Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ દુઃખ, માણસ બનાવે છે સુખ, રાક્ષસ ! કોક અજ્ઞાત કવિની આ પંક્તિઓ : હર હંમેશ સુખ ને સુખ જ આનંદની છોળો પલાળતી રહેતી ન હોય એનો વાંધો ન હોય તો જનમવા અને જીવવા માટે આ જગત સુંદર જગા છે. દુ:ખના સમયમાં “માણસ” બની જતા આપણે સુખના સમયમાં રાક્ષસ કેમ બની જઈએ છીએ ? સાકર ગાંગડા સ્વરૂપે હોય કે ખડી સ્વરૂપે હોય, દાણા સ્વરૂપે હોય કે બૂરું સ્વરૂપે હોય, સાકર જો દરેક અવસ્થામાં સાકર જ રહે છે તો દુ:ખ-સુખના સમયમાં આપણે “માણસ” જ કેમ નથી બન્યા હતા? કારણ છે આની પાછળ, દુ:ખના સમયમાં “માણસ” બન્યા રહેતા આપણે સુખના સમયમાં જો ‘રાક્ષસ’ બની જ જઈએ છીએ તો એનો અર્થ એટલો જ છે કે દુ:ખના સમયમાં રાક્ષસ બનવાની અનુકૂળતાઓ આપણને ઉપલબ્ધ ન હોવાના કારણે જ આપણે માણસ બન્યા રહીએ છીએ. જો દુ:ખના સમયમાં પણ તમામ પ્રકારની બદમાશીઓ આચરવાની સુવિધાઓ આપણને ઉપલબ્ધ હોત તો આપણે રાક્ષસ જ બન્યા રહેત, માણસ બનવા પર આપણે પસંદગી ન જ ઉતારી હોત ! આ તો એવું થયું કે પેટ બગડ્યું છે એટલે આપણે દૂધ છોડી દીધું છે. સ્ત્રી મળી નથી એટલે આપણે બ્રહ્મચર્ય સ્વીકારી લીધું છે. ગાડી મળી નથી એટલે આપણે પગેથી ચાલતા જવા પર પસંદગી ઉતારી લીધી છે. પૈસા મળ્યા નથી એટલે ઘરમાં વૈભવી સામગ્રીઓ આપણે વસાવી નથી. બદામ મળી નથી એટલે ખીસામાં સિંગ લઈને આપણે ફર્યા કરીએ છીએ ! શો અર્થ છે આનો ? ‘અભાવ” આપણને સારા બન્યા રહેવા મજબૂર કરે એ કાંઈ આપણાં ‘સારાપણાં’નું સૂચક તો નથી જ ને? કબૂલ, એ સમયમાં ટકી રહેતું આપણું ‘સારાપણું” જગત માટે નુકસાનકારક નથી બન્યું રહેતું. આપણાં ખુદના જીવનને ખરાબીના રવાડે નથી ચડાવી દેતું. આપણી આજુબાજુ રહેલા વર્ગ માટે ત્રાસદાયક નથી બન્યું રહેતું પણ, જેવો એ નબળો સમય ગયો અને સારો સમય આવ્યો, આપણામાં રહેલી પશુતા જો પ્રગટ થવા જે લાગી તો આપણું નબળા સમયનું સારાપણું લેશ અર્થદાયક પણ ન જ રહ્યું ને? વસ્ત્રો સારા પણ ચામડી બગડેલી, ફોટો સારો પણ ઍક્સ-રે બગડેલો, વર્તન સારું પણ અંતઃકરણ બગડેલું, ભોજન સારું પણ પેટ બગડેલું, પ્રવૃત્તિ સારી પણ વૃત્તિ કલુષિત, વ્યવહાર સારો પણ સ્વભાવ ખરાબ, બારદાન આકર્ષક પણ માલ સડેલો ! શો અર્થ છે એનો? એક જ કામ આપણે કરવા જેવું છે. વૃત્તિને આપણે નિર્મળ બનાવી દઈએ. અંતઃકરણને આપણે પવિત્ર બનાવી દઈએ. સ્વભાવને આપણે સુંદર બનાવી દઈએ. બુદ્ધિને આપણે પરિમાર્જિત કરી દઈએ. રુચિને આપણે સમ્યફ બનાવી દઈએ. પછી ? સારાપણું આપણી મજબૂરી ન બની રહેતા મર્દાનગી બની રહેશે. સારાપણું આપણી લાચારી નહીં, આપણો સ્વભાવ બની રહેશે. સુંદર સ્વભાવ આપણો દંભ નહીં, આપણી પ્રકૃતિ બની રહેશે. સબુદ્ધિ પરિસ્થિતિને આધીન નહીં, મનઃસ્થિતિને આધીન બની રહેશે. આ સ્થિતિ બની ગયા પછી દુ:ખનો સમય કે સુખનો સમય આપણા માટે મહત્ત્વનો નહીં બની રહે ! સામગ્રીઓનો અભાવ કે સામગ્રીની વિદ્યમાનતા આપણા માટે નિર્ણાયક નહીં બની રહે ! પ્રતિકૂળ પરિસ્થિતિ કે અનુકૂળ પરિસ્થિતિ આપણાં જીવન પર પ્રભાવી નહીં બની શકે ! આથી વધીને આપણે બીજું જોઈએ પણ શું?

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51