________________
અહિંસા
અહિંસા
ચોપડવાની પી જાય છે. પછી કહેશે, ‘ભગવાન મહાવીરની દવા પી ગયો ને મરી ગયો !“અલ્યા, મહાવીર ભગવાનને શું કરવા ફજેત કરે છે.” અત્યારે એ જ વ્યાપાર ચાલુ છે. ચોપડવાની પી જાય ને પછી કહેશે ધર્મ ખોટો છે. મુંઆ, ધર્મ તો ખોટો હોતો હશે ? પહેલા ચોપડવાની દવા છે તે પીતો હતો ?
પ્રશ્નકર્તા : પહેલા તો કંઈ ખબર જ ન હતી.
દાદાશ્રી : આ ચોપડવાની કે પીવાની ખબર જ ન હતી ! જે જીવો ભય પામે છે, એને ત્રસકાય જીવો કહ્યા. એટલે આ ભય સંજ્ઞા ઉત્પન્ન થઈ છે એના માટે ભગવાને વાત કરી છે. બીજા માટે તો એવું જ કહ્યું છે કે પાણીને નકામું ઢોળાઢોળ ના કરશો. જાજો, પીજો, ધોજો, કપડાં ધોજો. પણ અનર્થ એટલે તમારે હેતું ના હોય ને ઢોળાઢોળ ના કરશો.
અભયદાન એ મહાદાત !
પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ?
દાદાશ્રી : અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું કે અહીં ચકલાં બેઠાં હોય તો એ ઊડી જશે એમ માનીને આપણે આમ ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે બાર વાગે આવ્યા હોય અને બે કૂતરાં ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે, એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે, એને માણસાઈ કેમ કહેવાય ? બહાર કૂતરાં ય આપણાથી ના ભડકવાં જોઈએ. આપણે આમ પગ ખખડાવતા ખખડાવતા આવ્યા અને કૂતરું કાન આમ કરીને ઊભું થાય તો આપણે સમજી જવું કે ઓહોહો, અભયદાન ચૂક્યો ! અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. ક્યાંય જોયા અભયદાની પુરુષો ?! અભયદાન તો મોટામાં મોટું દાન છે.
હું બાવીસ વર્ષનો હતો ત્યારે ય કૂતરાને નહોતો ભડકવા દેતો. અમે નિરંતર અભયદાન જ આપીએ છીએ, બીજું કશું આપતા નથી.
અમારા જેવું અભયદાન આપવાનું જો કોઈ શીખી ગયો તો એનું કલ્યાણ થઈ જાય ! ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે. નહીં ? “હું તને જોઈ લઈશ” કહેશે. તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય ?!.
પ્રશ્નકર્તા: તો આ જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં ?
દાદાશ્રી : એ તો બચાવનારને જબરજસ્ત ગુનો છે. એ તો ખાલી અહંકાર કરે છે. ભગવાને તો એટલું જ કહ્યું હતું કે તમે તમારા આત્માની દયા પાળજો. બસ, એટલું જ કહેલું છે આખા શાસ્ત્રમાં કે ભાવદયા પાળજો. બીજી દયા માટે તમને નથી કહ્યું. અને વગર કામના હાથમાં લેશો તો ગુનો થશે.
એ છે બચાવવાનો અહંકાર ! આ તો બધા એમ જ સમજે છે કે આપણે બચાવીએ છીએ તેથી આ જીવડા બચે છે. તે આપણા લોકો તો કેવા છે ? ઘેર માને ગાળો ભાંડતો હોય છે અને બહાર છે તે બચાવવા નીકળ્યો હોય !
આ લોકોને દરિયામાં મોકલવા જોઈએ. મહીં દરિયામાં તો બધું શાકભાજી ને અનાજ બધું ઉગતું હશે, નહીં ? આ માછલાં ખાતા હશે, તે ?! ત્યારે અહીંથી આપણે અનાજ મોકલતા હશે, નહીં ? કેમ ચણા ને એ બધું નાખીને ખવડાવીએ નહીં ?! તો શું એમનો ખોરાક ? આવડાં આવડાં નાનાં નાનાં માછલા હોય, તેને આવડાં મોટાં માછલાં ગળ્યા કરે. આવડા મોટાને પાછાં એથી આવડા મોટાં હોય તે ગળ્યા કરે. એમ ગળ્યા જ કરે નિરાંતે. અને માલ પાક્યા જ કરે એક બાજુ ! હવે ત્યાં અક્કલવાળાને બેસાડ્યા હોય તો શી દશા થાય ?!
જગતમાં કેવી માન્યતા ચાલી રહી છે ? “અમે બચાવીએ છીએ કહેશે અને કસાઈ ઉપર દ્વેષ કરે છે. એ કસાઈને આપણે પૂછીએ કે, ‘તું આવો નાલાયક ધંધો કરે છે ?” ત્યારે એ કહે, “કેમ સાહેબ, મારા ધંધાને નાલાયક કહો છો ? મારે તો આ બાપ-દાદાઓની પેઢીઓથી ધંધો ચાલતો આવ્યો છે, અમારી પેઢી છે આ તો.’ એટલે એવું કહે આપણને.