________________
પારણામાં પણ સાચું રોયો નથી
કિશોર શાહની આ પંક્તિઓ : સવારે અરીસો જોતાં મારી આંખોમાં દેખાય છે હરણ. બપોરે સિંહ. સાંજે શિયાળ. રાતે વ. અરીસાઓ અંચઈ કરી શકે ખરાં?.
કાચીંડો પોતાના સમસ્ત જીવનકાળ દરમ્યાન જેટલા રંગો બદલાવતો હશે એના કરતાં વધુ રંગો દંભી માણસ કદાચ એક દિવસમાં બદલાવતો હશે. એક વરસમાં સંધ્યા સમયે આકાશમાં વાદળો જેટલા રંગો બદલાવતા હશે એના કરતાં વધુ રંગો માણસ કદાચ એક કલાકમાં બદલાવતો હશે. કાગડાની આંખો એક કલાકમાં જેટલી વાર ફરતી હશે, કદાચ એક મિનિટમાં માણસ પોતાના મનના અભિપ્રાયો બદલાવતો હશે, એના કરતાં વધુ વાર.
આખરે આવા મુત્સદ્દી બન્યા રહેવા પાછળનું માણસના મનનું રહસ્ય શું હશે, એમ જો પૂછતા હો તો એનો ટૂંકમાં જવાબ આ છે.
માણસ ધર્મી છે નહીં, એને ધર્મી બનવું પણ નથી પણ એને ધર્મી દેખાવું છે જરૂર. માણસ સુખી છે નહીં, એને સુખી બનવું છે જરૂર પણ સુખી બની ન શકાય તો પણ એને સુખી દેખાવું તો છે જ. માણસ પાપી છે, જીવનભર કદાચ પાપી બન્યા
રહેવું પડતું હોય તો ય એનો એને કોઈ ઝાઝો અફસોસ નથી પણ એને પાપી દેખાવું નથી જ. માણસ દુઃખી રહેવા માગતો નથી છતાં એ દુઃખી છે એ વાતમાં કોઈ શંકા નથી અને એ છતાં ય દુઃખી દેખાવા માગતો તો બિલકુલ નથી.
આનો અર્થ ? એ જે છે એવું એને દેખાવું નથી. આ છે એના દંભનું એક માત્ર કારણ. અને આ દંભના સહારે આખી જિંદગી એ બિચારો તનાવમાં ને તનાવમાં પસાર કરતો રહે છે.
જવાબ આપો.
જેનો ચહેરો દીવેલ પીધા જેવો જ રહેતો હોય એ માણસ રૃડિયોમાં ફોટો પડાવવા જ્યારે જાય ત્યારે પળ-બે પળ ચહેરા પર બનાવટી હાસ્ય જરૂર લાવી શકે પરંતુ તમે એને કહો કે “આખો દિવસ તારે આ બનાવટી હાસ્ય તારા ચહેરા પર ટકાવી રાખવાનું છે” તો એની હાલત થાય શી ? કદાચ સખત પ્રયાસો કરીને એકાદ દિવસ એ પોતાના ચહેરા પર બનાવટી હાસ્ય ટકાવી પણ શકે પણ આખરે તો એના ચહેરા પર એનું મૂળ સ્વરૂપ તો પ્રગટ થઈને જ રહે.
શું કહું?
સારા દેખાવા માટે માણસ જેટલા પ્રયાસો કરે છે એના લાખમાં ભાગના પ્રયાસો પણ જો સારા બની જવા માણસ કરવા લાગે તો એ પ્રયાસોમાં એને અચૂક સફળતા મળી જાય તેમ છે અને છતાં દુ:ખદ વાસ્તવિકતા એ છે કે માણસ સારા બની જવાના પ્રયાસો કરવા તૈયાર નથી, સારા દેખાવાના પ્રયાસો જ એને વધુ સરળ લાગી રહ્યા છે
આ ખતરનાક વિષચક્રમાંથી કમ સે કમ આપણી જાતને તો આપણે બહાર કાઢી લેવા જેવી જ છે અને એ પણ કાલે નહીં, આજે જ. આજે જ નહીં, અત્યારે જ.