Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ બોલબાલા દુર્જનતાની જ હોય, સજ્જનતા શાંત રહે એમાં જ એનું ગૌરવ અકબંધ ખરા સમયે મૂર્ખ બનવું એ પણ કળા છે મકરંદ દવેની આ પંક્તિઓ: મન હો મારા, સૌ દોડે ત્યાં એકલું થોભી જા. જગ આખું જ્યાં લોભમાં હાલે જાય વેગે અન્યાયની ચાલે પરસેવાનાં બિંદુ મનવા ! સૌ વચાળે ધારતું ભાલે, એકલું થોભી જા . વિપદ ઘોર ચોમેરથી વળે, વેણ બધે ઉપહાસનાં મળે મેલહીણી કો કાળ મનવા ! કઠણ પળ, પ્રાણ ઉજળે એક પરોવી જા. ઠેસ એકાદે હામ જે ખોતાં લાલચુ જીવને હિત જે જોતાં તેમને કાજે અડગ મનવા ! નેણને લ્હોતાં, પાપને ધોતાં, એકલું મોભી થા. સભા કાગડાઓની હોય અને એમાં ભૂલમાં હંસ આવી ચડ્યો હોય તો ય એ મૌન રહે છે તો જ પોતાનું સ્વમાન સાચવી શકે છે. દેડકાઓ ચારે ય બાજુ ડ્રાંઉં ડ્રાંઉ કરતા હોય અને એ સમયે ભલે ને આંબાની ડાળ પર કોયલ બેઠી હોય, એ કાંઈ જ નથી બોલતી તો જ એનું ગૌરવ સચવાઈ રહે છે. મૂર્ખાઓની જોરદાર ભાષણબાજી થઈ રહી હોય અને ત્યાં ભૂલમાં આવી ચડેલ પંડિત સંપૂર્ણ મૌન રહે છે તો જ એનું સ્વમાન સચવાઈ રહે છે. સંદેશ સ્પષ્ટ છે. બહુમતી દુર્જનોની જ હોય, પુણ્યહીન સજ્જન મૌન રહે એ જ ઉચિત છે. ટોળું પાગલોનું જ હોય, શાણપણ એ સમયે નિષ્ક્રિય રહે એ જ ઉચિત છે. સમૂહ વ્યભિચારીઓનો જ હોય, સદાચારી એકલો રહી જાય એમાં જ એનું હિત છે. અલબત્ત, મૌન રહેવાનો, નિષ્ક્રિય બની જવાનો, શાંત થઈ જવાનો યાવત જાણી જોઈને મૂર્ખ બનવાનો સમય ઓળખવા માટે દૃષ્ટિનો એવો ઉઘાડ નથી, દર્શન ઉપરછલ્લું જ છે, વૃત્તિ તુચ્છ છે, મન ઉતાવળિયું અને અઘરું છે તો એ સમય ઓળખાતો નથી. માણસ આવેશમાં આવી જઈને બોલી નાખે છે, સક્રિય બની જાય છે, ડહાપણ પ્રદર્શિત કરવા લાગે છે અને સરવાળે નુકસાનીને આમંત્રણ આપી બેસે છે. તમને ખ્યાલ છે? બૉલર તરફથી આવતા લલચામણા બૉલને જે બૅટ્સમૅન સમજી ન શકવાના કારણે રમવા જાય છે એ બૅટ્સમૅન પોતાની વિકેટ ગુમાવી બેસે છે. આકર્ષક પ્રલોભનની ખતરનાકતાને ન ઓળખી શકવાના કારણે જે સાધક એ પ્રલોભન સામે ઝૂકી જાય છે એ સાધક પોતાની સાધનાની મૂડીને ગુમાવી બેસે છે. “સેલ'નાં પાટિયાને જોઈને જે માણસ ઉતાવળો થઈને માલ ખરીદી લે છે, એ માણસને આગળ જતાં મન ભરીને પસ્તાવાનો વખત આવે છે. સમય-સ્થળ-સંયોગ-વ્યક્તિને જોયા-જાણ્યાસમજ્યા વિના જે વ્યક્તિ પોતાનું ડહાપણ ડહોળવા જાય છે એ વ્યક્તિને રાતે પાણીએ રોવાનો વખત આવે છે. આવો, માત્ર આંખને જ ખુલ્લીન રાખીએ, દૃષ્ટિને પણ વિકસિત કરતા જઈએ. માત્ર જ પરિણામને જ ન જોઈએ, પરિણામ પાછળ રહેલ અપાયને પણ જોતા રહીએ. માત્ર લક્ષણ તરફ જ નજર ન ઠેરવીએ, લક્ષણ પાછળ રહેલ કારણને પણ પકડતા રહીએ, માત્ર સુખ-દુ:ખને જ ન જોઈએ, હિત-અહિતને પણ સમજતા રહીએ. જો આ બાબતમાં સફળ બનતા રહેશું તો જીવનમાં ‘રાતા પાણીએ રોવાના’ દિવસો અનુભવવાના કે જોવાના લગભગ નહીં આવે !

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51