________________
ગોળ ટેબલ આગળ દરેક બેઠક પહેલી જ દેખાય છે
એક શાયરની આ પંક્તિઓ : जो जितना उँचा इतना ही एकाकी होता है चहेरे पर मुस्कान चीपकाकर मन ही मन रोता है। મન !
એની અનેક ખાસિયતોમાંની એક ખાસિયત આ કે એ કાયમ દરેક ક્ષેત્રમાં નંબર એક પર જ રહેવા માગે. પછી એ ક્ષેત્ર ચાહે સંપત્તિનું હોય કે સત્તાનું હોય, રમતનું હોય કે બજારનું હોય, ભણતરનું હોય કે ભ્રમણનું હોય, સંસ્થાનું હોય કે સંગઠનનું હોય. અરે, કોકની શોકસભામાં જવાનું બને ત્યારે ય એ ઇચ્છતું હોય કે પ્રમુખપદની ખુરશી પર બેસવાનું સદ્ભાગ્ય મને જ મળવું જોઈએ. કોકની સ્મશાનયાત્રામાં જાય ત્યારે ય એ ઇચ્છતું હોય કે અગ્નિદાહ દેવાનો અધિકાર મને જ મળવો જોઈએ.
આ નંબર એક પર જ રહેવાનો મનનો ધખારો સફળ થઈને જ રહે એવી સંભાવના બહુ ઓછી છે કારણ કે એ સ્થાન પર ગોઠવાઈ જવા લાખો-કરોડો માણસો ધમપછાડા કરતા હોય છે. ગળાકાપ હરીફાઈ વચ્ચે અને ટાંટિયા ખેંચની આ રમત વચ્ચે નંબર એક પર પહોંચી જવામાં ક્યારેક કદાચ સફળતા મળી પણ જાય છે તો ય ત્યાં પહોંચ્યા પછી આનંદને બદલે ઉદ્વેગ વધુ અનુભવાય છે. મસ્તીને બદલે સુસ્તી મનને વધારે ઘેરી વળે છે. ઉલ્લાસને બદલે નિરાશા વધુ અનુભવાય છે. ચહેરા પર હાસ્ય જેટલું ફરકે છે એના કરતાં મનમાં રૂદન વધુ ચાલતું રહે છે.
કારણ? એ સ્થાન પર તમારી સાથે કોઈ જ નથી હોતું, તમે એકલા જ હો છો. ભલે ને તમારા શરીર પર લાખોની કિંમતનાં ઘરેણાં છે પણ જો તમે જંગલમાં એકલા જ છો તો તમે એ ઘરેણાં પહેરવા મળ્યાના આનંદનો અનુભવ શી રીતે કરી શકવાના ? ભલે ને તમારા હાથમાં રત્નદ્વીપમાં રત્નોની ખાણ આવી ગઈ છે પણ જો ત્યાં તમે
એકલા જ છો તો રત્નોની ખાણ મળી જવા બદલ મસ્તી શું અનુભવી શકવાના?
સંદેશ સ્પષ્ટ છે.
બજારના જગતમાં કે સંસારના જગતમાં તમારે જો આનંદિત રહેવું છે તો તમારી સાથે કોક હોવું અતિ જરૂરી છે જ્યારે નંબર એક પર તમે એકલા જ હો છો, તમારી સાથે કોઈ જ હોતું નથી અને એટલે જ નંબર એક પર પહોંચી ગયા પછી લાંબા સમય સુધી આનંદ અનુભવી શકાતો નથી. બે જ વિકલ્પ છે, આનંદિત રહેવાના. કાં તો એ સ્થાન પર તમે અન્ય કોકને પણ લઈ આવો અને કાં તો એ સ્થાન છોડીને નંબર બે પર ચાલ્યો જવા તમે તૈયાર રહો.
‘ગોળ ટેબલ આગળ દરેક બેઠક પહેલી જ દેખાય છે? મજા આ વ્યવસ્થાની એ છે કે દરેકને એમ લાગે છે કે પ્રથમ નંબર પર હું જ છું અને છતાં હું એકલો નથી. મારી સાથે બીજા બધા પણ ઘણાં છે.
યાદ રાખજો આ વાત કે અહંકારને રેખા પર ચાલવું જ વધુ પસંદ હોય છે જ્યારે નમ્રતાને ચાલવા માટે વર્તુળ મળી જાય તો એ વધુ આનંદિત થઈ જાય છે. કારણ? રેખા પર ચાલવામાં નંબર એક પર પહોંચી શકાય છે એમ અહંકાર માનતો હોય છે જ્યારે નમ્રતાને નંબરનું કોઈ આકર્ષણ હોતું નથી એટલે એને વર્તુળ પર ચાલવામાં કોઈ જ તકલીફ પડતી નથી.
અને છેલ્લી વાત.
અહંકાર રેખા પર ચાલતો રહીને ય સદાય રડતો જ હોય છે જ્યારે વર્તુળ પર ચાલતા રહેવા દ્વારા નમતા સદાય પ્રસન્ન જ રહેતી હોય છે. પસંદગીમાં થાપ ખાવા જેવી નથી.