Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ પડતી માણસને શ્રીમંત તો નહીં પણ ડાહ્યો જરૂર બનાવે છે કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ : પરિપક્વતા એટલે જે બદલાવી શકાય છે અને બદલાવું જ જોઈએ તે બદલવાની હિંમત; જે નથી બદલી શકાતું તેનો સ્વીકાર કરી તેની સાથે શાંતિપૂર્વક જીવી શકવાની આવડત. અને આ બે વચ્ચેનો ભેદ પારખવાનું શાણપણ. લીમડી-બગોદરાના રસ્તા પર જેટલા અકસ્માતો થાય છે એટલા અકસ્માતો ચાલુ રસ્તાઓ પર થતા નથી. કારણ ? લીમડી-બગોદરાનો રસ્તો એકદમ સીધો છે, સપાટ છે. એ રસ્તા પર કોઈ ખાડા-ટેકરા નથી. ડ્રાઇવર નિશ્ચિંત થઈને એ રસ્તે ગાડી તેજ ગતિથી ભગાવે છે અને એની આ નિશ્ચિંતતા જ અકસ્માતને આમંત્રણ આપી બેસે છે. ગણિત સ્પષ્ટ છે. રસ્તો જો થોડોક કાચો છે, ખાડા-કાંકરાવાળો છે તો એ રસ્તે ગાડી ચલાવતા ડ્રાઇવરે સજાગ રહેવું જ પડે છે અને એની આ સજાગતા જ અકસ્માતથી ગાડીને દૂર રાખી દે છે. બસ, આ જ હકીકત જીવનક્ષેત્રે સમજી લેવાની છે. જીવનમાં જો સુખ ચિક્કાર છે, હાથમાં વિપુલ સંપત્તિ છે, વિરાટ સત્તા છે, તીવ્ર બુદ્ધિ છે, શરીર તંદુરસ્ત છે, કંઠ મસ્ત છે, જબાનમાં જાદુ છે તો પતનની શક્યતા વધુ છે. પાપસેવનની સંભાવના વધુ છે. પાગલપનની શક્યતા વધુ છે. પણ, જીવન જો અગવડોથી વ્યાપ્ત છે, પ્રતિકૂળતાઓથી ગ્રસ્ત છે, સંપત્તિ અલ્પ છે, સત્તાના નામે હાથમાં કશું નથી, શરી૨ વારેવારે બીમારીનું શિકાર બનતું રહે છે, બુદ્ધિ ધારદાર નથી, રૂપનાં ઠેકાણાં નથી, જબાનમાં જાદુ નથી, બહોળો મિત્રવર્ગ નથી, ૮૩ ખાસ લોકપ્રિયતા નથી. તો એ આત્માના પતનની શક્યતા બહુ ઓછી છે. પાપસેવનના માર્ગે એ આંધળિયા કરવા લાગે એ સંભાવના લગભગ નથી. એનું મન નફ્ફટાઈના કે નિર્લજ્જતાના પાગલપનનું શિકાર બન્યું રહે એ શક્યતા પણ નહિવત્ છે. શું કહું ? હાથમાં પાણી ભરેલી બાલદી હોય ત્યારે અક્કડ થઈને ચાલવું જો શક્ય નથી જ બનતું તો પડતીના સમયમાં અભિમાની બન્યા રહીને જીવવું ય શક્ય નથી જ બનતું. બાલદીના વજનને જીરવવા માટે જો ઝૂકીને જ ચાલવું પડે છે તો પડતીના સમયમાં ટકી રહેવા માટે નમ્ર બનીને જ જીવવું પડે છે. તપાસવા જેવું લાગે તો ખુદના જીવનને જ તપાસી જોજો. જ્યારે જ્યારે પણ જીવન મુસીબતોથી ઘેરાઈ ગયું હશે, શરીર રોગોથી વ્યાપ્ત બની ગયું હશે, ધંધામાં મંદી આવી હશે, ઉઘરાણીઓ ડૂબી ગઈ હશે, સ્વજનો પ્રતિકૂળ બન્યા હશે, મિત્રવર્ગમાં ઉપેક્ષા થઈ હશે ત્યારે ત્યારે આપણે વધુ નમ્ર બન્યા હશું, વધુ શાણા બન્યા હશું, વધુ ડાહ્યા બન્યા હશું. બીજાના સહયોગમાં વધુ રહ્યા હશું. વચનમાં મીઠા બન્યા હશું અને વ્યવહારમાં સીધા રહ્યા હશું. વાસ્તવિકતા જો આ જ છે તો એનો અર્થ એટલો જ થાય છે કે સારા દિવસો આપણને સારા રાખવામાં એટલા કામયાબ નથી નીવડતા જેટલા કામયાબ ખરાબ દિવસો નીવડે છે. ચડતી આપણને શ્રીમંત બનાવી શકે છે, લોકપ્રિય બનાવી શકે છે, સત્તાધીશ બનાવી શકે છે, અહંકારી બનાવી શકે છે પણ પડતી તો આપણને પવિત્ર રાખી શકે છે, પુણ્યકાર્યો કરાવી શકે છે, પ્રેમમય અંતઃકરણવાળા બનાવી શકે છે. નમ્ર રાખી શકે છે. પૂછો મનને. કયા જીવનની અપેક્ષા છે ? ચડતીવાળા જીવનની કે પડતીવાળા જીવનની ? ૮૪

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51