________________
ઉંદરો પણ મરેલી બિલાડીને કરડે છે
વિપિન પરીખની આ પંક્તિઓ ઃ
હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે
એવું અભિમાન હવે નથી રહ્યું.
એક દિવસ દુનિયાની કાયાપલટ કરવાની હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી
દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ ગઈ છે.
જે બસમાં હું રોજ મુસાફરી કરું છું એ
૧૦૧ નંબરની બસમાં મારી બેઠક ખાલી નહીં રહે. ઑફિસમાં ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે ટાંપીને બેઠેલો કલાર્ક સાહેબની આજુબાજુ પૂંછડી પટપટાવશે. કહેશે, ‘મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા
પણ ભલા, એક ક્લાર્ક ખાતર ઑફિસ
બંધ થોડી જ રાખી શકાય છે ?
બપોરે ટી ટાઇમમાં ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે
હું નહીં હોઉં ને રજિસ્ટરમાંથી
એ મારું નામ કાઢી નાખશે.
મોત !
સર્વથા અસંદિગ્ધ ! એનું આગમન નિશ્ચિત પણ આગમનનો સમય અનિશ્ચિત ! એનું આગમન નિશ્ચિત પણ આગમનનું સ્થળ અનિશ્ચિત ! એનું આગમન નિશ્ચિત પણ આગમન વખતના સંયોગો અનિશ્ચિત !
એ સવારના પણ આવે, બપોરના પણ આવે અને રાતના ઊંધમાં પણ આવી જાય. એ હૉસ્પિટલમાં આવે, બજારમાં આવે અને મંદિરમાં પણ આવી જાય. એ ચા પીતા આવે, ગાડી ચલાવતા આવે, લગ્નની ચોરીમાં આવે, કોકની સ્મશાનયાત્રામાં ૯
સામેલ થયા હોઈએ ત્યારે આવે અને ચેક પર સહી કરતા હોઈએ ત્યારે પણ આવી જાય.
એ આવે એટલે કરોડોની સંપત્તિ પણ મૂલ્યહીન બની જાય, વડાપ્રધાનપદ પણ નપુંસક પુરવાર થઈ જાય. ઑલિમ્પિક ચૅમ્પિયનપણું ય નકામું સાબિત થઈ જાય. રૂપવતી પત્નીના પતિ બન્યાનો આનંદ પણ ચુર ચુર થઈ જાય અને બજારમાં જમાવેલી ખ્યાતિનું પણ બાષ્પીભવન થઈ જાય.
એના આગમનના ભણકારા વાગતાં જ મનના મોતિયા મરી જાય, આંખે અંધારા આવવા લાગે, પગ ધ્રૂજવા લાગે, હૃદય કંપવા લાગે. ‘મારે જવાનું ? બધું છોડીને ચાલ્યા જવાનું ? બધાયને મૂકીને રવાના થઈ જવાનું ? ક્યાં જવાનું ? કોની સાથે જવાનું ? જ્યાં જઈશ ત્યાં મારું કોણ ? મારી સલામતીનું શું ?’ આવા જાતજાતના
વિચારો મનના ઓરડામાં આંટા મારવા લાગે અને મોત આવતા પહેલાં જ મરી ગયાની વેદના જીવ અનુભવવા લાગે.
આવા સમયે નબળો માણસ પણ સામે પડી જાય, નકામો માણસ પણ હેરાન કરવા લાગે, નિઃસત્ત્વ માણસ પણ બળવાન બનીને ત્રાસ આપવા લાગે. કોક વરસોનો જૂનો હિસાબ પતાવવાના મૂડમાં પણ આવી જાય. લબાડ માણસ પણ બોજ બનીને ત્રાસ આપવા લાગે.
શે ટકી રહે આવા સમયે સમાધિ ? શે ઠેકાણે રહે આવા સમયે મનના ભાવો ? શે આવા સમયે યાદ આવે પરમાત્માનું નામ? આવા સમયે શેં ધર્મમાં સ્થિર રહે મન ?શે ચહેરાને આવા સમયે રાખી શકાય હસતો ?
એક જ કામ કરવા જેવું છે. મોતને સમાધિસભર રાખવું હોય તો જીવનને સાધના સભર બનાવી દેવું. મોતને મંગળમય બનાવી દેવું હોય તો જીવનને ધર્મમય બનાવી દેવું. મોત વખતે ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવી હોય તો જીવનની પ્રત્યેક પળને સદ્ભાવસભર, સ્નેહસભર રાખવા પ્રયત્નશીલ બન્યા રહેવું ! એ સિવાય મોતને સુધારવાનો અન્ય કોઈ વિકલ્પ જ નથી.