તે વ્યક્તિની વાતમાં રસ નથી. મન વિક્ષેપોમાં જાય એનો અર્થ એ છે કે એને સમાધિમાં જોઇએ એવો રસ નથી. મન પુદ્ગલ તરફ ઢળે છે, એ જ બતાવે છે કે મનને પરમ સાથેની પ્રીતિ હજી જામી નથી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32