________________
ન્યાય કાયદાને વફાદાર રહે છે,
સત્યને નહીં.
કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : ત્રીજા વિશ્વયુદ્ધ પહેલાં મહાસત્તાઓએ નક્કી કર્યું કે કેટલાક શબ્દોને શબ્દકોશમાંથી દેશવટો આપવો. વિધવા, અનાથ, કરુણા... એમનું માનવું છે કે યુદ્ધ દરમિયાન આ શબ્દો હંમેશાં આડા આવે છે.
ન્યાય જો સત્યને પણ વફાદાર ન રહેતો હોય તો પ્રેમ અને કરુણાને વફાદાર તો રહે જ શેનો ? અને જે ન્યાયમાં પ્રેમ અને કરુણા ગેરહાજર જ હોય એ ન્યાય આનંદદાયક તો બની જ શી રીતે શકે ?
મીઠાઈની મજો જો એમાં સાકર હાજર હોય તો જ અનુભવાય છે, જીવનની મજા જો હાથમાં પૈસા હોય તો જ અનુભવાય છે, નદીની સાર્થકતા જો એમાં પાણી હાજર હોય તો જ લાગે છે તો ન્યાયની મજા પણ જો એ પ્રેમયુક્ત અને કરુણાયુક્ત હોય તો જ અનુભવાય છે.
અલબત્ત, નગ્ન વાસ્તવિકતા આ છે કે ન્યાય નિષ્ફર જ હોય છે. કોમળ તો સમાધાન જ હોય છે. ન્યાય ગુનાની સજા થાય એ પક્ષમાં હોય છે જ્યારે સમાધાન ગુનેગારને માફી આપી દેવાના પક્ષમાં હોય છે. ન્યાયમાં એક ઘરે કદાચ અજવાળું થતું પણ હશે પરંતુ બીજા ઘરે તો અંધારું થઈને જ રહે છે જયારે સમાધાનમાં તો બંને ઘરે અજવાળું થઈને જ રહે છે.
કહેવું હોય તો એમ કહી શકાય કે દુર્જનો જગત પર અન્યાય કરતા રહે છે,
સરકાર, સમાજ અને સંગઠનો એ અન્યાયની સામે ન્યાયની હિમાયત કરતા રહે છે જ્યારે સદ્ગૃહસ્થો, સજ્જનો અને ધર્માત્માઓ સમાધાનના રસ્તાને જ પસંદ કરતા હોય છે.
બીજાની વાત આપણે પછી કરશું. પહેલાં જાતને પૂછી લઈએ. આપણને રસ શેમાં છે? અન્યાય કરતા રહેવામાં ? ન્યાય માગતા રહેવામાં કે પછી સમાધાનના રસ્તે કદમ માંડતા રહેવામાં?
સાચું કહું?
સ્વાર્થ ઘવાતો હોય છે ત્યારે અથવા તો સ્વાર્થ પુષ્ટ થવાની સંભાવના દેખાય છે ત્યારે આપણે અન્યાય આચરવા તૈયાર થઈ જઈએ છીએ. સામો જ્યારે ગુનેગાર હોય છે ત્યારે આપણે ન્યાય માટે આગ્રહ કરતા હોઈએ છીએ અને આપણે પોતે જ જ્યારે અપરાધી હોઈએ છીએ ત્યારે સમાધાનની માગણી કરતા હોઈએ છીએ.
આવી ત્રેવડી નીતિ ધરાવતા મનમાં પ્રસન્નતા પ્રતિષ્ઠિત થઈ જાય? અસંભવ ! અંતઃકરણમાં નિર્દોષતા પ્રતિષ્ઠિત થઈ જાય? અસંભવ ! હૃદયમાં મૈત્રીભાવ ધબકતો રહે? અસંભવ ! આત્મા સદ્ગતિગામી બની જાય ? અસંભવ !
આવો,
બાહ્ય નુકસાન જે પણ વેઠવું પડે એ વેઠી લઈએ. અહંકારનું બલિદાન દેવું પડતું હોય તો દઈ દેવા તૈયાર રહીએ પણ અન્યાય આચરવાથી તો દૂર થઈ જઈને જ રહીએ. કોક સંયોગોને આધીન બની જઈને ન્યાયની માગણી કરવી પણ પડે તો ય પ્રેમરહિત કે કરુણારહિત ન્યાય પર તો પસંદગી હરગિજ ન ઉતારીએ. અને સમાધાન માટે મનને હંમેશ માટે તૈયાર રાખીએ.
અન્યાય-ન્યાય વચ્ચે અટવાયેલા આજના જગતને જોઈ લો. ક્યાંય પ્રસન્નતામસ્તી કે શાંતિ જોવા મળતી નથી. હવે તો સમાધાન પર પસંદગી ઉતારી દઈએ ! સમાધિ તો ટકી જ રહેશે પણ મન સદાય હળવાશની અનુભૂતિથી તરબતર બન્યું રહેશે !
100